વૅગ્નર, જુલિયસ જૌરેગ (જ. 7 માર્ચ 1857, વેલ્સ, ઑસ્ટ્રિયા; અ. 27 સપ્ટેમ્બર 1940, વિયેના) : ઑસ્ટ્રિયન મનોચિકિત્સક તથા ચેતાતંત્ર-વિજ્ઞાની. મૂળ નામ જુલિયન વૅગ્નર રીટ્ટર. તેમણે ઉપદંશ (syphilis) નામના રોગમાં થતી મનોભ્રંશી સ્નાયુઘાતતા (dementia paralytica) નામની આનુષંગિક તકલીફમાં મલેરિયા કરતા સૂક્ષ્મજીવોને શરીરમાં પ્રવેશ આપીને સફળ સારાવાર થઈ શકે છે તેવું દર્શાવ્યું હતું. તે વખતના એક અસાધ્ય રોગને આ રીતે ચિકિત્સાસાધ્ય બનાવ્યો. આ માટે તેમને 1927નું ઔષધવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક અપાયેલું.

જુલિયસ જૌરેગ વૅગ્નર
યુનિવર્સિટી ઑવ્ વિયેનાના મનશ્ચિકિત્સા વિભાગના સંશોધન-સભ્ય તરીકે તેમણે નોંધ્યું કે કેટલાક ચેતાવિકારો(neurologic disorder)થી પીડાતા દર્દીઓને કોઈ ચેપી રોગને કારણે તાવ આવે અને તે પછી તેમાંથી મુક્તિ મળે તો તેમના ચેતાવિકારમાં પણ ઘણી રાહત થાય છે. 1887માં તેમણે સૂચવ્યું કે મનોભ્રંશના દર્દીઓમાં આવા તાવ ઉપજાવતા મલેરિયા જેવા રોગને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાથી તેમાં ઘણો સુધારો થાય છે. મલેરિયા તો ત્યારબાદ દવાથી કાબૂમાં લઈ શકાય છે. ગ્રાઝ યુનિવર્સિટી, ઑસ્ટ્રિયાના મનશ્ચિકિત્સા તથા ચેતાતંત્રને વિજ્ઞાની તરીકે તેમણે આવા માનસિક વિકારવાળા દર્દીઓમાં તાવ ઉપજાવવા માટે ટ્યૂબરક્યુલિન (ક્ષય રોગના જંતુમાંથી મેળવેલું નિષ્કર્ષ) દાખલ કરવાનો પ્રયોગ કરી જોયો, જેને આંશિક સફળતા મળી. 1917માં વિયેના યુનિવર્સિટીમાં તેઓ ચેતાતંત્રીય તેમજ માનસિક રોગની હૉસ્પિટલના નિયામક હતા. ત્યાં તાવવાળા રોગીઓમાં મલેરિયા ઉત્પન્ન કરતાં ખૂબ જ નાટકીય પરિણામો મેળવી શકાયાં. પરંતુ તેમનાં સંશોધનોએ-માનસિકરોગ માટે જ્વર ચિકિત્સા (fever therapy) તથા પ્રઘાત-ચિકિત્સા(shock therapy)ની પદ્ધતિઓમાં વિકાસ કર્યો. વૅગ્નર ગલગ્રંથીય વામનતા (cretinism) તથા ગલગ્રંથીય વિકારો(thyroid disorder)ના પણ નિષ્ણાત ગણાતા હતા.
શિલીન નં. શુક્લ
જ. પો. ત્રિવેદી