વેંકટસુબ્બૈયા, ગંજમ (જીવી) (. 23 ઑગસ્ટ 1913, કૈગોનાહલ્લી, માંડ્ય, કર્ણાટક) : કન્નડ પંડિત અને કોશકાર. તેમણે બૅંગાલુરુની વિજયા કૉલેજના પ્રિન્સિપાલપદેથી સેવાનિવૃત્ત થયા પછી લેખનપ્રવૃત્તિ શરૂ કરી.

તેઓ 196469 સુધી કન્નડ સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. વળી કર્ણાટક સાહિત્ય અકાદમીના સભ્ય, મૈસૂર અને બૅંગાલુરુ યુનિવર્સિટીના સભ્ય, સેનેટર તથા લેક્સિકોગ્રાફર્સ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયાના ઉપપ્રમુખ પણ રહેલા. કન્નડ સાહિત્ય પરિષદ પુરસ્કૃત કન્નડ-કન્નડ ડિક્શનરી પ્રૉજેક્ટના મુખ્ય સંપાદક તરીકે તેમણે કામગીરી કરી હતી.

તેમણે અત્યાર સુધીમાં 55 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કન્નડ-કન્નડ ડિક્શનરી’ના 8 ગ્રંથો (સંપાદન); ‘મુડ્ડણ ભંડાર’ના 2 ગ્રંથો (સંપાદન, 1987); ‘અક્રૂર ચરિત’ (સં.); ‘ઇગો કન્નડ’ (1996); ‘કન્નડઇંગ્લિશ ડિક્શનરી’ (1981); ‘ડી. વી. ગુંડપ્પા’ (1985, ચરિત્ર); ‘સરલા દાસ’ (1996) અને ‘શંકરાચાર્ય’ (બંને ચરિત્ર, અનુવાદ) ખાસ ઉલ્લેખનીય છે.

તેમને રાજ્યોત્સવ ઍવૉર્ડ અને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા