વેવિશાળ (1949) : ઝવેરચંદ મેઘાણીની જાણીતી સામાજિક નવલકથા ‘વેવિશાળ’ પર આધારિત ગુજરાતી ચલચિત્ર. કીર્તિ પિક્ચર્સના નેજા હેઠળ નિર્માતા પી. બી. ઝવેરીએ નવલકથાનું જ નામાભિધાન રાખી આ ફિલ્મનું નિર્માણ કર્યું. ‘વેવિશાળ’નું દિગ્દર્શન અને સંવાદ-લેખન ચતુર્ભુજ દોશીનાં હતાં. ચિત્રની વાતર્િ આ પ્રમાણે છે : બે વણિક પરિવારો અન્યોન્ય સાથે લગ્નસંબંધથી જોડાય છે. દીકરીના પિતા ચાંપશીભાઈ મુંબઈ જઈને કમાઈને ચાંપશીભાઈમાંથી ચંપકલાલ શેઠ બને છે. ગામડામાં જ સ્થાયી થયેલા સુખલાલની સાથે પોતાની પુત્રી સુશીલાને વરાવવામાં ચંપક શેઠ નાનમ અનુભવે છે. ચંપક શેઠના પરિવારના મોભી ગરવા સ્વભાવનાં ભાભુમાને ચંપક શેઠનું આવું વર્તન પસંદ નથી. સુખલાલના પિતા દીપચંદે પુત્ર સુખલાલ ભણી-ગણી સંસ્કારી બને તે માટે તેને મુંબઈ મોકલ્યો. મુંબઈમાં સુખલાલ અને સુશીલાનો મેળાપ થાય છે અને તેમની વચ્ચે સ્નેહાંકુરો ફૂટે છે. તવંગર છતાં લાલચુ ચંપક શેઠ ધનના મોહમાં સુશીલાને શરીફ બદમાશ વિજયચંદ્ર જોડે પરણાવવા માટે વિચારે છે. સુખલાલનો કાંટો કાઢવા ચંપક શેઠ તેની પાસે ગજા ઉપરાંતનું કામ કરાવી માંદગીનો ભોગ બનાવે છે. સુખલાલની સારવાર કરતી સુશીલા સુખલાલના વધુ સાંનિધ્યમાં આવે છે. ચંપક શેઠ સુખલાલના પિતા દીપચંદને ડરાવી, ધમકાવી અને બનાવટી તબીબી પ્રમાણપત્રો બતાવી સુખલાલ નપુંસક છે એવું ઠસાવે છે. સુખલાલ સ્વમાનભેર જાતે કમાઈને સુશીલાને જ પરણવાનો નિશ્ર્ચય કરે છે. ગુણિયલ, ગરવાં ભાભુમા સુખલાલના ખરાબે ચડેલા વહાણને એક કુશળ નાવિકની પેઠે સમજપૂર્વક, યુક્તિપૂર્વક અને સફળતાપૂર્વક કિનારે પહોંચાડે છે. ‘વેવિશાળ’ની સમગ્ર કથામાં સુશીલા અને ભાભુમાનાં પાત્રો વાચકોના – પ્રેક્ષકોના દિલ-દિમાગ ઉપર છવાયેલાં રહે છે.

‘વેવિશાળ’ ચલચિત્રના કલાકારોમાં ઉષાકુમારી, મોતીબાઈ, મુમતાજ, ચંદ્રલેખા, ઘનશ્યામ, ચંદ્રવદન ભટ્ટ, ભગવાનદાસ, બબલદાસ, ભોગીલાલ, વિઠ્ઠલદાસ જેવા જૂની ગુજરાતી રંગભૂમિનાં કલાધરો હતાં. ઉષાકુમારી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં ઉષા કિરણ તરીકે જાણીતી હતી. વીસરાતી ગુજરાતી રંગભૂમિના ગીતકાર પ્રફુલ્લ દેસાઈનાં ગીતો તથા મોહન જુનિયર અને રમેશ દેસાઈનું સંગીત હતું. અન્ય કલાકસબીઓમાં અદી ઈરાની, દત્તા સાવંત, તુલસી પવાર, રામલાલ, દિલાવર, ઇકબાલ, ત્રંબક, લીલા જયવંત, દક્ષા, જિન્નતકુમારી અને બેબી સરોજ હતાં. પ્રફુલ્લ દેસાઈનાં ગીતો ‘હાલ્ય અલ્યા કાળિયા, હાલ્ય અલ્યા ધોળિયા’; ‘મનની મેના મીઠું બોલી, બેઠી આશા ડાળ રે’; ‘સાવ રે સોનાનો મારો ઝૂમખો ખોવાયો’; ‘મારા સપનાને પાંખો આવી’ તથા ‘દિલે ધડકન મીઠી મીઠી, નયનમાં કંઈ ખુમારી છે’ જેવી ગઝલમાં કાવ્ય અને સંગીત ઉભયનો સમન્વય જોવા મળે છે.

હરીશ રઘુવંશી