વેંકટ રાવ, નિદાદવોલુ (. 1903, વિજયનગરમ્; . 1983) : તેલુગુ સાહિત્યના સંશોધક. તેમણે કૉલેજ-કક્ષા સુધી વિશાખાપટ્ટનમ્ ખાતે અભ્યાસ કર્યા પછી થોડો વખત ઇમ્પિરિયલ બક ઑવ્ ઇન્ડિયામાં ક્લાર્ક તરીકે કામગીરી કરી. 1941માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમણે તેલુગુમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. કેટલોક વખત કાક્ધિાાડા ખાતેની પીઠાપુર રાજાની કૉલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી.

પીઠાપુર રાજાએ તેમને કાક્ધિાાડા ખાતે ‘સૂર્ય રાયન્ઘ્ર નિઘંટુવુ’(અં. ‘તેલુગુ ડિક્શનરી’)ની સંકલન-કામગીરી સોંપી. પાછળથી તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં તેલુગુ વિભાગના વડા તરીકે જોડાયા અને પછીથી ત્યાંથી જ નિવૃત્ત થયા. ત્યારબાદ તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટી ખાતે 4 વર્ષ પ્રાધ્યાપકપદે રહ્યા. તેઓ મદ્રાસ ઓરિયેન્ટલ મૅન્યુસ્ક્રિપ્ટ્સ લાઇબ્રેરી અને તાંજાવુર સરસ્વતી મહલ લાઇબ્રેરીના સભ્ય હતા.

તેમણે ‘વીરશૈવ અષ્ટવરણ પ્રમાષ્ટક-ભરણમુ’ અને ‘ત્રિપુરાન્તકોડ હરણમુ’ નામક ટીકાગ્રંથો દ્વારા એક વિખ્યાત સંશોધક તરીકે ખ્યાતિ મેળવી. તેમના અન્ય ઉલ્લેખનીય ગ્રંથો છે : ‘તેલુગુ કવુલા ચરિત્ર’, ‘ધ હિસ્ટરી ઑવ્ તેલુગુ પોએટ્સ’, ‘આંધ્ર વચન વાઙ્મયમુ’ (‘ધ તેલુગુ પ્રોઝ લિટરેચર’); ‘દક્ષિણ દેશીયાન્ધ્ર વાઙ્મયમુ’ (‘ધ સધર્ન સ્કૂલ ઑવ્ તેલુગુ લિટરેચર’) અને ‘કર્ણાટકાન્ધ્રમુલ પરસ્પર પ્રભાવમુ’ (‘ધ મ્યૂચ્યુઅલ ઇમ્પેક્ટ ઑવ્ કર્ણાટક ઍન્ડ આંધ્ર લિટરેચર’), જે ખૂબ જ અભિનંદનને પાત્ર ઠર્યા છે.

તેમના અન્ય ગ્રંથો એક જ ભૂમિકા પરના છે, જેમાં ‘ઉદાહરણ વાઙ્મય ચરિત્ર’ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ વિવેચનાત્મક કૃતિએ તેમને ‘પરિશોધન પરમેશ્વર’નો ખિતાબ અપાવ્યો. તેમની ‘મિન્ચુપલ્લે’; ‘તેલુગુ પોલુપુ’; ‘આંધ્ર નાલન્દા શતકમ્’ અને ‘શ્રીરામલિંગેશ્વર શતકમ્’ કૃતિઓ તેમની કવિપ્રતિભાની દ્યોતક છે, વળી તેમણે અંગ્રેજી તેમજ તેલુગુમાં સોએક નિબંધો આપ્યા છે અને દૂરદર્શન પરથી અનેક વાર્તાલાપો પ્રસારિત કર્યા છે.

1973માં આંધ્ર યુનિવર્સિટીએ ‘કલાપ્રપૂર્ણ’નો ખિતાબ એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું. તેમને તેમના ગ્રંથ ‘વિજયનગર સમસ્થાનમુ – સાહિત્ય-પોષણમુ’ બદલ આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી તરફથી ઇનામ પ્રાપ્ત થયું હતું.

બળદેવભાઈ કનીજિયા