વેઠપ્રથા (forced labour) : વળતર કે વેતનની ચુકવણી કર્યા વિના કોઈ શ્રમિક પાસેથી તેની ઇચ્છાવિરુદ્ધ બળજબરીથી કામ લેવાની પ્રથા. ઍગ્રિકલ્ચરલ લેબર ઇન્ક્વાયરી કમિટીએ તેના માટે ‘બેગાર’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઉપર્યુક્ત કમિટીના મત મુજબ કૃષિ પર આધારિત અર્થવ્યવસ્થાની તે એક અગત્યની લાક્ષણિકતા ગણાય છે. આ પ્રથાને આંશિક દાસપ્રથા (quasi serfdom) પણ કહી શકાય. ભારતમાં જ્યાં જ્યાં આદિવાસી પ્રજા વસે છે ત્યાં ત્યાં આ પ્રથા એક યા બીજા સ્વરૂપે ટકી રહી છે અને ત્યાં જુદા જુદા નામથી તે ઓળખાય છે. ભારતના બંધારણના અનુચ્છેદ 23 (1) પ્રમાણે વેઠ-મજૂરી ગેરકાયદેસરનું કૃત્ય છે અને તેથી ભારતીય દંડસંહિતાની કલમ 3.14 મુજબ જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી તેની ઇચ્છાવિરુદ્ધ બળજબરીથી મજૂરી કરાવે તો આવું કૃત્ય કરાવનાર વ્યક્તિને એક વર્ષની અવધિ સુધીની સાદી અથવા સખત કેદની શિક્ષા અથવા દંડ અથવા તે બંને પ્રકારની શિક્ષાઓ કરી શકાય છે. કાયદા પ્રમાણે આ અપરાધનાં બે મુખ્ય તત્વો છે : કોઈ વ્યક્તિને

(1) કાયદાવિરુદ્ધ મજૂરી કરવાની ફરજ પાડવી અને

(2) આવી ફરજ જે તે વ્યક્તિની ઇચ્છાવિરુદ્ધ તેના પર લાદવી.

વેઠ-મજૂરીનાં અનેક વરવાં સ્વરૂપોમાં બંધક-મજૂરી (bonded labour) અને ગુલામી (slavery) એ બે મુખ્ય ગણાય.

બંધક-મજૂર અને ગુલામમાં કોઈ ઝાઝો તફાવત નથી. વિશ્વમાં જ્યાં જ્યાં ગુલામની પ્રથા હતી ત્યાં ત્યાં ગુલામ તરીકે બાનમાં લીધેલ વ્યક્તિ તેના માલિકના કબજા-અધિકારની ચીજવસ્તુ (goods) ગણાતી, જ્યારે બંધક-મજૂર કોઈ વ્યક્તિની માલિકીની ચીજવસ્તુ ગણાય નહિ. ગુલામને તેનો માલિક મારે, તેના પર અન્ય પ્રકારની ક્રૂરતા લાદે, ગુલામને વેચે કે તેનો અન્ય કોઈ રીતે નિકાલ કરે તો આમાંથી કોઈ પણ પ્રકારના કૃત્ય માટે માલિક જવાબદાર ગણાતો નહિ. બંધક-મજૂરની બાબતમાં એમ નથી. જોકે બંને વચ્ચેનો આ તફાવત માત્ર તાત્વિક છે : હકીકતમાં તેનાથી વિપરીત પણ હોઈ શકે છે.

બંધક-મજૂરી પ્રથામાં શાહુકાર, જમીનદાર ગરીબીમાં અટવાયેલ અને ભૂખે મરતી વ્યક્તિને તેને ત્યાં કે તેના ખેતરમાં કામ કરવા માટે આશરો આપવાની લાલચ આપી તેને નાણાં ધીરતો અને એ નાણાંની વ્યાજ સાથે ભરપાઈ ન થઈ જાય ત્યાં સુધી નાણાં ઉછીના આપનાર વ્યક્તિને ત્યાં અથવા તેના ખેતર પર નાણાં ઉછીના લેનાર વ્યક્તિને જ નહિ, પરંતુ તેના કુટુંબના સભ્યોને પણ ફરજિયાત કામ કરવું પડતું. મોટાભાગના કિસ્સાઓમાં આવાં નાણાંની ભરપાઈ થતી નહિ અને ભરપાઈ થાય એવી નાણાં આપનાર વ્યક્તિની ઇચ્છા પણ રહેતી નહિ. પરિણામે દેવાદાર મજૂરને કે તેના કુટુંબને આજીવન વેઠ કરવી પડતી. કપરી આર્થિક પરિસ્થિતિમાંથી ઉપસ્થિત થતા ફરજિયાતપણાને લીધે લાચારીથી દેવાદાર વ્યક્તિને વેઠપ્રથાનો ભોગ બનવું પડતું. બંધક-મજૂરને ત્યાં કોઈ પ્રસંગ આવતો ત્યારે જમીનદાર તેને નાણાં ધીરતો અને તેનાં કપડાં-લત્તાંનો, ખાવા-પીવાનો, રહેવા માટેનો જે ખર્ચ આવે તે મજૂરના ખાતે ઉધારતો. આ ખાતું કાયમી ધોરણે વંશપરંપરાગત રીતે ચાલ્યું આવતું.

આવા બંધક-મજૂરોને વેતન ચૂકવવામાં આવે તોપણ તે લઘુતમ વેતનના કાયદાથી ઘણું ઓછું ચૂકવાતું.

24 ઑક્ટોબર, 1975ના રોજ ભારતના રાષ્ટ્રપતિએ ધ બૉન્ડેડ લેબર સિસ્ટમ (ઍબોલિશન) ઑર્ડિનન્સ, 1975 નામથી એક વટહુકમ બહાર પાડ્યો જેના દ્વારા સમગ્ર દેશમાંથી આ પ્રથાનો અંત લાવવામાં આવ્યો છે, જ્યાં જ્યાં આ પ્રથા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અમલમાં છે ત્યાં ત્યાં તેમાં બંધક બનાવેલા શ્રમિકોને તેમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તથા કોઈ પણ વ્યક્તિ આ પ્રથા હેઠળ હવે પછી કોઈ પણ પ્રકારનું ફરજિયાત કામ, શ્રમિકની ઇચ્છાવિરુદ્ધ લઈ શકશે નહિ અને જો કોઈ વ્યક્તિ તેનો પ્રયાસ કરે તો તે આ વટહુકમ હેઠળ ગુનેગાર ગણાશે અને સજાને પાત્ર થશે. બીજી રીતે કહીએ તો દેશમાં જ્યાં જ્યાં પરંપરા કે રૂઢિ હેઠળ આ પ્રથા અસ્તિત્વમાં છે ત્યાં ત્યાં આ વટહુકમથી તે ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. ઉપરાંત, આ પ્રથા હેઠળ કોઈ પણ વ્યક્તિ પર દેવાનો બોજ લાદવામાં આવ્યો હોય તો તે બોજ આ વટહુકમ હેઠળ નિરસ્ત/વિસર્જિત થયેલો ગણાશે અને આવા કહેવાતા દેવાની ચુકવણીની જવાબદારીમાંથી જે તે શ્રમિકને મુક્ત થયેલો ગણ્યા પછી તે દેવાની પરત ચુકવણી માટે તેની સામે કોઈ દાવો દાખલ કરી શકાશે નહિ. જે શ્રમિકોની આ પ્રથા હેઠળ મિલકત ગીરો રાખવામાં આવી હોય અથવા પડાવી લેવામાં આવી હોય તે મિલકત તેના મૂળ માલિકને સોંપી દેવામાં આવશે.

આ વટહુકમનું ઉલ્લંઘન કરનારને આ વટહુકમ હેઠળ ત્રણ વર્ષ સુધીની કેદ તથા બે હજાર રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે જેમની પાસે વેઠપ્રથાને કારણે બળજબરીથી પડાવી લીધેલી કોઈ શ્રમિકની મિલકત હોય તેઓ તેના મૂળ માલિકને તે મિલકત સોંપવામાં કસૂર કરે તો કસૂરવાર વ્યક્તિને એક વર્ષની કેદ, રૂપિયા એક હજાર દંડ અથવા બંને પ્રકારની સજા માટે પાત્ર ગણવામાં આવશે.

1976માં બૉન્ડેડ લેબર ઍબોલિશન ઍક્ટ હેઠળ આ વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અલબત્ત, આ બધી જોગવાઈઓ છતાં તેનું સંપૂર્ણ ઉન્મૂલન થયેલું નથી અને તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે દેશના ઘણા પ્રદેશોમાં આજે પણ ચાલુ રહી છે.

ભારત સરકાર હસ્તકના નૅશનલ સૅમ્પલ સર્વે (NSS) પ્રમાણે 1982માં દેશમાં 3,04,000 શ્રમિકો આ પ્રથાનો ભોગ બનેલા હતા; પરંતુ હકીકતમાં જ્યાં આ વિશે તપાસ થઈ શકી નથી ને ચોરીછૂપીથી આ પ્રથા ચાલુ છે તેના આંકડા આમાં સમાવિષ્ટ નથી. 1982માં ગાંધી પીસ ફાઉન્ડેશન અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ લેબરની મોજણી મુજબ આવા બંધક-મજૂરોની સંખ્યા આશરે 26.17 લાખ છે.

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ : મનુસ્મૃતિના અધ્યાય 7 અને 8મા શ્ર્લોકોમાંથી આ પ્રથાના નિર્દેશો સાંપડે છે. મહામહોપાધ્યાય પી. વી. કાણે જણાવે છે તેમ, પુરાણા સમયનાં બધાં જ રાષ્ટ્રોમાં આ પ્રથા પ્રચલિત હતી; જેમ કે, બૅબિલોન, ઇજિપ્ત, ગ્રીસ, રોમ અને યુરોપના અન્ય ઘણા દેશોમાં. ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં તો આ પ્રથાએ એવું વરવું અને ક્રૂર સ્વરૂપ ધારણ કર્યું હતું કે આફ્રિકા વગેરે દેશોમાં ગુલામો પકડવા માટે આ રાજ્યો ત્યાંના રહેવાસીઓ પર વારંવાર હુમલા કરતા. ત્યાંથી પકડેલા કેદીઓને ગુલામો તરીકે વેચવામાં આવતા. જાણે કે ક્રય-વિક્રયનો માલ (goods) હોય. બ્રિટિશ કૉલોનીમાં તો આ પ્રથાએ ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. ધર્મગુરુઓએ એને પ્રોત્સાહન આપ્યું હતું. છેવટે સમય જતાં બ્રિટિશ તાબાના મુલકોમાં 1833માં અને બ્રિટિશ ઇંડિયામાં આ પ્રથાને નાબૂદ કરવામાં આવી. જોકે આમ થવા છતાં આ કાયદાવિરુદ્ધની પદ્ધતિ અદ્યાપિપર્યંત જડમૂળમાંથી નાબૂદ થઈ શકી નથી.

બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જર્મનીએ તેણે જીતેલા પ્રદેશોમાંથી હજારો નાગરિકોને અને યહૂદીઓને પકડ્યા અને તેમને નજરકેદીઓની છાવણીઓમાં (concentration-camps) અને ફરજિયાત મજૂરી કરાવવા માટેની શિબિરો(labour camps)માં અને યહૂદીઓના વિસ્તારમાં (યહૂદીવાડામાં) આવેલી વર્કશૉપો(ghetto workshops)માં તથા યુદ્ધ માટેના ઉદ્યોગ-વિસ્તારોમાં નજરકેદ કરી ફરજિયાત મજૂરી માટે જોતર્યા હતા. તેઓ પાસે નાળાં, રસ્તાઓ, પુલો વગેરે બનાવવા માટે ફરજિયાત કામ કરાવવામાં આવતું, આમ છતાં તેમનાં સ્વાસ્થ્ય અને સલામતીની જરા પણ દરકાર રાખવામાં આવતી નહોતી કે તેમના પ્રત્યે માનવતાભર્યું વર્તન પણ રખાતું નહોતું. આવી શિબિરોમાં વેઠિયા કેદીઓને કરેલી શિક્ષાને પરિણામે મૃત્યુઆંક ઊંચો હતો.

1982માં ભારતમાં એશિયાડ રમતોત્સવ યોજાયો તે પહેલાં એશિયાડ પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું તેમાં સ્ટેડિયમ, ફ્લાયઓવરો, હોટલો, વિલેજ કૉમ્પ્લેક્સ વગેરે બંધાતાં હતાં. પીપલ્સ યુનિયન ફૉર ડેમૉક્રેટિક રાઇટ્સ(PUDR)ની એક ટીમે આ દરમિયાન તે પ્રોજેક્ટની મુલાકાત લીધી અને તેઓને જાણવા મળ્યું કે આ પ્રોજેક્ટનું સરકારી કામકાજ જે કૉન્ટ્રૅક્ટર કે ઠેકેદાર મારફત કરાતું હતું તે ઠેકેદાર બધા જ કાયદાકાનૂનોનો ભંગ કરીને કામ કરાવતો હતો. આ ઉપરાંત આ ઠેકેદારોના જમાદારે એમાં કામ કરતા મજૂરોના વેતનમાંથી દરરોજ દર મજૂરે 1 રૂપિયો કાપી લેવા માંડ્યો હતો. આના પરિણામે મજૂરોને લઘુતમ વેતનથી પણ ઓછું વેતન મળતું હતું. તેથી ઉપર્યુક્ત સંસ્થાએ રિટ કરી દાદ માગી. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે આ પ્રકારનો વ્યવહાર એ વેઠમજૂરી (forced labour) કે બેગાર છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે