વેદાંગજ્યોતિષ : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો સૌથી પ્રાચીન ગ્રંથ. ચાર વેદોનાં છ અંગોમાંનું નયન ગણાતું એક અંગ જ્યોતિષ છે, કારણ કે વેદમાં કહેલા યજ્ઞો કયા દિવસે કયા મુહૂર્તમાં કરવા તેને બતાવવા જ્યોતિષનો ઉદ્ભવ થયો છે. વેદની સંહિતાઓમાં યુગ, સંવત્સર, માસ, ઋતુ, તિથિ, વાર વગેરેના ઉલ્લેખો મળે છે. એ રીતે બ્રાહ્મણગ્રંથોમાં પણ જ્યોતિષના ઉલ્લેખો છે. આથી વેદકાળમાં જ્યોતિષવિદ્યા હતી એમ સિદ્ધ થાય છે. આમ છતાં ‘વેદાંગજ્યોતિષ’ એ ગ્રંથની રચના ઈ. પૂ. બારમી સદીમાં થઈ હશે અને તે ગ્રંથ તેમાં આવતી સરસ્વતીની સ્તુતિ પરથી કાશ્મીરમાં રચાયો હશે એમ વિદ્વાનો માને છે. કેટલાક વિદ્વાનો પ્રસ્તુત ગ્રંથના લેખક લગધ નામના આચાર્ય છે એમ માને છે, કારણ કે આ ગ્રંથમાં લગધાચાર્યનું ગણિત આપવામાં આવ્યું છે એવો ઉલ્લેખ સ્પષ્ટ છે. સૂર્યસિદ્ધાન્તનું જ્યોતિષમાં મહત્વ વધતાં ‘વેદાંગજ્યોતિષ’ ગ્રંથ દીર્ઘ કાળ સુધી ઉપેક્ષિત રહેલો; પરંતુ તેનો પાશ્ર્ચાત્ય વિદ્વાન પ્રો. થીબોએ ગ્રંથના સંસ્કૃત ટીકાકાર સોમાકરે આપેલા 30 અને 6 વધુ શ્ર્લોકોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. તેનો મરાઠીમાં અનુવાદ શંકર બાલકૃષ્ણ દીક્ષિતે કર્યો છે અને ડૉ. શામ શાસ્ત્રીએ કુલ 45 શ્ર્લોકો પર સંસ્કૃતમાં ટીકા અને અંગ્રેજીમાં અનુવાદ તથા અંગ્રેજી પ્રસ્તાવના સાથેની આવૃત્તિ 1936માં મૈસૂરમાંથી પ્રકાશિત કરેલાં છે. ‘વેદાંગજ્યોતિષ’માં ‘ઋગ્વેદજ્યોતિષ’ના 30 શ્ર્લોકો છે અને ‘યજુર્વેદજ્યોતિષ’માં ‘ઋગ્વેદજ્યોતિષ’ના 30 શ્ર્લોકો ઉપરાંત 14 જેટલા શ્ર્લોકો ‘યજુર્વેદ’ના ઉગ્ર અને ક્રૂર ગ્રહોને લગતા ઉમેરીને કુલ 44 જેટલા શ્ર્લોકો આપવામાં આવ્યા છે.

ઋગ્વેદજ્યોતિષમાં યુગ, અયન, વર્ષ, માસ અને પાંચ સંવત્સરોની વાત છે. તેમાં રહેલા માસ અમાન્ત એટલે અમાસે પૂરા થાય છે. વળી ચાંદ્રમાસ અને સૌરમાસ બંનેની વાત તેમાં છે. ઋતુઓ, વિષુવ, દિનમાન, પર્વગણ અને પર્વસંમત નક્ષત્રો અને પલ વગેરે પરિમાણોની રજૂઆત થઈ છે. અથર્વવેદનું એક આથર્વણજ્યોતિષ પણ છે, જેમાં 14 પ્રકરણોમાં 162 શ્ર્લોકો રહેલા છે. એમાં પ્રાચીન નહિ, પરંતુ અર્વાચીન જ્યોતિષ ચર્ચાયું છે. તે બ્રહ્મા અને કાશ્યપના સંવાદના રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

‘વેદાંગજ્યોતિષ’ના આરંભમાં બ્રહ્મા અને સરસ્વતીને નમસ્કાર કરી પ્રતિપાદ્ય વસ્તુની પ્રતિજ્ઞા આપી છે. જ્યોતિષ વેદનું ચક્ષુ જેવું અને બધાં અંગોમાં ચડિયાતું હોવાની વાત કરી છે. એ પછી પાંચ સંવત્સરો; સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોનાં અયન, ઉદગયન અને દક્ષિણાયન, તિથિ, નક્ષત્ર, ઋતુઓનો આરંભકાળ, હાતવ્ય દિન, પર્વરાશિ, પર્વો, નક્ષત્રોના અંશો, આવાપન, પર્વસંમિત નક્ષત્રો, યોગ, વ્યતિપાત, તિથિ અને નક્ષત્રનો નિર્ણય, સૂર્યની તિથિનિષ્ઠા, સૂર્યનું મંડલચાર, વિષુવ, નાડિકામાન, મુહૂર્તનું પ્રમાણ, યોગ, સૌર વર્ષ, નક્ષત્રનું ભ્રમણ અને તદનુસાર માસનું પરિમાણ તથા નક્ષત્રના દેવતાઓની વાત રજૂ થયેલ છે.

‘યજુર્વેદજ્યોતિષ’માં ઉપર જણાવેલા ‘ઋગ્વેદજ્યોતિષ’ના વિષયો ઉપરાંત ઉગ્ર અને ક્રૂર નક્ષત્રો, અધિમાસ, કલા વગેરેનાં લક્ષણો આપવામાં આવ્યાં છે. સંક્ષેપમાં, ‘વેદાંગજ્યોતિષ’માં જ્યોતિષશાસ્ત્રના એક સ્કંધ(વિભાગ)માંના સિદ્ધાન્તનું નિરૂપણ છે.

‘અથર્વજ્યોતિષ’માં કાલમાન, આઠ મુહૂર્તો, તિથિ, કરણ, નક્ષત્ર, વાર, યોગ, તારા, ચંદ્રનું બલાબલ, કાલપરિમાણ, જાતકપદ્ધતિ વગેરેની ચર્ચા છે. એમાં પણ સિદ્ધાન્તસ્કંધની વાત છે. આ ગ્રંથ ‘વેદાંગજ્યોતિષ’થી જુદો છે. વળી તેમાં રહેલી જાતકપદ્ધતિનો પાછળથી વિસ્તાર થયો હશે એમ જણાય છે.

જ્યોતિષના અન્ય બે સ્કંધો સંહિતા અને હોરાની વાત ‘વેદાંગજ્યોતિષ’માં નથી એ તેના વિષયો પરથી સ્પષ્ટ થાય છે.

બટુક દલીચા