વેણુબાપુ, એમ. કે. (જ. 10 ઑગસ્ટ 1927, ચેન્નાઈ; અ. 1982) : સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે રસ-રુચિ ધરાવનાર ભારતના પ્રખર ખગોળવિદ. તેમના પિતાશ્રી હૈદરાબાદની નિઝામિયા વેધશાળામાં નોકરી કરતા હતા. આથી વેણુબાપુને આ વેધશાળાની મુલાકાતે અવારનવાર જવાનું થતું હતું. ત્યાં ટેલિસ્કોપ અને અન્ય વૈજ્ઞાનિક ઉપકરણો જોવાનો એમને લહાવો મળતો હતો. પરિણામે ખગોળવિજ્ઞાનમાં તેમને ભારે રસ પડ્યો. નાનપણથી જ વેણુબાપુના માનસમાં ખગોળવિદ્યાના સંસ્કારોનું સિંચન થયું હતું.
વેણુબાપુ અભ્યાસમાં તેજસ્વી હોવા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતા હતા. તેમને સાહિત્યમાં – ઉર્દૂ કવિતામાં, કલા અને સંસ્કૃતિ વગેરેમાં માત્ર રુચિ જ નહિ, ઊંડું જ્ઞાન પણ હતું.
વેણુબાપુને શિષ્યવૃત્તિ મળતાં તેઓ હાર્વર્ડ ગયા. ત્યાં તેમણે બાર્ટ જે. બૉક અને ગૉર્ડન ન્યૂકર્ક સાથે રહીને ખગોળક્ષેત્રે સઘન સંશોધન કર્યું. તેમના સંશોધનકાર્ય દરમિયાન એક ધૂમકેતુ શોધી કાઢ્યો જે ‘બાપુ-બૉક-ન્યૂકર્ક’ના નામે આજે ઓળખાય છે.
કાર્નેગી ફેલોશિપ મળતાં તેઓ પાલોમર વેધશાળામાં સંશોધન માટે જોડાયા. ત્યાં રહીને તેમણે વિલ્સન-બાપુ ઘટના શોધી કાઢી. આ ઘટનાનો ઉપયોગ કરીને ખાસ પ્રકારના તારકોનું અંતર અને જ્યોતિષ્પ્રભા (luminosity) નક્કી કરી શકાય છે.
સંશોધન માટે ભલે તેમણે પરદેશગમન કર્યું, પણ તેમનામાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ છલકાતો હતો. ખગોળક્ષેત્રે સ્વતંત્ર સંશોધન-સુવિધાઓ વિકસાવવા તેઓ માદરે વતન – ભારત 1953માં પાછા ફર્યા. ભારતમાં યોગ્ય નોકરી માટે શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી, પણ તેથી તેઓ ડગ્યા નહિ, કારણ કે વતન-પ્રેમ તેમને માટે પ્રથમ બાબત હતી. થોડીક રઝળપાટ પછી ઉત્તરપ્રદેશની રાજ્ય-વેધશાળામાં તેમને નોકરી મળી. તેમની સમગ્ર કારકિર્દી ખગોળના ક્ષેત્રે ખોજયાત્રા કરવામાં વીતી.
તેઓ જૂનામાં જૂની કોડાઈકેનાલની વેધશાળાના નિયામકપદે આરૂઢ થયા. આ સમયે આ વેધશાળા જરૂરિયાત મુજબ વિકસિત થયેલી ન હતી. આથી તેમણે સૌપ્રથમ આ વેધશાળાને આધુનિક બનાવી તેને સંપૂર્ણ વિકાસની દિશામાં લઈ જવા માટે ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કર્યાં. ખગોલીય સંશોધનના હેતુઓ માટે તેમણે આ વેધશાળાને પૂરતી માતબર બનાવી છે.
તે પછી બૅંગાલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રૉફિઝિક્સ(I.I.A.)ના નિર્માણકાર્યમાં મહત્વની ભૂમિકા નિભાવી. તે સાથે સાથે ઉત્તર પ્રદેશની રાજ્ય-વેધશાળા માટે નૈનિતાલ (મનોરા) સ્થળ નિર્ધારિત કર્યું. તમિલનાડુમાં કાવલૂર વેધશાળા માટેનો માર્ગ તેમણે જ મોકળો કરી આપ્યો.
તેઓ સ્વભાવે સ્વતંત્ર. આથી કોઈ પણ બાબતે કોઈના ઉપર આધાર રાખવો ન પડે તેની ખાતરી રાખતા. આ માટે તેમણે પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો અને કાર્યશાળાઓને ટૅક્નૉલૉજીની દૃષ્ટિએ ઉન્નત એવી રાષ્ટ્રીય સંસ્થાઓની સમકક્ષ બનાવ્યાં.
તેઓ દૃઢપણે માનતા હતા કે વિદેશી તજ્જ્ઞો અને સામગ્રી વિના જ ભારતનો વિકાસ થવો જોઈએ. તે માટે સંશોધનની પ્રવૃત્તિઓ સ્વતંત્ર રીતે વિકસાવવી જોઈએ. (ગાંધી) બાપુની સ્વદેશી અને આત્મનિર્ભરતાની વિભાવનાનાં દર્શન (વેણુ) બાપુમાં થાય છે. આવી જ વ્યક્તિઓ રાષ્ટ્રના ગૌરવને ગાજતું રાખે છે.
જેમ વિક્રમ સારાભાઈ પી. આર. એલ., અટિરા, આઇ. આઇ. એમ. જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સર્જક છે તેમ વેણુબાપુ વેધશાળાઓના સર્જક ગણાય છે. જેમ હોમી ભાભાએ ભાભા પરમાણુ-સંશોધન કેન્દ્ર (B.A.R.C.) અને તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ(T.I.F.R.)ના પરિસર ઉપર પ્રકૃતિના સૌંદર્યને ઉતારવાનો પ્રયાસ કર્યો છે તેમ વેણુબાપુએ કોડાઈકેનાલ અને કાવલૂરની વેધશાળાઓના પરિસરને સૌંદર્યસભર બનાવ્યું છે. વેણુબાપુએ કોડાઈકેનાલ અને કાવલૂરમાં એશિયાનાં પરમ શક્તિશાળી ટેલિસ્કોપ તૈયાર કરીને વસાવ્યાં છે. તેમના માર્ગદર્શન અને પ્રયાસોને કારણે ત્યાં રાષ્ટ્રનો શક્તિશાળી 2.34 મીટરનો ટેલિસ્કોપ અસ્તિત્વમાં આવ્યો છે.
પ્રહલાદ છ. પટેલ