વેવેલ, લૉર્ડ આર્કિબાલ્ડ પર્સિવલ

February, 2005

વેવેલ, લૉર્ડ આર્કિબાલ્ડ પર્સિવલ (. 5 મે 1883, કોલચેસ્ટર, ઇસૅક્સ, ઇંગ્લૅન્ડ; . 24 મે 1950, લંડન) : બ્રિટિશ ફિલ્ડમાર્શલ, મુત્સદ્દી અને વહીવટકર્તા ઈ. સ. 1943થી 1947 સુધીના સમયમાં એમણે હિંદના વાઇસરૉય અને ગવર્નર જનરલ તરીકે કામ કર્યું હતું. એમના પિતા લશ્કરમાં અધિકારી હતા. લૉર્ડ વેવેલે સૅન્ડહર્સ્ટની વિન્ચેસ્ટર કૉલેજ તથા રૉયલ મિલિટરી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. એ નમ્ર, પ્રામાણિક, ગંભીર સ્વભાવના અને હિંમતવાન હતા. કવિતા અને ઇતિહાસના અભ્યાસનો એમને શોખ હતો.

બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન એમણે મધ્યપૂર્વમાંનાં બ્રિટિશ લશ્કરી દળોના સેનાપતિનો હોદ્દો સંભાળ્યો. 1940માં ઇટાલીના આક્રમણ સામે ઇજિપ્તનું રક્ષણ કર્યું. 1941માં તેઓ હિંદમાંનાં બ્રિટિશ દળોના મુખ્ય સેનાપતિ (Commander in Chief) બન્યા. 1943માં એમને સિરેનૈકા અને વિન્ચેસ્ટરના ‘વાઇકાઉન્ટ’નો ખિતાબ મળ્યો. 1943ના ઑક્ટોબરમાં તેઓ હિંદના વાઇસરૉય અને ગવર્નર જનરલ બન્યા.

વેવેલ, લૉર્ડ આર્કિબાલ્ડ પર્સિવલ

લૉર્ડ વેવેલ પૂર્વેના વાઇસરૉય લૉર્ડ લિનલિથગોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાના નેતાઓ નારાજ હતા. 1942ની ‘હિંદ છોડો’ લડતને કારણે પ્રજામાં ઉગ્ર રોષ અને વિરોધ હતો. સર સ્ટેફર્ડ ક્રિપ્સની યોજનાનો અસ્વીકાર થયો હતો. લૉર્ડ વેવેલે હિંદની રાજકીય સમસ્યાના ઉકેલ માટે રજૂ કરેલી ‘વેવેલ યોજના’ની જાહેરાત જૂન, 1945માં થઈ. એ યોજના પ્રમાણે હિંદનો વહીવટ કરવા એક વચગાળાની સરકારની રચના કરવાની હતી. એ સરકારમાં હિંદના વાઇસરૉય, લશ્કરના કમાન્ડર ઇન ચીફ, હિંદુ અને મુસ્લિમ દરેક કોમના 40 ટકા સભ્યો, એક શીખ અને એક અસ્પૃદૃશ્ય જાતિના સભ્યનો સમાવેશ થવાનો હતો. એ ઉપરાંત, નવા બંધારણની રચના અંગે વિચારણા કરવાની અને સ્વતંત્ર હિંદમાં દેશી રાજ્યોનું સ્થાન કેવું રહે એ વિશે એના રાજાઓ સાથે ચર્ચા કરવાની જોગવાઈ હતી. એનો વહીવટ 1935ના કાયદા પ્રમાણે ચાલવાનો હતો.

વેવેલ યોજનાનો અમલ કરવા સિમલામાં મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓની પરિષદ બોલાવવામાં આવી. એમાં મુસ્લિમ પ્રધાનોની પસંદગી કૉંગ્રેસ નહિ, પરંતુ મુસ્લિમ લીગ કરે એવો મહમદઅલી ઝીણાએ આગ્રહ રાખ્યો. તેથી તે પરિષદ કોઈ સર્વાનુમતી નિર્ણય પર આવી શકી નહિ; છતાં વેવેલે 1946ના સપ્ટેમ્બરમાં પંડિત જવાહરલાલ નહેરુના વડાપ્રધાનપદ નીચે વચગાળાની સરકારની રચના કરી. લૉર્ડ વેવેલ અખંડ હિંદુસ્તાનના હિમાયતી અને ભાગલાના વિરોધી હતા.

લૉર્ડ વેવેલ પાસે બે વિકલ્પો હતા. હિંદમાં જોરજુલમથી બ્રિટિશ શાસન ચાલુ રાખવું અથવા હિંદને વહેલી તકે આઝાદી આપવી. પ્રથમ વિકલ્પમાં ઘણાં જોખમો હતાં. એટલે એમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. સારું વાતાવરણ ઊભું કરવા એમણે ગાંધીજીને મે, 1944માં જેલમાંથી મુક્ત કર્યા બ્રિટનના રૂઢિચુસ્ત વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ લૉર્ડ વેવેલના પ્રચ્છન્ન વિરોધી હતા. તેથી ઘણી વાર વેવેલનાં સૂચનોને એ નકારી કાઢતા.

આ અરસામાં હિંદના નૌકાદળમાં બળવો થયો. મુસ્લિમ લીગે 1946ની 16મી ઑગસ્ટને ‘સીધાં પગલાં દિન’ તરીકે ઊજવ્યો. તે દિવસે કોમી રમખાણોમાં સેંકડો હિંદુઓની હત્યા થઈ. ઇંગ્લૅન્ડમાં ક્લેમેન્ટ એટલીના વડાપ્રધાનપદ નીચે રચાયેલી મજૂર પક્ષની નવી સરકારે હિંદમાં કૅબિનેટ મિશન મોકલવાની જાહેરાત કરી. લૉર્ડ વેવેલને જાન્યુઆરી, 1947માં ઇંગ્લૅન્ડ પાછા બોલાવી લેવામાં આવ્યા અને હિંદમાં આઝાદીની યોજના અમલમાં મૂકવા લૉર્ડ માઉન્ટબૅટનને છેલ્લા અંગ્રેજી વાઇસરૉય તથા ગવર્નર જનરલ તરીકે હિંદ મોકલવામાં આવ્યા. લૉર્ડ વેવેલ અખંડ હિંદુસ્તાનના હિમાયતી હતા; પરંતુ એમનું એ સ્વપ્ન સાકાર ન થયું અને અંતે ઑગસ્ટ, 1947માં ભારત અને પાકિસ્તાન  એવા બે ભાગલા કરી હિંદને આઝાદી આપવામાં આવી.

મુગટલાલ પોપટલાલ બાવીસી