વેઇન, જ્હૉન રૉબર્ટ (જ. 29 માર્ચ 1927, વૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : 1982નું શરીરક્રિયાત્મક તથા ઔષધવિજ્ઞાન અંગેનું નોબેલ પારિતોષિક સુને બર્ગસ્ટ્રૉમ તથા બૅંગ્ટ ઇગ્માર સૅમ્યુઅલસન સાથે સંયુક્ત રૂપે મેળવનાર અંગ્રેજ જૈવવિજ્ઞાની. તેમણે પ્રોસ્ટેગ્લૅન્ડિન્સ અને તેને સંલગ્ન જૈવિક રીતે સક્રિય દ્રવ્યોની શોધ કરી, જેને કારણે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું.
બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ વેઇને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી 1953માં ડૉક્ટરેટ મેળવી. બે વર્ષ યેલ યુનિવર્સિટી, અમેરિકામાં ગાળ્યાં બાદ પાછા ઇંગ્લૅન્ડ આવીને લંડન યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ સાયન્સિઝમાં જોડાયા. 1973માં તેઓ બેકનહામ, કૅન્ટમાં વેલકમ રિસર્ચ લેબૉરેટરીના નિયામક બન્યા.
વેઇને તેમના બે સહસંશોધકો બર્ગસ્ટ્રૉમ તથા સૅમ્યુઅલસન સાથે શરીરના રક્તચાપ, તાપમાન તેમજ ઍલર્જીની પરિસ્થિતિઓનું નિયંત્રણ કરતા જૈવરાસાયણિક પદાર્થ પ્રૉસ્ટેગ્લૅન્ડિન્સની સસ્તનીઓ ઉપર શરીરક્રિયાત્મક અસરોનો અભ્યાસ કર્યો. પ્રૉસ્ટેગ્લૅન્ડિન્સ દર્દ, તાવ તેમજ શોથ માટે કારણભૂત રસાયણ છે. વેઇને દર્શાવ્યું છે કે ગિનીપિગ(ઉંદરની એક જાતિ)ના ફેફસામાં એરાચીડૉનિક ઍસિડ દ્વારા રક્ત-સંવહની-સંકોચકો (vaso constrictors) બને છે. આવા સંવહની-સંકોચકો તથા એરાચીડૉનિક ઍસિડનું પ્રૉસ્ટેગ્લૅન્ડિન્સમાં થતું પરિવર્તન એસ્પિરિન દ્વારા રૂંધાય છે. વેઇને વિશ્વમાં ખૂબ વપરાતી સ્ટીરૉઇડ વગરના પ્રતિશોથ ઔષધ (non-steroidal anti inflammatory drug) ઍસ્પિરિનની અસરકારકતા અંગેનો શરીરક્રિયાત્મક રીતે તર્કસંગત ઉકેલ શોધી કાઢ્યો.
1986માં વેઇને વિલિયમ હાર્વે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. આ સંસ્થા હૃદય તેમજ રક્તવાહિનીઓ અંગેનું સંશોધન કરે છે. 1984માં વેઇનને નાઇટહૂડ(Sir)નો ખિતાબ મળ્યો હતો.
જ. પો. ત્રિવેદી
શિલીન નં. શુક્લ