વેલેરિયસ ફ્લૅક્સ, ગેયસ (આશરે ઈ. સ. પહેલી સદી) : ‘આર્ગોનૉટિકા’ નામના મહાકાવ્યના રચયિતા, રોમન કવિ. અન્ય રોમન કવિ ક્વિન્ટિલિયને તેમના ‘ઇન્સ્ટિટુશિયો ઓરૅટોરિયા’ કાવ્યમાં વેલેરિયસને શ્રદ્ધાંજલિ આપેલ છે. ‘આર્ગોનૉટિકા’ સમ્રાટ વેસ્પાસિયનને અર્પણ કરવામાં આવેલ છે. તે હેક્ઝામીટરમાં લખાયું છે. જેસન અને કેટલાક સાહસિક વીરપુરુષો ‘આર્ગો’ નામના ભવ્ય વહાણમાં હંકારી જાય છે. તેમનો ઉદ્દેશ કોલ્ચિસમાંથી સુવર્ણરંગી ઘેટાનું ઊન થેસાલીમાં લાવવાનો છે. આ મહાકાવ્યમાં તે જાણીતી સાહસિક મુસાફરીનું વર્ણન છે.
ઍપોલોનિયસ, રહોડિયસ, વર્જિલ અને ઑવિડ જેવા સમર્થ કવિઓની અસર વેલેરિયસ પર છે. જોકે વેલેરિયસ પોતે જન્મજાત કવિ છે. સીધીસાદી અને હૃદયસોંસરવી નીકળી જાય તેવી તેમની બાનીમાં નાટ્યતત્વ સ્વાભાવિક રીતે પ્રગટ્યું છે. લૅટિન કવિતામાં ઘણુંખરું દૃષ્ટિગોચર થતાં પાંડિત્ય અને અતિશયોક્તિથી ભરપૂર આડંબરી શૈલી વેલેરિયસના સર્જનમાં કદાપિ દેખાતાં નથી. સૌપ્રથમ ઇટાલીના માનવતાવાદી પૉત્રિયોએ 1417માં ‘આર્ગોનોટિકા’ના પાંચ ભાગનું સંશોધનાત્મક સંપાદન કર્યું હતું. 1474માં આ મહાકાવ્યની સંપૂર્ણ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. ટ્યૂબ્નર ગ્રંથમાળામાં 1913માં તેની પુનરાવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
વિ. પ્ર. ત્રિવેદી