વૅલેન્ટાઇન ડે : પ્રેમ અને લાગણીના ઉત્સવ તરીકે, 14મી ફેબ્રુઆરીએ દુનિયાના અનેક દેશોમાં, હોંશભેર ઊજવાતો દિવસ. આ દિવસે લોકો, સવિશેષ યુવક-યુવતીઓ પોતપોતાનાં પ્રિય પાત્રોને, મિત્રોને કે કુટુંબના સભ્યોને ‘વૅલેન્ટાઇન’ના અભિવાદન-સંદેશા મોકલે છે. કેટલાક સંદેશા-પત્રોમાં કાવ્યો, હાસ્યપ્રધાન ચિત્રો કે કહેવતો પણ હોય છે. આ દિવસે ઠેર ઠેર મિજબાનીઓ અને નૃત્ય-સમારંભો યોજાય છે. કેટલાક લોકો પોતાનાં પ્રિયજનોને પુષ્પગુચ્છ, લાલ ગુલાબ કે ચૉકલેટની ભેટ આપે છે. પતિ-પત્ની અને પ્રેમીઓ આ દિવસે એકબીજાંનું અભિવાદન કરે છે. કેટલાક સમયથી ભારતની કેટલીક શાળા-મહાશાળાઓમાં પણ વિદ્યાર્થીઓ આ દિવસ ઉત્સાહથી ઊજવે છે.

‘વૅલેન્ટાઇન ડે’ની શરૂઆત ક્યારે, કઈ રીતે, ક્યાં થઈ તે વિશે જુદા જુદા મત છે. એક મત અનુસાર આ ઉજવણીનાં મૂળ રોમના પ્રાચીન ઉત્સવ ‘લુપરકાલિયા’માં મળે છે. વળી ખ્રિસ્તી ધર્મના કેટલાક સંતો સાથે પણ ‘વૅલેન્ટાઇન ડે’ને જોડવામાં આવે છે. જોકે અંગ્રેજ લોકોની માન્યતા અનુસાર પક્ષીઓ સંવનન માટે 14 ફેબ્રુઆરીના દિવસને પસંદ કરે છે. કદાચ આ ત્રણ સ્રોત ઉપરાંત ઋતુરાજ વસંતનું આગમન આ પ્રકારની ઉજવણી માટેનું કારણ હોઈ શકે.

પ્રાચીન રોમમાં 15 ફેબ્રુઆરીના રોજ લુપરકાલિયાનો તહેવાર ઊજવાતો. વરુ જેવાં હિંસક પશુઓથી બચવા માટે એનું આયોજન થયું હોય તેવી એક માન્યતા છે. આ તહેવારે યુવાનો વરુનાં મહોરાં પહેરી સ્ત્રીઓ ઉપર હળવા પ્રહાર કરતા. સ્ત્રીઓ ચાબુકના મારથી માતૃત્વ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં આવી શકે તેવી તેમની માન્યતા હતી. જુલિયસ સીઝરે ઈ. સ. 43માં ઇંગ્લૅન્ડ પર વિજય મેળવ્યો તે પછી ત્યાં રોમના કેટલાક ઉત્સવો દાખલ થયા. તેમાં વૅલેન્ટાઇન ડે પણ ઉમેરાયો.

રોમના સમ્રાટ ક્લૉડિયસ-2એ ઈ. સ. 200માં યુવાનોના લગ્ન પર પ્રતિબંધ મૂક્યો. લશ્કર માટે અપરિણીત યુવાનો ઉત્તમ સૈનિકો બની શકે તેવી તેની માન્યતા હતી. જોકે વૅલેન્ટાઇન નામના એક પાદરીએ સમ્રાટના હુકમનો અનાદર કર્યો અને ગુપ્ત રીતે તેણે યુવાન પુરુષ અને સ્ત્રીના લગ્નની  વિધિ કરાવવાનું ચાલુ રાખ્યું. અન્ય દંતકથા મુજબ વૅલેન્ટાઇન નામના એક ખ્રિસ્તી યુવકે ઘણાં બાળકોને મિત્ર બનાવેલાં. આ ખ્રિસ્તી યુવકને રોમનોએ બંદીવાન બનાવ્યો, કારણ કે રોમનોના દેવો પ્રત્યે તેને પૂજ્ય ભાવ ન હતો. બાળકોએ જેલમાં પુરાયેલા વૅલેન્ટાઇનને ઉદ્દેશીને લખેલ ઊર્મિસભર પત્રો જેલની કોટડીના સળિયા વચ્ચેથી પહોંચાડ્યા. ઉત્કટ લાગણીને લખાણમાં વ્યક્ત કરવાની આ પરંપરા ‘વૅલેન્ટાઇન ડે’ની ઉજવણીમાં આજે પણ ચાલુ છે. અન્ય મત અનુસાર બંદીવાન વૅલેન્ટાઇને જેલરની અંધ પુત્રીને દૃદૃષ્ટિદાન બક્ષ્યું હતું.

એમ પણ મનાય છે કે વૅલેન્ટાઇનને 14 ફેબ્રુઆરીના રોજ ઈ. સ. 269ના અરસામાં દેહાંત દંડ આપવામાં આવ્યો હતો. તેથી પોપ જિલેશિયસે 15 ફેબ્રુઆરીને ‘સેંટ વૅલેન્ટાઇન ડે’ તરીકે ઊજવવાની આજ્ઞા કરેલી.

મધ્યકાલીન સમયમાં ફ્રાન્સ નજીક આવેલા નૉર્મન્ડીમાં નૉર્મન ફ્રેન્ચ ભાષામાં ‘ગેલેન્ટાઇન’ શબ્દ પ્રયોજાતો હતો. તે શબ્દ વૅલેન્ટાઇનને મળતો આવતો હતો. તે ઉપરથી ‘ગેલન્ટ’ અથવા ‘લવર’ શબ્દોને અનુલક્ષીને સેંટ વૅલેન્ટાઇનને પ્રેમીઓના ખાસ સંત તરીકે નવાજવામાં આવ્યા હોય તેવી પણ માન્યતા છે.

અંગ્રેજી કવિતાના જનક જ્યૉફ્રે ચૉસરના ‘ધ પાર્લમેન્ટ ઑવ્ ફાઉલ્સ’ કાવ્યમાં અને વિલિયમ શેક્સપિયરના ‘અ મિડસમર નાઇટ્સ ડ્રીમ’ નાટકમાં ‘સેંટ વૅલેન્ટાઇન’નો ઉલ્લેખ છે.

ઇંગ્લૅન્ડમાં 1400થી આ ઉત્સવ ઊજવાય છે. ફ્રાન્સના ચાર્લ્સ ડ્યૂક ઑવ્ ઑર્લિયન્સને આ દિવસે અભિનંદનનાં કાવ્યો લખી મોકલવામાં આવતાં. જોકે ઍગિનકોર્ટ(1415)ના યુદ્ધમાં આ ડ્યૂકને અંગ્રેજોએ કેદ કરેલો. ઇંગ્લૅન્ડના ટાવર ઑવ્ લંડનની જેલમાંથી તેણે પોતાની પત્નીને પ્રેમપત્ર 14 ફેબ્રુઆરીએ લખેલો.

કેટલીક અપરિણીત સ્ત્રીઓ ચિઠ્ઠીમાં પોતાના સ્વપ્નપુરુષનું નામ લખીને તેને પાણીમાં ફેંકી દેતી. આમ પોતાની પસંદગીના ભાવિ પતિને તે સંદેશો મોકલતી હોય તેવો ઇરાદો વ્યક્ત થતો હતો. પુરુષો પણ પોતાની પ્રિયતમાનું નામ બાંય પર લખતા. આથી ‘વેરિંગ હિઝ હાર્ટ ઑન હિઝ સ્લીવ’ કહેવત પ્રચલિત થઈ હતી.

કાર્ડને બદલે ભેટસોગાદ મોકલવાની પ્રથા પાછળથી દાખલ થઈ. વૅલેન્ટાઇનનાં ઊર્મિસભર લખાણો માટેના કાર્ડની આજે તો બોલબાલા છે. આ માટે પુસ્તકો-પુસ્તિકાઓ પણ લખાયાં છે.

‘વૅલેન્ટાઇન ડે’ના અનુકરણમાં ખાસ કરીને ગુજરાતની શાળા-કૉલેજોમાં રોઝ ડે, ચૉકલેટ ડે, વેજિટેબલ ડે, ટ્રેડિશનલ ડે, બ્લૅક ડે, વ્હાઇટ ડે (પોષાકના રંગના અર્થમાં) કે મિસમેચિંગ ડે ઊજવવાની ઘેલછા કે ફૅશન શરૂ થયાં છે. જોકે દેશભરમાં કે દુનિયાભરમાં મજૂર ડે  1 મે, પૃથ્વીદિન  22 મે,  પર્યાવરણ ડે  5 જૂન, શિક્ષકદિન  5 સપ્ટેમ્બર, બાળદિન  14 નવેમ્બર (છેલ્લા બે માત્ર ભારતમાં) વગેરે ઊજવાય છે.

વિ. પ્ર. ત્રિવેદી