વેદ, રાહી (. 22 મે 1933, જમ્મુ) : ડોગરી ભાષાના નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને નાટ્યકાર. તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘આલે’ને 1983ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. તેઓ આકાશવાણી સાથે તેમજ અનેક ડોગરી, હિંદી અને ઉર્દૂ સામયિકો સાથે સંકળાયેલા રહ્યા છે. તેમણે પ્રગટ કરેલાં 10 પુસ્તકોમાં 3 મૂળ હિંદીમાં લખાયેલાં છે. તેમની અનેક વાર્તાઓ હિંદી, ઉર્દૂ, અંગ્રેજી તથા રશિયન જેવી ઘણી ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ પામી છે. એક જાણીતા ફિલ્મ-સર્જક તરીકે તેમણે 4 ફીચર-ફિલ્મોનું દિગ્દર્શન કર્યું અને આશરે 25 જેટલી ફિલ્મોની વાર્તાઓ લખી.

માનવીય પરિસ્થિતિઓનું વ્યાપક વૈવિધ્ય, ઊર્મિગત સંબંધો વિશે ઊંડી સૂઝ, ભાષા પરત્વે અદ્ભુત પ્રભુત્વ અને વૈવિધ્યપૂર્ણ રચના-કસબને પરિણામે ‘આલે’ પુરસ્કારપાત્ર ઠર્યો છે.

મહેશ ચોકસી