વેલ્સ હૉરેસ (. 21 જાન્યુઆરી 1815, હાર્ટફૉર્ડ, વેરમોન્ટ, યુ.એસ.; . 24 જાન્યુઆરી 1848, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન દંત-વૈદ્ય અને શલ્યક્રિયામાં દર્દની સંવેદનાને બધિર કરવા માટે નિશ્ચેતક (ઍનિસ્થેસિયા) વાપરનાર પ્રથમ તજ્જ્ઞ. હાર્ટફૉર્ડમાં દાંતના દાક્તર તરીકે ફરજ બજાવતાં તેમણે નાઇટ્રસ ઑક્સાઇડ(‘લાફિંગ ગૅસ’)ના ગુણધર્મનો શસ્ત્રક્રિયામાં દર્દીની પીડા ટાળવા માટે ઉપયોગ કર્યો. નાઇટ્રસ ઑક્સાઇડનો નિશ્ચેતક તરીકેનો પ્રથમ અખતરો તેમણે જાન્યુઆરી, 1845માં મૅસેચૂસેટ્સની જનરલ હૉસ્પિટલમાં કર્યો; પરંતુ તેમાં તેમને ધારી સફળતા મળી નહિ અને હાંસીને પાત્ર બન્યા. વિલિયમ મૉર્ટન, જે તેમના શિક્ષક અને બાદમાં સહકાર્યકર્તા હતા, તેમણે 1846(ઑક્ટોબર)માં ઈથર દ્વારા બધિર કરવાનો સફળ પ્રયોગ કરી બતાવ્યો. ત્યારબાદ વેલ્સે જાતે નાઇટ્રસ ઑક્સાઇડ, ક્લૉરોફૉર્મ અને અન્ય રાસાયણિક નિશ્ચેતકોના ખૂબ ઊંડાણપૂર્વક તુલનાત્મક પ્રયોગો કરી બતાવ્યા.

હૉરેસ વેલ્સ

વિવિધ રાસાયણિક વાયુઓને વારંવાર શ્વાસમાં લેવાથી વેલ્સ હૉરેસના મગજને માઠી અસર થઈ અને તેને કારણે તેમણે મગજ ઉપરનો કાબૂ ગુમાવી દીધો. આવી જ પરિસ્થિતિમાં તેમણે એક વ્યક્તિ ઉપર તેજાબ નાંખતા ન્યૂયૉર્કની પોલીસે તેમને જેલમાં પૂયર્.િ આ જ જેલમાં તેમણે તેમના જીવનનો જાતે જ અંત આણ્યો. વિધિની વક્રતા એવી કે આ બનાવ બન્યો તે જ સમયે પૅરિસની મેડિકલ સોસાયટી દ્વારા નિશ્ચેતક (ઍનિસ્થેસિયા) વાયુઓના શોધક તરીકે તેમના કાર્યને જાહેરમાં આવકારવામાં આવેલું.

રા. ય. ગુપ્તે