વેબર, અર્ન્સ્ટ હેઇન્રિખ (Weber Ernst Heinrich)

February, 2005

વેબર, અર્ન્સ્ટ હેઇન્રિખ (Weber Ernst Heinrich) (. 24 જૂન 1795, લિપઝિગ, વિટનબર્ગ; . 26 જાન્યુઆરી 1878) : જાણીતા જર્મન મનોવિજ્ઞાની. વિજ્ઞાન તરીકે માનસશાસ્ત્રની શરૂઆત ખરેખર ક્યારથી થઈ તે કહેવું મુશ્કેલ છે. આમ છતાં, નવા મનોવિજ્ઞાનનો પાયો નાંખવાનું શ્રેય ત્રણ જર્મન મનોવૈજ્ઞાનિકો વેબર, ફેકનર તથા વિલ્હેમ વુન્ટને ફાળે જાય છે. વેબર અર્ન્સ્ટ દ્વારા મનોભૌતિકશાસ્ત્રનો પ્રારંભ થયો હતો. આ મનોભૌતિક પદ્ધતિઓ દ્વારા જ મનોવૈજ્ઞાનિક માપનો શક્ય બન્યાં છે. જી. ટી. ફેકનર પહેલાં વેબરે જ કેટલીક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો અભ્યાસ પ્રાયોગિક રીતે કર્યો હતો. અલબત્ત જી. ટી. ફેકનરે વેબરના અભ્યાસોનું વધુ વ્યવસ્થિત પ્રવિધિઓ દ્વારા માપન કરી સંવેદનક્ષેત્રે નિયમો પ્રસ્થાપિત કર્યા. આ બંને શરીરવિજ્ઞાનીઓના મનોભૌતિકશાસ્ત્રના પ્રદાનરૂપ ‘વેબરફેકનર લૉ’ આજેય જાણીતો છે. ઉદ્દીપકના ભૌતિક ગુણો અને સંવેદનના પરિમાણાત્મક ગુણોના સંબંધોનો અભ્યાસ મનોભૌતિકશાસ્ત્ર કરે છે. મનોભૌતિકશાસ્ત્રની રચના મનોભૌતિક પદ્ધતિઓના સ્વરૂપને સમજવા માટે થઈ. આ પદ્ધતિઓનો ઉપયોગ ભૌતિક જગતનાં ઉદ્દીપકોનો માનસિક જગતના સંવેદનાત્મક અનુભવોની સાથે પ્રમાણાત્મક સંબંધ શોધવા માટે કરવામાં આવે છે. વેબર દ્વારા જ મનોભૌતિકશાસ્ત્રનો પ્રારંભ થયો હતો.

વેબર તેમના માબાપનાં તેર સંતાનોમાં ત્રીજા ક્રમે હતા. વેબર ઉપરાંત તેમના બે ભાઈઓ પણ અગ્રણી વૈજ્ઞાનિકો તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમના પિતાશ્રી માઇકલ વેબર ઈશ્વરીય જ્ઞાન(theology)ના પ્રાધ્યાપક હતા. વિટનબર્ગમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી વધુ અભ્યાસ અર્થે લિપઝિગ યુનિવર્સિટીમાં દાખલ થયા, ત્યાં તેમણે ઈ. સ. 1815માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. આ જ યુનિવર્સિટીમાં ઈ. સ. 1818માં તેમણે શરીરરચનાશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામ શરૂ કર્યું. ઈ.સ. 1821માં તેઓ ત્યાં જ શરીરરચનાશાસ્ત્ર અને શરીરવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે બઢતી પામ્યા હતા. ઈ. સ. 1871 સુધી તેમણે પોતાની શૈક્ષણિક સેવા આ જ યુનિવર્સિટીમાં આપી હતી. તે પછી તેમણે નિવૃત્તિ લીધી હતી. આ સમગ્ર સમય દરમિયાન શિક્ષણ અને સંશોધન-ક્ષેત્રે તેમણે રસ લીધો હતો. મનોભૌતિક પદ્ધતિને વિકસાવી, શરીર-સંવેદનાની મનોવૈજ્ઞાનિક સમસ્યાને હલ કરવા પુરુષાર્થ કર્યો; જેના કારણે મનોવિજ્ઞાનના વૈજ્ઞાનિક સ્વરૂપને ઘડવામાં તેમનો ફાળો નોંધપાત્ર બન્યો.

અર્ન્સ્ટ હેઇન્રિખ વેબર

તે સમયે ઉદ્દીપક અને સંવેદનાત્મક અનુભવનો પ્રશ્ર્ન મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સમસ્યારૂપ હતો. વેબરે એના ઉકેલ માટે મનોભૌતિક પદ્ધતિનો ઉપયોગ કર્યો. ઉદ્દીપકમાં નિમ્નતમ ફેરફાર કેટલે અંશે કરવામાં આવે તો સંવેદનાત્મક અનુભવમાં થતો ફેરફાર નોંધી શકાય ? – આ પ્રશ્ર્નને હાથમાં લઈ પ્રાયોગિક સંશોધન કર્યું. તેમનું પ્રમુખ સંશોધનકાર્ય દ્વિ-બિંદુ સીમાન્ત(Two-point threshold)નો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત માટે તેમણે ત્વચા પર પ્રયોગ કર્યા. આ માટે તેમણે બે અણીવાળા પરકાર(compass)નો ઉપયોગ કરી પ્રયોગવિધેયની ચામડી પર પરકારની અણીઓ મૂકી, ધીમે ધીમે તેના છેડા દૂર મૂકતા જઈ અંતર વધારતા ગયા. જ્યાં સુધી પ્રયોગવિધેયને બે બિંદુનું સ્પષ્ટ રૂપથી ભાન ન થાય ત્યાં સુધી આ પરકારને ખસેડતા ગયા. આ પ્રયોગ દ્વારા દ્વિ-બિંદુ સીમાંતનો સિદ્ધાંત તેમણે રજૂ કર્યો. આ સિદ્ધાંતમાં તેઓ જણાવે છે કે જુદા જુદા અવયવોમાં જુદા જુદા પ્રકારની યુગ્મ નિર્ણયશક્તિ છે; દા. ત., આંગળી અને જીભના અગ્ર ભાગમાં યુગ્મનિર્ણય(બે બિંદુ નિર્ણય)ની શક્તિ ઓછી છે. જ્યારે હોઠ, હથેળી, કાંડાના ભાગ પર યુગ્મનિર્ણયની શક્તિ વિશેષ છે. આ ઉપરાંત, તેમણે આ જ પ્રયોગ દ્વારા જુદા જુદા અવયવો પર પીડા, ઉષ્ણતા-શીતતાનાં ત્વચા પર પથરાયેલાં સ્પર્શબિંદુઓનો પણ સંશોધનાત્મક અભ્યાસ કર્યો હતો. દરેક વ્યક્તિમાં યુગ્મનિર્ણય શક્તિ જુદી જુદી હોય છે. આમ, શરીર-સંવેદનાના ક્ષેત્રે વ્યક્તિગત ભિન્નતાનો ખ્યાલ તેમણે રજૂ કર્યો.

તેમની મુખ્ય રુચિ ત્વચા અને સ્નાયવિક સંવેદનાના અભ્યાસમાં હતી. તેમણે પ્રયોગો દ્વારા એ શોધી કાઢ્યું કે બે વજન હાથથી ઊંચકવામાં આવે અથવા ત્વચા પર રાખવામાં આવે તો ઓછામાં ઓછો બે વજન વચ્ચે કેટલો તફાવત હોય તો બંને વજન વચ્ચેના તફાવતનો ભેદ ખબર પડે. એટલે કે, સાંવેદનિક નિમ્નતમ અનુભવ કરવા માટે ઉદ્દીપકમાં અમુક પ્રમાણમાં ફેરફાર કરવો જરૂરી છે. આ સંબંધને ભેદીય સીમાંત (Difference Limen  DL) કહેવામાં આવે છે. આ જ પ્રયોગને આધારે વેબરે એક સામાન્ય નિયમ પ્રતિપાદિત કર્યો, જે ‘વેબરના નિયમ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. બે વસ્તુની સરખામણી કરતી વખતે તે બંને વસ્તુ વચ્ચેના વાસ્તવિક અંતરનો અનુભવ થતો નથી; પણ તે અંતરનો, તે વસ્તુઓના વાસ્તવિક પરિમાણોથી અનુપાત(ratio)નો અનુભવ થાય છે. આ નિયમને તેમણે સમીકરણમાં આ રીતે મૂક્યો છે :

ΔS એટલે (ડેલ્ટા એસ) ઉદ્દીપક મૂલ્યમાં વધારો કરવાને કારણે સંવેદનમાં 50 ટકા પ્રયત્ન પર આ વધારો આભાસી હોય છે.

K એટલે સ્થિર સમાન ગુણોત્તર.

S એટલે ઉદ્દીપક મૂલ્યનો સ્થિર સમાન ગુણોત્તર.

DL એટલે બે ઉદ્દીપકોની ભિન્નતાનું ભેદ્બોધન થવું.

આ સ્થિર સમાન ગુણોત્તર કોઈ પણ પ્રયોગપાત્ર માટે કોઈ નિશ્ચિત મૂલ્ય પર નિશ્ચિત પ્રયોગ કાર્યવહીમાં સ્થિર હોય છે. વેબરના મતે, જુદા જુદા ઉદ્દીપકોને માટે આ સ્થિર ગુણોત્તર જુદો જુદો હોય છે.

તેમણે જર્મન ભાષામાં ઈ. સ. 1820 અને ઈ. સ. 1834માં તેમના શરીર-સંવેદના ક્ષેત્રે કરેલાં સંશોધનોને સમાવિષ્ટ કરતાં પુસ્તકો આપ્યાં છે. એ પછી ઈ. સ. 1846માં ત્વક્-સંવેદન અંગેનાં તેમનાં મૌલિક સંશોધનો લેખ રૂપે પ્રસિદ્ધ કર્યાં છે. તેમણે શરીરવિજ્ઞાન અને મનોભૌતિક પદ્ધતિ-વિષયક લેખો ઉપરાંત મેડિકલ શિક્ષણની સુધારણા માટે પણ ક્રાંતિકારી લેખો લખ્યા હતા. દવાઓના સંશોધન અને તેના વિકાસ માટે યથાર્થ વૈજ્ઞાનિક પદ્ધતિ પર તેમણે ભાર મૂક્યો હતો. તેઓ જર્મન પૉલિટૅક્નિક સોસાયટીના સહસંશોધક પણ બન્યા હતા.

શાંતિલાલ છ. કાનાવાલા