વેલેરિસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વૃક્ષસ્વરૂપ અને કાષ્ઠમય આરોહી પ્રજાતિ. તેનું વિતરણ ભારતથી શરૂ થઈ દક્ષિણ-પૂર્વ એશિયા અને ફિલિપાઇન્સ સુધી થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે, તે પૈકી એક ઔષધીય અગત્ય ધરાવે છે. તેની એક જાતિ Vallaris solanacea Kuntze syn. V. heynei Spreng. (સં. ભદ્રાવલિ, ભદ્રમુંજ; હિ. રામસર, ચમરીન્કી વેલ) મોટી, સુંદર, આરોહી ક્ષુપસ્વરૂપ ધરાવે છે અને ક્ષીરરસયુક્ત હોય છે. તે ઉષ્ણકટિબંધીય હિમાલયમાં 1500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તે દક્ષિણ ભારતમાં થાય છે. પર્ણો સાદાં, ઉપવલયાકાર (elliptic) કે લંબચોરસ અથવા રેખીય લંબચોરસ અને અણીદાર (acuminate) હોય છે. તેનો પર્ણદંડ ખાંચવાળો હોય છે. પુષ્પનિર્માણ જાન્યુઆરીથી શરૂ થઈ એપ્રિલ સુધી થાય છે. પુષ્પવિન્યાસ 3થી 6 પુષ્પો ધરાવતો કક્ષીય પરિમિત (axillary cyme) પ્રકારનો હોય છે. પુષ્પો સફેદ અને સુગંધિત હોય છે. ફળ એકસ્ફોટી (follicle) પ્રકારનું અને લગભગ 15 સેમી. જેટલું લાંબું હોય છે. બીજ રોમગુચ્છ (comose) ધરાવે છે.

તે ઉદ્યાનોમાં સુગંધિત પુષ્પો માટે ઉગાડવામાં આવે છે. તેને ખુલ્લી જાળીઓ પર, કમાનો પર કે વૃક્ષો પર ચઢાવવામાં આવે છે. તે શુષ્કતા અવરોધી (drought resistant) છે અને તેનું અધોભૂસ્તારી (sucke), કટકાઓ, બીજ અને દાબકલમ દ્વારા પ્રસર્જન થાય છે.

આ વનસ્પતિ પર કેટલીક ફૂગ દ્વારા ચેપ લાગે છે. Cercospora punjabensis પર્ણો પર ગોળ કે અંડાકાર ભૂખરાં બદામી ટપકાં ઉત્પન્ન કરે છે. Aecidium ponderosum શાખાઓ પર આક્રમણ કરે છે. Exosporium ampullaceum કાષ્ઠ પર ચેપ લગાડે છે.

તેનો ક્ષીરરસ મંદ ઉત્તેજક છે અને ઘા પર કે જૂના વ્રણ પર લગાડવામાં આવે છે. તેના દ્વારા ઝડપથી રૂઝ આવે છે. તે દાંતના દુખાવામાં અને પેઢાંના સોજા પર લગાડવામાં આવે છે. તેની છાલ કડવી અને સંકોચક (astringent) હોય છે. ઢીલા દાંતને સ્થાયી કરવા છાલ ચૂસવામાં આવે છે. તે ‘વિષગર્ભ તૈલ’ નામના આયુર્વેદિક ઔષધનું એક ઘટક છે.

પ્રકાંડ અને પર્ણોમાંથી ગ્લાયકોસાઇડનું મિશ્રણ મળી આવે છે, જે કૂતરામાં ધમનીમાં રુધિરનું દબાણ વધારે છે અને બધા અનૈચ્છિક સ્નાયુઓ પર ઉત્તેજક અસર દાખવે છે. આ ગ્લાયકોસાઇડ પૈકીના બે સ્ટ્રૉફેન્થસ-ડાઇજિટેલિસ સમૂહના છે. બીજમાંથી આઠ જેટલા ગ્લાયકોસાઇડ સ્ફટિકમય સ્વરૂપમાં મેળવવામાં આવ્યા છે. બીજમાંથી 33 % જેટલું ચરબીયુક્ત તેલ ઉત્પન્ન થાય છે.

તેની શાખાઓ ટોપલાઓ બનાવવામાં ઉપયોગી છે. પુષ્પો અને ફળો ખાદ્ય હોય છે. કાષ્ઠ સફેદ રંગનું અને પોચાથી માંડી મધ્યમસરનું સખત હોય છે.

glabra Kuntze syn. V. pergulanus Burm. f. જાવાની મૂલનિવાસી જાતિ છે અને ઉદ્યાનોમાં સુગંધિત પુષ્પો માટે ઉછેરવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ