વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ)

February, 2005

વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ) (. 7 જાન્યુઆરી 1945, મારુતયી, જિ. કન્નુર, કેરળ) : મલયાળમ અને હિંદીના લેખક અને અનુવાદક. તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે દેવગિરિ કૉલેજ કાલિકટમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કાલિકટના બાલગોકુલમ્ના ઉપાધ્યક્ષ; ભારતીય અનુવાદ પરિષદ, નવી દિલ્હીના આજીવન સભ્ય રહ્યા.

તેમણે મલયાળમ અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પતિનન્ચુ ભારતીય કથાકાલ’ (1981, વાર્તાસંગ્રહ); ‘મેઘાવૃત નક્ષતરમ્’ (1984, નવલકથા, બંગાળીમાંથી અનુવાદ); ‘નિશાન્તમ્’ (1986, નવલકથા, અનુવાદ); ‘ચિતચોર’ (1998, હિંદી અનુવાદ) જાણીતા ગ્રંથો છે.

બંને ભાષામાં તેમના પ્રદાન બદલ તેમને 1995માં પ્રેમચંદ સ્મૃતિ સન્માન; 1995માં પારડકર મ્યુઝિયમ પુરસ્કાર; 1997માં મહાકવિ સુરદાસ સ્મૃતિ સન્માન, વારાણસી; 1997માં જ્ઞાન મંડળ પુરસ્કાર; અને 1997માં વિજયશ્રી ઍવૉર્ડ આપવામાં આવ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા