વેણુગોપાલ રાવ, . એસ. (. 26 નવેમ્બર 1934, શિમોગા, કર્ણાટક) : કન્નડ લેખક અને અનુવાદક. તેમણે કન્નડમાં બી.કોમ. અને એમ.એ.ની પદવી મેળવી હતી. તેમણે અધ્યાપનકાર્ય સાથે લેખનકાર્ય પણ કર્યું. તેઓ કન્નડના પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા છે.

તેમણે અત્યાર સુધીમાં કન્નડમાં 35 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય અને નોંધપાત્ર ગ્રંથોમાં ‘નાટકવન્તે નાટક’(1988, એકાંકી)નો; ‘કુવેમ્પુ અવર કાવ્યદલ્લી વાત્સલ્યભાવ’ (1986) અને ‘કુવેમ્પુ અવર દાર્શનિક વિચારગલુ’(1994) (બંને સાહિત્યિક વિવેચનના ગ્રંથો)નો; ‘રામન પૂર્ણિમા’ અને ‘સ્નેહરાગ’(1984) (બંને ઊર્મિકાવ્યસંગ્રહો)નો; ‘મહાનગર’(1976, અંગ્રેજીમાંથી અનૂદિત નવલકથા)નો અને ‘આત્મીય’(1978, અનૂદિત નિબંધસંગ્રહ)નો સમાવેશ થાય છે.

નાટક અને સાહિત્યિક વિવેચનના ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમને 1985માં કુવેમ્પુ વિદ્યાવર્ધક ટ્રસ્ટ ઍવૉર્ડ; એકાંકી માટે 1988માં સંક્રમણ પ્રાઇઝ તથા અનુવાદ માટે 1990માં કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવેલાં.

બળદેવભાઈ કનીજિયા