વેલ્સ, ઓર્સન (. 6 મે 1915, કેનોશા, વિસ્કૉન્સિન, અમેરિકા; . 9 ઑક્ટોબર 1985) : અભિનેતા, નિમર્તિા, દિગ્દર્શક અને પટકથાલેખક. પૂરું નામ જ્યૉર્જ ઓર્સન વેલ્સ. વિશ્વની પ્રશિષ્ટ સિનેકૃતિઓમાં અવ્વલ ગણાતી ‘સિટિઝન કેન’ના સર્જને વેલ્સને ટોચના ચિત્રસર્જકોમાં સ્થાન અપાવ્યું હતું. વેલ્સે પોતાની કારકિર્દીનો પ્રારંભ સિને-પત્રકાર તરીકે કર્યો હતો. એ પછી રંગભૂમિ પર થોડો સમય કામ કર્યું અને નામના મેળવી. માત્ર 18 વર્ષની વયે આયર્લૅન્ડમાં પ્રયોગશીલ રંગભૂમિ ‘ગેટ થિયેટર’નાં નાટકોમાં તેમણે કામ કર્યું અને 19મા વર્ષે ‘રોમિયો ઍન્ડ જુલિયેટ’માં ટાયબોલ્ટની ભૂમિકા સાથે બ્રૉડવેમાં પદાર્પણ કર્યું. નિર્માતા-દિગ્દર્શક જૉન હાઉસમૅન સાથે મળીને મકર્યુરી થિયેટરના નેજા હેઠળ તેમણે ‘મૅકબેથ’ અને ‘જુલિયસ સીઝર’ સહિત કેટલાંક સુંદર નાટકો ભજવ્યાં. ‘સીબીએસ’ માટે તેમણે ઘણાં રેડિયો-નાટકો પણ તૈયાર કર્યાં. તેમાંનું એક નાટક હતું એચ. જી. વેલ્સ લિખિત ‘વૉર ઑવ્ વર્લ્ડ્ઝ’. આ નાટકની રજૂઆત એટલી અદ્ભુત હતી કે તેની સફળતા પછી ‘સીબીએસે’ વેલ્સને બે ચિત્રોનું નિર્માણ, લેખન, દિગ્દર્શન અને તેમાં અભિનય કરવા માટે હોલિવુડ મોકલ્યા. જેણે કદી કોઈ ચલચિત્ર ન બનાવ્યું હોય તેને આટલી મોટી જવાબદારી સોંપાય એ હોલિવૂડના ઇતિહાસમાં અદ્વિતીય હતું.

ઓર્સન વેલ્સ

તેમણે બે ચિત્રો પર હાથ અજમાવ્યા બાદ અંતે ‘સિટિઝન કેન’નું સર્જન કર્યું. કોઈ પણ ચિત્રસર્જકના પ્રારંભિક ચિત્રની દૃષ્ટિએ વેલ્સની આ અદ્વિતીય ઉપલબ્ધિ હતી. 1940માં પ્રદર્શિત થયેલું ચિત્ર ‘સિટિઝન કેન’ (પ્રારંભે આ ચિત્રનું શીર્ષક ‘અમેરિકન’ રખાયું હતું.) રજૂઆત અને પ્રયોગશીલતાને કારણે એક વિલક્ષણ કૃતિ ગણાઈ છે. કથા કહેવાની તેમની આગવી શૈલીથી માંડીને અનેક રીતે આ ચિત્ર નોંધપાત્ર ગણાયું. એ સમયના પ્રકાશન-જગતના માંધાતા વિલિયમ રેન્ડૉલ્ફ હર્સ્ટને ધ્યાનમાં રાખીને તેમણે એક ઉદ્યોગપતિ ચાર્લ્સ ફૉસ્ટર કેનનું પાત્ર ઘડ્યું હતું અને ભ્રષ્ટાચાર આચરીને કઈ રીતે તે ટોચ પર પહોંચે છે તેનું અસરકારક નિરૂપણ કર્યું. આ ચિત્રને સમીક્ષકોએ ખૂબ વખાણ્યું પણ હર્સ્ટે તેના પ્રદર્શન આડે થઈ શકે તેટલા અવરોધો ઊભા કરતાં વ્યાવસાયિક રીતે આ ચિત્રને સફળતા મળી શકી નહોતી. એ પછી વેલ્સે બૂથ ટૉર્કિંગટનની નવલકથા પર આધારિત ‘મૅગ્નિફિસન્ટ એમ્બરસન્સ’ ચિત્રનું સર્જન કર્યું.

તે પછી દસ્તાવેજી પ્રકારના એક ચિત્ર ‘ઇટ્સ ઑલ ટુ’ના નિર્માણની યોજના બનાવી હતી. તેના શૂટિંગ માટે તેઓ બ્રાઝિલનાં દુર્ગમ જંગલોમાં લાંબો સમય રહ્યા, પણ આ લઘુચિત્રનું નિર્માણ શક્ય ન બની શક્યું. દરમિયાનમાં તેમના નવા કથાચિત્ર ‘જર્ની ઇનટુ ફિયરે’ પણ વિશ્વના સમીક્ષકોનું ધ્યાન ખેંચ્યું હતું. એ પછી વેલ્સનાં બીજાં બે ચિત્રો ‘ધ સ્ટ્રેન્જર’ અને ‘લેડી ફ્રૉમ શાંઘાઈ’માં મુખ્ય ભૂમિકા અભિનેત્રી રીટા હૉવર્થે ભજવી હતી. આ ખ્યાતનામ અભિનેત્રી સાથે તેમના અતિ નિકટના સંબંધો રહ્યા હતા. એ પછી બંનેએ લગ્ન કર્યાં હતાં અને થોડાં વર્ષો પછી છૂટાં પડ્યાં હતાં.

‘ધ થર્ડ મૅન’, ‘જેન આયર’, ‘મોબી ડિક’, ‘ધ લાગ હૉટ સમર’, ‘કમ્પલઝન’ જેવાં ચિત્રો દ્વારા વેલ્સે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. 50ના દાયકામાં એક દિગ્દર્શક તરીકે તેઓ પ્રસિદ્ધિની ટોચ પર હતા. વેલ્સ પોતાનાં ચિત્રોમાં કૅમેરાના ‘ડીપ ફોકસ’ અને ‘વાઇડ ઍન્ગલ’નો વિશેષ ઉપયોગ કરવા માટે જાણીતા હતા.

નોંધપાત્ર ચિત્રો : ‘ધ હાર્ટ્સ ઑવ્ એજ’ (1934), ‘ટુ મચ જૉનસન’ (1938), ‘સિટિઝન કેન’ (1941), ‘જર્ની ઇનટુ ફિયર’, ‘ધ મૅગ્નિફિસન્ટ એમ્બરસન્સ’ (1942), ‘ફોલો ધ બૉયઝ’, ‘જેન આયર’ (1944), ‘ડ્યુઅલ ઇન ધ સન’, ‘ધ સ્ટ્રેન્જર’, ‘ટુમોરો ઇઝ ફૉર એવર’ (1946), ‘ધ લેડી ફ્રૉમ શાંઘાઈ’, ‘મૅકબેથ’ (1948), ‘બ્લૅક મેજિક’, ‘ધ થર્ડ મૅન’ (1949), ‘ધ બ્લૅક રોઝ’ (1950) અને ‘ઑથેલો’ (1952).

હરસુખ થાનકી