વેલેરા, ઇમન ડી (. 1882, ન્યૂયૉર્ક સિટી; . 1975) : આઇરિશ રાજપુરુષ, રીપબ્લિક ઑવ્ આયર્લૅન્ડના વડાપ્રધાન અને પ્રમુખ. તેમના પિતા સ્પૅનિશ અને માતા આઇરિશ હતાં. તેમણે આયર્લૅન્ડમાં ડબ્લિનમાં બ્લૅકરૉક કૉલેજ અને રૉયલ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. કેટલીક ડિગ્રીઓ મેળવ્યા બાદ તેમણે જુદી જુદી કૉલેજો અને શિક્ષણ-સંસ્થાઓમાં ગણિતશાસ્ત્ર, ફ્રેન્ચ અને લૅટિન વિષયો ભણાવ્યા હતા. તેઓ 1913માં આઇરિશ વૉલન્ટિયર્સમાં જોડાયા અને 1915-16માં ડબ્લિન બ્રિગેડના અમલદાર બન્યા. તેમણે 1916ના ઈસ્ટર રાઇઝિંગમાં સરદાર તરીકે ભાગ લીધો. તેમને કેદ કરીને મૃત્યુદંડની સજા કરવામાં આવી; પરંતુ સજામાં ઘટાડો કરીને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી. ઈ. સ. 1917માં અપાયેલી સાર્વત્રિક માફીમાં તેમને છોડી મૂકવામાં આવ્યા.

ઇમન ડી વેલેરા

ડી વેલેરાએ ફરી વાર રાજકારણમાં ઝંપલાવ્યું અને 1917માં ઈસ્ટર ક્લેર વિસ્તારમાંથી સિન ફિન પક્ષના સંસદસભ્ય તરીકે ચૂંટાયા. 1917થી 1921 સુધી તેઓ આઇરિશ વૉલન્ટિયર્સના પ્રમુખ હતા અને 1917થી 1926 સુધી તેઓ સિન ફિનના પણ પ્રમુખ હતા. મે 1918માં તેમની ફરી વાર ધરપકડ કરવામાં આવી અને લિંકન જેલમાં રાખવામાં આવ્યા. ત્યાંથી ફેબ્રુઆરી 1919માં તેઓ નાસી ગયા. 1919થી 1922 સુધી તેઓ ‘આઇરિશ રીપબ્લિક’ના પ્રમુખ હતા. આ દરમિયાન 1919માં તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ નાસી ગયા અને 1920માં આયર્લૅન્ડ પાછા ફરીને ડબ્લિનમાં ગુપ્ત રહ્યા અને બ્રિટિશ સરકાર વિરુદ્ધના સંઘર્ષને માર્ગદર્શન આપ્યું. તેમણે આયર્લૅન્ડનું વિભાજન કરતી અગ્લો-આઇરિશ સંધિ(1921-22)નો અસ્વીકાર કર્યો અને 1922-23ના આંતરવિગ્રહમાં ભાગ લીધો. ઑગસ્ટ 1923માં તેમને પકડીને જેલમાં પૂર્યા અને જુલાઈ 1924માં મુક્ત કરવામાં આવ્યા. ડી વેલેરાએ 1926માં ફિયેના ફેઇલ નામનો નવો પક્ષ સ્થાપ્યો. 1927થી 1932 દરમિયાન ડી વેલેરા આઇરિશ ફ્રી સ્ટેટની પાર્લમેન્ટના વિરોધપક્ષના નેતા હતા. 1932ની ચૂંટણીમાં તેમના પક્ષને બહુમતી મળી અને વેલેરા વડાપ્રધાન અને વિદેશમંત્રી બન્યા. તેમણે પછી સામાજિક, ઔદ્યોગિક તથા ખેતીવિષયક સુધારાના તેમના કાર્યક્રમનો અમલ કર્યો. રીપબ્લિક ઑવ્ આયર્લૅન્ડનું હાલનું બંધારણ ઘડવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ બંધારણથી દેશ સાર્વભૌમ સ્વતંત્ર રાજ્ય બન્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડી વેલેરાએ પોતાના દેશને તટસ્થ જાહેર કર્યો અને યુદ્ધ દરમિયાન વાસ્તવમાં તટસ્થતા જાળવી.

ફેબ્રુઆરી, 1948ની ચૂંટણીમાં ડી વેલેરાના પક્ષનો પરાજય થયો અને ત્રણ વર્ષ તેઓ વિરોધમાં બેઠા. ત્યારબાદ ડી વેલેરા 1951થી 1954 અને 1957થી 1959 વડાપ્રધાન અને 1959થી 1973 સુધી દેશના પ્રમુખ હતા. તેમણે પોતાની 90 વર્ષની વયે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી.

જયકુમાર ર. શુક્લ