વેડરબર્ન, વિલિયમ (સર) (. 25 માર્ચ 1838, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; . 1918, ઇંગ્લૅન્ડ) : ભારતના લોકોના હિતચિંતક અંગ્રેજ અધિકારી અને મુંબઈમાં 1889માં મળેલા કૉંગ્રેસના પાંચમા તથા અલ્લાહાબાદમાં 1910માં મળેલા 26મા અધિવેશનના પ્રમુખ. તેમનું કુટુંબ ઘણું જૂનું હતું. તેમના મોટાભાઈ જૉન હિસારના કલેક્ટર હતા અને 1857ના વિપ્લવ દરમિયાન તેમની પત્ની અને બાળક સહિત માર્યા ગયા હતા. તેમનો બીજો ભાઈ ડેવિડ ભારતનાં દેશી રાજ્યોને લગતા બધા વિષયોની માહિતી ધરાવતો હતો. વિલિયમે 1859માં ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા આપી અને 1860માં ભારત આવ્યા. તેમણે ધારવાડના મદદનીશ કલેક્ટર તરીકે નોકરીની શરૂઆત કરી અને 1887માં તે મુંબઈ સરકારના મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા.

વિલિયમ વેડરબર્ન (સર)

ભારતમાં તેમની નોકરી દરમિયાન વેડરબર્નનું ધ્યાન ખેડૂતોનું દેવું, ખેડૂતોની ગરીબી, દુષ્કાળો તરફ અને તે સાથે પ્રાચીન ગ્રામપ્રથા ચેતનવંતી કરવા તરફ કેન્દ્રિત થયેલું હતું. તેમણે ખેતીવાડીની બૅન્કો, પરંપરાગત લવાદી પ્રથા અથવા ગ્રામ સમિતિ પુનર્જીવિત કરવાની આવશ્યકતા જણાવી હતી.

આવી સમસ્યાઓમાં રસ હોવાથી તેઓ કૉંગ્રેસના નેતાઓના સંપર્કમાં આવ્યા. નિવૃત્તિ બાદ વેડરબર્ન કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં ખૂબ રસ લેવા લાગ્યા. 1889માં મુંબઈમાં ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનના પ્રમુખપદેથી બોલતાં તેમણે કહ્યું, ‘મેં ભારતનું લૂણ ખાધું છે અને ભારતના લોકોની સેવા કરું છું.’

તેમના ભાઈ ડેવિડના અવસાન પછી 1879માં તેઓ બૅરોનેટ બન્યા. 1893માં લિબરલ સભ્ય તરીકે તે પાર્લમેન્ટના સભ્ય બન્યા. ભારતના લોકો પ્રત્યે આમની સભામાં લાગણીહીન વર્તન થતું હતું. તે સામે તેમણે ભારતના લોકોની ફરિયાદો રજૂ કરી. આ હેતુ ધ્યાનમાં રાખીને તેમણે ઇન્ડિયન પાર્લમેન્ટરી કમિટીની રચના કરી અને 1893થી 1900 સુધી તેના અધ્યક્ષ રહ્યા. ભારતની સરકારના ખર્ચ અંગેના વેલ્બી કમિશન(એટલે કે રૉયલ કમિશન)માં 1895માં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. દુષ્કાળોની તપાસ કરીને તેને અટકાવવાના ઉપાયો સૂચવવા માટે જૂન, 1901માં નીમેલા ઇન્ડિયન ફેમિન યુનિયનની પ્રવૃત્તિઓમાં પણ તેઓ ભાગ લેતા હતા.

સર હેન્રી કૉટનના પ્રમુખપદે મુંબઈ મુકામે મળેલા કૉંગ્રેસના 20મા અધિવેશનમાં હાજરી આપવા તેઓ 1904માં ભારત આવ્યા હતા. ફરીથી 1910માં કૉંગ્રેસની 26મી બેઠકનું પ્રમુખપદ સંભાળવા તેમને નોંતરવામાં આવ્યા હતા. જુલાઈ, 1889થી તેમના મૃત્યુપર્યન્ત કૉંગ્રેસની બ્રિટિશ કમિટીના અધ્યક્ષપદે તેઓ રહ્યા હતા.

વેડરબર્ન એક લિબરલ  ઉદારમતવાદી તરીકે સ્વશાસનના સિદ્ધાંતમાં માનતા હતા, 1907માં સૂરતની બેઠકમાં કૉંગ્રેસનું વિભાજન થયું અને ટિળકની આગેવાની હેઠળ જહાલવાદીઓ અલગ થયા, તેનું તેમને દુ:ખ થયું હતું. તેઓ મહિલા-શિક્ષણના હિમાયતી હતા. કરાંચીમાં તેમણે આપેલા દાનમાંથી વેડરબર્ન હિન્દુ ગર્લ્સ સ્કૂલ સ્થાપવામાં આવી હતી.

ભારતના બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રીય જાગૃતિના તેઓ હિમાયતી હતા અને મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારાને તેમણે આવકાર્યા હતા. અમલદારશાહીના વિરોધમાં તેમની સતત ટીકાઓને કારણે તેમને બ્રિટિશરાજના બેવફા અધિકારી તરીકે વખોડવામાં આવ્યા હતા. ભારતના ખેડૂતોના તેઓ ખરેખર હિતચિંતક હતા.

જયકુમાર ર. શુક્લ