વેબર, આલ્ફ્રેડ (?) : જર્મન અર્થશાસ્ત્રી. ઔદ્યોગિક અર્થશાસ્ત્ર નામથી વીસમી સદીમાં અર્થશાસ્ત્રની જે અલાયદી શાખા વિકસી છે તેના નિષ્ણાત. ઉદ્યોગોના સ્થળલક્ષી કેન્દ્રીકરણ અંગે તેમણે કરેલ વિશ્ર્લેષણ તે ક્ષેત્રમાં આધુનિક જમાનામાં હાથ ધરવામાં આવેલ પદ્ધતિસરના અભ્યાસની પહેલ ગણાય છે. ઉદ્યોગોના ભૌગોલિક કેન્દ્રીકરણ અંગે તેમણે 1900માં રજૂ કરેલ સિદ્ધાંત સૌપ્રથમ 1909માં જર્મન ભાષામાં પ્રસિદ્ધ થયો હતો. જેનો ફ્રેડરિચે કરેલો અનુવાદ અંગ્રેજી ભાષામાં 1929માં પ્રકાશિત થયો હતો.

વેબરે પોતાનો સિદ્ધાંત વિશ્ર્લેષણની નિગમનાત્મક પદ્ધતિ દ્વારા રજૂ કર્યો છે અને તેમાં કોઈ પણ ઉદ્યોગ કોઈ એક સ્થાન કે પ્રદેશમાં કેન્દ્રિત થવા માટે જવાબદાર ગણાય તેવાં સામાન્ય પરિબળોનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે. વેબરના મત મુજબ, સહાયક ગણાય તેવાં તકનીકી કારણોસર ઉદ્યોગ કોઈ વિશિષ્ટ સ્થળે અથવા પ્રદેશમાં કેન્દ્રિત થવાનું વલણ ધરાવે છે અને તેમ થવા માટે ઓછામાં ઓછા ઉત્પાદનખર્ચમાં વધુમાં વધુ ઉત્પાદન કરી મહત્તમ નફો કમાવાનો નિયોજકનો હેતુ હોય છે. કોઈ એક ઉદ્યોગની સ્થાપના કરતી વેળાએ તે ઔદ્યોગિક એકમ માટે જરૂરી ગણાય તેવો કાચો માલ, શ્રમનો પુરવઠો અને વાહનવ્યવહારનાં સાધનો સ્પર્ધાત્મક કિંમતો દ્વારા તે સ્થળે અથવા પ્રદેશમાં ઉપલબ્ધ છે કે નહિ તેનો અનિવાર્ય રીતે વિચાર કરવામાં આવે છે અને પસંદગી હેઠળનાં વૈકલ્પિક સ્થળો કે પ્રદેશોમાંથી જે સ્થળે કે પ્રદેશમાં તે ઓછામાં ઓછા ખર્ચે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં તે ઉદ્યોગ કે તે ઔદ્યોગિક એકમની સ્થાપના કરવામાં આવે છે. કાચા માલની કિંમતોમાં તેમની હેરફેરના સંદર્ભમાં વાહનવ્યવહારના ખર્ચાઓ વચ્ચે ઉદ્ભવતા તફાવતો વણી લેવામાં આવતા હોવાથી વેબરના મત મુજબ ઉદ્યોગોના ભૌગોલિક કેન્દ્રીકરણ માટે બે જ મુખ્ય પરિબળો જવાબદાર ગણાય : વાહનવ્યવહાર પર થતો ખર્ચ અને શ્રમ પર થતો ખર્ચ.

ઉદ્યોગોના ભૌગોલિક કેન્દ્રીકરણનો સિદ્ધાંત રજૂ કરતી વેળાએ આવા કેન્દ્રીકરણ માટે જે સર્વસામાન્ય પરિબળો જવાબદાર હોય છે અને જે બધા જ ઉદ્યોગોને લાગુ પડતા હોય છે તે પરિબળો પર પ્રકાશ પાડવાનો જ વેબરનો આશય હતો. વેબરના વિશ્ર્લેષણ મુજબ જ્યાં કાચો માલ સુલભતાથી ઉપલબ્ધ થતો હોય છે તે સ્થળે અથવા તે વિસ્તારમાં ઉદ્યોગોનું કેન્દ્રીકરણ થતું હોય છે; દા. ત., જ્યાં કપાસનું ઉત્પાદન મોટા પાયા પર થતું હોય છે ત્યાં કાપડ-ઉદ્યોગ, જ્યાં લાકડાનું ઉત્પાદન વિશેષ પ્રમાણમાં થાય છે ત્યાં ફર્નિચર કે લાકડાની અન્ય બનાવટોનો ઉદ્યોગ, જ્યાં કાગળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના માવાનું ઉત્પાદન વધારે થાય છે ત્યાં કાગળ-ઉદ્યોગ વગેરે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે