વેઇલફેલિક્સ કસોટી : વેઇલ (Weil Edmand) અને ફેલિક્સે (Felix Arthus) ઈ. સ. 1915માં કરેલું મહત્વનું સંશોધન. તેઓએ શોધ્યું કે રિકેટ્શિયાનાં પ્રતિદ્રવ્ય પ્રોટિયસની અમુક ઉપપ્રજાતિઓ સાથે પ્રક્રિયા કરે છે. શેફર અને ગોલ્ડિને (Shafer અને Goldin) 1965માં શોધ્યું કે પ્રોટિયસ વલ્ગેરિસ અને પ્રોટિયસ મિરાબિલીસ નામના જીવાણુઓ અને રિકેટ્શિયાની ઉપપ્રજાતિઓ OxK, Ox2 અને Ox19 જેવા સમાન પ્રતિજનીક નિશ્ર્ચાયકો ધરાવે છે. રિકેટ્શિયાનું પ્રયોગશાળામાં સંવર્ધન શક્ય નથી અને પ્રોટિયસની ઉપપ્રજાતિઓનું સંવર્ધન સહેલાઈથી થઈ શકે છે અને તેનું પ્રતિજન પણ મેળવી શકાય છે; તેથી પ્રોટિયસના પ્રતિજનોનો ઉપયોગ રિકેટ્શિયાથી થતા ચેપના નિદાન માટે કરવામાં આવે છે. વ્યાપારી રાહે પ્રોટિયસના પ્રતિજનો પ્રાપ્ય છે અને રિકેટ્શિયાથી થતા રોગોના પ્રોટિયસ પ્રતિજનોનો ઉપયોગ કરીને કરવામાં આવતા નિદાન માટે ‘સમૂહન (Agglutination) સામગ્રીપેટી’ પણ પ્રાપ્ય છે. રિકેટ્શિયાથી થતા રોગોના નિદાન માટે કરવામાં આવતી આ કસોટીને વેઇલ-ફેલિક્સ કસોટી કહેવામાં આવે છે.

વેઇલ-ફેલિક્સ કસોટીમાં ગુણાત્મક કસોટી સ્લાઇડ સમૂહન પદ્ધતિનો ઉપયોગ કરીને અને સંખ્યાત્મક કસોટી નળી-સમૂહન પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ગુણાત્મક કસોટીમાં પ્રતિજન અને પ્રતિદ્રવ્ય(અહીં દર્દીના લોહીમાંથી છૂટા પાડેલા સીરમને પ્રતિદ્રવ્ય તરીકે વાપરવામાં આવે છે.)ને સ્લાઇડ પર મૂકીને સમૂહન થયું છે કે કેમ તે તપાસવામાં આવે છે અને સંખ્યાત્મક પદ્ધતિમાં પ્રતિદ્રવ્યને મંદ કરવામાં આવે છે. મંદ કરેલા પ્રતિદ્રવ્ય અને પ્રતિજનને નળીમાં ભેગાં કરીને નળીઓને ઉષ્માયન માટે 37° સે. તાપમાને આખી રાત મૂકવામાં આવે છે. ત્યારબાદ નળીઓને ઓરડાના તાપમાને 15થી 20 મિનિટ રાખવામાં આવે છે. ત્યારબાદ સમૂહન થયું છે કે કેમ તે તપાસવામાં આવે છે. જો સમૂહન થયું હશે તો ટ્યૂબના નીચેના ભાગમાં સફેદ ઊર્ણી જથ્થો (flocculent mass) જોવા મળે છે, જે બાકીના પ્રવાહીથી એકદમ અલગ પડી જાય છે. મંદ કરેલા પ્રતિદ્રવ્યનું અંતિમ પ્રમાણ કે જેમાં સમૂહન થયું છે તે શોધવામાં આવે છે. તેને આધારે પ્રતિદ્રવ્યનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. જો પ્રતિદ્રવ્યનું પ્રમાણ 1 : 160 હોય તો તે નિદાનકીય રીતે મહત્વનું ગણાય. નિદાન માટે થોડા દિવસને અંતરે ફરીથી આ કસોટી કરવામાં આવે છે. જો પ્રતિદ્રવ્યનું પ્રમાણ ચાર ગણું વધે તો રોગની હાજરી સૂચવે છે.

સારણી : વેઇલફેલિક્સ કસોટીનાં પરિણામો

રિકેટ્શિયાથી થતા રોગનું નામ

પ્રતિજનનાં નામ (જે પ્રોટિયસની ઉપપ્રજાતિમાંથી મેળવેલા છે)
  Ox19 Ox2

OxK

1. રોકી માઉન્ટન + +
સ્પોટેડ ફીવર
2. ટાયફસ ફીવર +++ +
(એપિડેમિક અને મરાઇન)
3. સ્ક્રબ ટાયફસ +++
4. ક્યૂ ફીવર

આ કસોટી બધી રીતે અનુકૂળ હોવા છતાં તેની અમુક મર્યાદાઓ છે : (1) વેઇલ-ફેલિક્સ કસોટીમાં IgM પ્રતિદ્રવ્ય ભાગ લે છે અને રોગની શરૂઆતમાં તે ક્ષણિક જ હાજર હોય છે; (2) આ કસોટી બીજી ખાસ કસોટીઓના પ્રમાણમાં ઓછી સંવેદી (sensitive) છે; (3) આ કસોટી એપિડેમિક ટાયફસ અને મરાઇન ટાયફસ વચ્ચે ભેદ પાડી શકતી નથી; (4) આ કસોટી ક્યૂ ફીવર, રિકેટ્શિયેલ પૉક્સ અને ટ્રેંચ ફીવરના નિદાન માટે વાપરી શકાતી નથી; (5) બ્રીલ ઝીન્સટ રોગના નિદાનમાં આ કસોટી ઉપયોગી નથી, કારણ કે તેમાં IgG પ્રતિદ્રવ્યની પ્રતિક્રિયા જોવા મળે છે; (6) આ કસોટી પ્રોટિયસથી થતા યુરિનરી ટ્રૅક ઇન્ફેક્શન-(UTI)માં અને બોરેલિયાથી થતા લૅપ્ટોસ્પાઇરોસિસમાં હકારાત્મક પરિણામ આપે છે. તેથી આપણે ગેરમાર્ગે દોરવાઈ જવાનું બને છે.

નીલા ઉપાધ્યાય