વેઇટિંગ ફૉર ગોદો (ઓન આતોન્દન ગોદો)

February, 2005

વેઇટિંગ ફૉર ગોદો (ઓન આતોન્દન ગોદો) : નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત વિખ્યાત આયરિશ-ફ્રેન્ચ નાટ્યકાર સૅમ્યુઅલ બૅકેટની યશસ્વી નાટ્યકૃતિ. થિયેટર ઑવ્ ઍબ્સર્ડની પ્રતિનિધિરૂપ દ્વિઅંકી ટ્રેજિકૉમેડી. પ્રથમ અંકમાં બે પ્રૌઢ રખડુઓ એસ્ટ્રેગૉન અને વ્લાદિમિર, જે એકબીજાને ‘દીદી’ અને ‘ગોગો’ કહીને સંબોધે છે. સાંજના સમયે, ગામડાના રસ્તે એક વેરાન વૃક્ષ પાસે, ગોદો કે જેને તેમણે કદી જોયો નથી તેના આગમનની પ્રતીક્ષા કરે છે. પોતાનો ભૂતકાળ વાગોળતા, બાઇબલમાંથી અવતરણો ટાંકતા, વેરાન ઝાડ વિશે વાતો કરતા, ગોદો વિશે વિવિધ અનુમાનો કરતા, લડતા-ઝઘડતા, નાચતા-કૂદતા, ગાતા-રમતા, રિસાતા-મનાતા, ઊંઘી જતા-જાગી જતા, સ્વપ્નોમાં સરી પડતા, ખાતાપીતા ને પેશાબ કરતા, એમ અનેક રીતે પોતાનો સમય પસાર કરે છે. રાત પડતાં સુધીમાં પોત્ઝો અને લકી પ્રવેશે છે. પોત્ઝો એક ક્રૂર અને જુલ્મી માલિક છે અને લકી તેનો આજ્ઞાંકિત અને કંગાળ ગુલામ છે. માલિક-ગુલામની આ જોડી અને બે રખડુઓની મૈત્રીભરી જોડી પરસ્પર તીવ્રપણે વિરોધાય છે. પહેલા અંકના અંતે ગોદો એક છોકરા જોડે સંદેશો પાઠવે છે કે આજે પોતે આવી શકે તેમ નથી પણ આવતી કાલે જરૂરથી આવશે. બીજા અંકમાં વેરાન વૃક્ષને બે-ચાર પાંદડાં ફૂટેલાં દેખાય છે. પણ દીદી અને ગોગોની સ્થિતિ વધુ વણસી ગઈ છે. તેમને ઘણીબધી વસ્તુઓનું વિસ્મરણ થવા માંડ્યું છે. પોત્ઝો અને લકી પણ ફરીથી દેખાય છે, પણ પોત્ઝો હવે આંધળો થઈ ગયો છે અને લકી બહેરો. ગોદો કોઈ છોકરા જોડે ફરીથી એ જ સંદેશો પાઠવે છે કે પોતે આજે આવી શકે તેમ નથી તેથી કાલે  આવશે. બંને રખડુઓ ઘોર હતાશામાં ફરી એક વાર આત્મહત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. પહેલા અંકના અંતની જેમ બીજા અંકના અંતે પણ રખડુઓ ‘ચાલ જઈએ’ એમ કહી જવાની ઇચ્છા પ્રગટ કરે છે પણ રંગનિર્દેશમાં સૂચવાયું છે તેમ ત્યાંથી ખસતા નથી ને પડદો પડે છે. આમ આ નાટકમાં પરંપરા સ્વરૂપનાં વસ્તુ, ક્રિયા કે પાત્રો નથી. રાહ જોવી એ આ નાટકનું કેન્દ્ર છે, ક્રિયા છે. દરેક અંક ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. પહેલા દીદી અને ગોગો એકલા, પછી પોત્ઝો અને લકીના સાથમાં અને અંતે સંદેશવાહક છોકરા સાથે. કથાનક સીધી રેખામાં ગતિ કરવાની જગ્યાએ ચક્રાકારે ઘૂમ્યા કરે છે. વાત એકની એક લઢણથી શરૂ થતી અને એકની એક ધાટીએ પૂરી થતી લાગ્યાં કરે છે. અહીં સરખેસરખાં ભાષાતત્વોમાં સંયોજાતી વાક્યરચનાઓ છે. સંવાદો પણ પરંપરાગત સ્વરૂપના નથી પણ કેવળ ઉક્તિઓ છે. પાત્રો પણ નિશ્ચિત વિચાર કે સંવેદનાના માધ્યમ રૂપે નહિ પણ ખાલી અસ્તિત્વ રૂપે નિરૂપાયાં છે અને તે પણ જોડીમાં, જે માનવપ્રકૃતિની બે મૂળભૂત લાક્ષણિકતાઓ સૂચવે છે. વ્લાદિમિરએસ્ટ્રેગૉન એ સાથસંગાથ-કમ્પેનિયનશિપ માટે ભેગી થયેલી જોડી છે જ્યારે પોત્ઝો અને લકી વર્ચસ્-ડોમિનેશન માટે ભેગી થયેલી જોડી છે એમ વિવેચકો માને છે. એ જ રીતે ગોદોને ગોડ-ઈશ્વર, મૃત્યુ-જીવન, અલૌકિક તત્વ, દંતકથારૂપ મનુષ્ય એમ વિવિધ રૂપે તારવવાનો પ્રયત્ન થયો છે પણ બૅકેટનો જેટલો ઉચિત ભાર ‘વેઇટિંગ’ – રાહ જોવા  પર છે તેટલો અનુચિત ભાર વિવેચકોનો ‘ગોદો’ પર છે એવો પણ એક મત છે. ખરેખર તો નાટકનો મુખ્ય આશય નિષ્ક્રિયતા અને અનિશ્ચિતતાના કલાત્મક આલેખન દ્વારા વિસંગતિ અને શૂન્યતાની અનુભૂતિ કરાવી, અસ્તિત્વની અર્થહીનતા અને લાચારી સ્પષ્ટ કરી આપવાનો છે.

આ નાટક મૂળ ફ્રેન્ચ ભાષામાં સન 1947થી સન 1949 દરમિયાન લખાયું અને સ્વયં લેખકે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ સન 1952માં પ્રકાશિત થયો. વિખ્યાત દિગ્દર્શક રોજર બ્લિન દ્વારા તેની પ્રથમ ભજવણી ફ્રેન્ચ ભાષામાં 5 જાન્યુઆરી, 1953ના દિવસે થઈ. જાણીતા દિગ્દર્શક પીટર હૉલના નિર્માણમાં આર્ટ્સ થિયેટર ક્લબ, લંડન ખાતે 3જી ઑગસ્ટ, 1955ના રોજ તેની પ્રથમ અંગ્રેજી ભજવણી થઈ. અમેરિકા ખાતે એલન સ્નાઇડરે મિયામી, ફ્લોરિડાના કોકોનટ ગ્રોવ પ્લેહાઉસમાં પ્રથમ વાર ભજવ્યું. વિવિધ દિગ્દર્શકોએ માઇમ, મ્યૂઝિક હૉલ, સરકસ, કોમેદિયા દેલાર્તે ટેક્નીક અજમાવી નાટકને લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

ભારતમાં પણ અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાંતીય ભાષાઓમાં તેની સફળ ભજવણી થઈ છે. નાસીરુદ્દીન શાહ અને બેન્જામિન ગિલાનીના અભિનયની જુગલબંધીથી અંગ્રેજી પ્રસ્તુતિ યાદગાર બની હતી. ‘કોરસ’ દ્વારા નિમેષ દેસાઈના નિર્દેશનમાં આ નાટકનો કવિ હસમુખ પાઠકે કરેલો ગુજરાતી અનુવાદ ભજવાયો હતો અને ઓરિસામાં યોજાયેલા રાષ્ટ્રીય નાટ્યમહોત્સવમાં તેને બીજું ઇનામ પ્રાપ્ત થયું હતું. આ નાટકનો સુમન શાહે કરેલો અનુવાદ પણ પ્રસિદ્ધ થયેલ છે.

મહેશ ચંપકલાલ શાહ