વેદપ્રકાશ (અમિતાભ) (. 1 જુલાઈ 1947, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. અને ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ધરમ સમાજ કૉલેજ, અલીગઢમાં હિંદી વિભાગના રીડર ઉપરાંત ભારતીય હિંદી પરિષદ, અલ્લાહાબાદ તથા ભારતીય લેખક સંગઠન, દિલ્હીના સભ્ય તેમજ સેખાવતી સાહિત્ય, કલા ઔર સંસ્કૃતિ અકાદમીના માનાર્હ સભ્ય પણ રહ્યા છે.

તેમણે અત્યાર સુધીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘બસંત કે ઇંતજાર મેં’ (1983, કાવ્યસંગ્રહ); ‘દૂસરી શહાદત’ (1987, વાર્તાસંગ્રહ); ‘ઉપન્યાસકાર જૈનેન્દ્ર ઔર ઉનકા ત્યાગપત્ર’ (1970) અને વિવેચનગ્રંથોમાં ‘હિંદી કહાની : એક અંતરયાત્રા’ (1981); ‘રાજેન્દ્ર યાદવ કથાયાત્રા’ (1982); ‘નયી કહાની : પ્રતિનિધિ હસ્તાક્ષર’ (1988) ખાસ ઉલ્લેખનીય છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને અખિલ ભારતીય સાહિત્યકાર અભિનંદન સમિતિ, મથુરા તથા ડૉ. આંબેડકર રાષ્ટ્રીય અસ્મિતાદર્શી અકાદમી, ઉજ્જૈન તરફથી સન્માનિત કરાયા છે.

બળદેવભાઈ કનીજિયા