વેચાણવેરો : માલના વેચાણ, હેરફેર (turnover) અને વપરાશ ઉપર રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવતો વેરો.

ભારતમાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી વેચાણવેરો પ્રવેશ્યો. કૉંગ્રેસ પ્રધાનમંડળે 1937માં બૃહદ મુંબઈ રાજ્યમાં એનાં બીજ નાખી દારૂબંધીના વિકલ્પે વેચાણવેરો 1946માં દાખલ કર્યો હતો.

માલના ઉત્પાદન, હેરફેર, વેચાણ અને વપરાશ પર વેચાણવેરો નાખી શકાય. ભારતના બંધારણના પ્રથમ સુધારા(119-1956)થી સ્થાનિક વેચાણો પર વેરો લેવાનો અધિકાર રાજ્યોને અને આંતરરાજ્ય વેચાણો પર વેરો લેવાનો અધિકાર કેન્દ્રને મળ્યો. વેચાણવેરો એકલક્ષી, દ્વિલક્ષી અથવા બહુલક્ષી હોઈ શકે.

તા. 6ઠ્ઠી મે, 1970થી અમલી ગુજરાત વેચાણવેરા અધિનિયમ 1969 પહેલાં રાજ્ય સરકારે એકલક્ષી, દ્વિલક્ષી અને બહુલક્ષી વેચાણવેરાના પ્રયોગો કરી જોયા છે. વર્તમાન અધિનિયમ આ બધાંનું મિશ્રણ છે. વેચાણવેરો રાજ્ય સરકારો માટે અઢળક આવકનું સાધન છે. વેચાણવેરો નામ હોવા છતાં ખરીદી ઉપર માલના વપરાશ ઉપર અને અધૂરાં વેચાણો ઉપર પણ વેરો લેવાય છે.

અધિનિયમ હેઠળ વેપારીના મુખ્ય ત્રણ પ્રકારો છે : આયાતકાર, ઉત્પાદક અને ફરી વેચનાર. એમની વેરો ભરવાની જવાબદારી તેમના ધંધામાં વર્ષ દરમિયાન થયેલી કુલ હેરફેર અને આયાત અથવા ઉત્પાદનની કુલ કિંમત પર આધારિત છે. ખેડૂત, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ અને માછીમારોએ કરેલાં વેચાણોને વેપારીની વ્યાખ્યામાંથી મુક્ત રાખ્યા છે. તે સિવાય ધંધો કરનાર દરેક વ્યક્તિ, સંસ્થા, ક્લબ કે મંડળી વેરો ભરવાપાત્ર ગણાય છે. વેરો ભરવાને પાત્ર દરેક વ્યક્તિએ નોંધણીક્રમાંક મેળવવો ફરજિયાત છે. વ્યક્તિ શબ્દમાં કંપની, ઍસોસિયેશન, વ્યક્તિઓનો સમૂહ, મંડળી, ક્લબ, સંસ્થા, હિંદુ અવિભક્ત કુટુંબ, પેઢી, સ્થાનિક સત્તા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમાવિષ્ટ છે. આયાતકાર અને ઉત્પાદકની વાર્ષિક હેરફેરની મર્યાદા રૂ. 1,25,000 અને ફેર વેચનારની રૂ. 50,000ની છે. વેરાની જવાબદારી કુલ હેરફેર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. કેન્દ્રીય વેચાણવેરા હેઠળ નોંધાયેલ વેપારી, આ અધિનિયમ હેઠળ વેરો ભરવા જવાબદાર છે. એમાં હેરફેરની કોઈ મર્યાદા નથી. તા. 1-4-86ના સુધારાથી લૉટરીની ટિકિટોના વેચાણને વેરાપાત્ર ગણ્યું છે અને તેવી ટિકિટોનું વેચાણ કરનારની હેરફેરની મર્યાદા રૂ. 1,25,000ની કરી છે. આ ઉપરાંત ખરીદવેરો નાખવાની વધારાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

વેચાણની વ્યાખ્યામાં અવેજ લઈને રાજ્યમાં કરેલાં વેચાણો ઉપરાંત માલ પૂરો પાડવાનો કરાર સિવાયના પ્રસંગે વકર્સ કૉન્ટ્રૅક્ટ મારફત અપાયેલા માલનો; ભાડાખરીદથી કે હપતા દ્વારા અપાયેલ માલની સોંપણીનો, મંડળો, ક્લબો વગેરેએ તેના સભ્યોને ફી, લવાજમ કે કિંમતના બદલામાં આપેલા માલનો અને સેવા તરીકે અપાયેલ વસ્તુ, ખોરાક કે પીણાંનો સમાવેશ થાય છે. કલમ 5 હેઠળની અનુસૂચિ-1માં દર્શાવેલ વેચાણોની હેરફેર વેરામુક્ત છે. કલમ 49(1) હેઠળનાં અમુક વેચાણ અને ખરીદ વેરામુક્ત છે. રાજ્ય સરકારે આ ઉપરાંત અમુક ખરીદ-વેચાણોને અંશત: કે પૂર્ણપણે વેરામુક્ત જાહેર કર્યાં છે. આવી યાદી લંબાતી જાય છે અને હાલ તેમાં 164 ક્રમાંકો છે. અનુસૂચિ 2, 3 અને 4 હેઠળ દર્શાવેલા વિવિધ માલનાં વેચાણો કે ખરીદી વેરાપાત્ર છે એમાંનો અમુક માલ પ્રથમ તબક્કે વેચાણવેરા યા ખરીદવેરાને પાત્ર; અમુક સામાન્ય વેચાણવેરા યા ખરીદવેરાને પાત્ર; અમુક વેચાણવેરા અને સામાન્ય વેચાણવેરા અથવા ખરીદવેરાને પાત્ર; અને અમુક માલ વાપરવાનો હક જે અન્યને આપવામાં આવે તે વેચાણવેરાને પાત્ર છે.

વેરો ભરવાને જવાબદાર દરેક વ્યક્તિએ નોંધણીક્રમાંક મેળવવો ફરજિયાત છે. વળી સ્વૈચ્છિક નોંધણી પણ મેળવી શકાય છે. અમુક નિશ્ચિત શરતોને આધીન પરવાનો, રેકગ્નિશન અને પરમિટ પણ સ્વૈચ્છિક મેળવી શકાય છે.

નોંધાયેલા દરેક વેપારીની ફરજ છે કે તેના ધંધાના પૂરા અને ખરા હિસાબો તેણે રાખવા, રજૂ કરવા અને અધિકૃત વ્યક્તિઓને તે તપાસવા દેવા. જે તે અધિકારી આ માટે ધંધાના સ્થળે પ્રવેશી જરૂર જણાયે હિસાબી ચોપડા અને ધંધાને લગતું સાહિત્ય કબજે લઈ શકશે. આમાં દખલ કરવી તે ગુનો છે. વાર્ષિક એક લાખથી વધુ હેરફેર હશે તેવા વેપારીએ વેચાણ-બિલો કે કૅશમેમો આપવાં ફરજિયાત છે. કોઈ વ્યક્તિ વેપારી છે કે નહિ, અમુક કાર્ય ઉત્પાદન કહેવાય કે નહિ, અમુક વેચાણ સ્પેસિફાઇડ વેચાણ કે ખરીદ છે કે નહિ, અમુક વેપારીએ નોંધણીક્રમાંક મેળવવો પડે કે નહિ અને અમુક વ્યવહાર વેરાપાત્ર ગણાય કે નહિ એવા વિશિષ્ટ પ્રશ્નોના ઉત્તર ક. 62 હેઠળ અપાય છે. ધંધાના હિસાબી ચોપડા રાખવા ઉપરાંત નોંધાયેલા વેપારીએ તેના ધંધાની ત્રિમાસિક હેરફેરનાં પત્રકો તથા તે અનુસાર થતો વેરો ચલનથી ભરીને જે તે ઑફિસમાં નિયમિત રજૂ કરવાં પડે છે. નિયતકાલિક વેરો વિલંબથી ભરનારે વ્યાજ સાથે તે ભરવો પડે છે. ખોટાં પત્રકો રજૂ કરવાં એ ગુનો છે.

વેચાણો કે ખરીદ પર વેરો બેવડાઈ ન જાય તે માટે અંશત: કે પૂર્ણત: ડ્રૉ બૅક, સેટ-ઑફ કે રિફંડ અપાય છે. વિલંબિત રિફંડ પર વ્યાજ આપવાની અને લેણો વેરો લખી વાળવા(write off)ની સરકારને સત્તા છે.

નોંધાયેલા દરેક વેપારીના વેરાની આકારણી વર્ષવાર અને નિયત સમયમર્યાદામાં કરવાની હોય છે. આકારણી પત્રકો સ્વીકારીને કરાય છે. પત્રકો ભર્યાં ન હોય, ખોટાં કે અધૂરાં પત્રકો રજૂ કર્યાં હોય અથવા નોંધણીક્રમાંક મેળવવાપાત્ર વેપારી તે મેળવે નહિ અથવા તો વેપારીના હિસાબો અધૂરા અને પદ્ધતિસર ન હોય તેવે પ્રસંગે હિસાબોની આકારણી યથામતિ કરાશે. આકારણી પ્રમાણે થતો વેરો વેપારીએ ભરી આપવાનો હોય છે. તેમ નહિ થતાં બાકી પડતા વેરાની વસૂલાત દંડ સાથે અથવા તો જમીનમહેસૂલ રાહે અથવા તો વસૂલાતનાં ખાસ પગલાં મારફત કરાય છે. 1979ના સુધારાથી છટકી જતા વેરાની આકારણી અને પુન:આકારણી માટે જોગવાઈઓ દાખલ કરી છે. વળી આ માટે ગુજરાત સેલ્સટૅક્સ સેટલમેન્ટ કમિશન નીમવામાં આવ્યું છે. છટકી જતી હેરફેરની આકારણી યથાપ્રસંગ જે તે સમયથી અગાઉના આઠ કે પાંચ વર્ષ સુધીના હિસાબોની કરી શકાય છે.

આકારણી કરવામાં કાગળો પર રહી ગયેલી દેખીતી ભૂલની સુધારણા કુદરતી ન્યાયના સિદ્ધાંતોને આધીન રહીને કમિશનર પોતે નિશ્ચિત સમયમર્યાદામાં કરી શકે છે અને થતો વેરો વસૂલ કરી શકે છે. વેચાણવેરા પંચ અને અપીલ-અધિકારીને પણ આ જોગવાઈ બંધનકર્તા છે.

સરકારી લેણું ડુબાવવાના આશયથી ચાલુ કાર્યવહી દરમિયાન એસેસી તેની મિલકત પર બોજો કરે, અન્ય રીતે તેનું વેચાણ કરે કે બીજાને નામે કરે તો તેવા વ્યવહારો વ્યર્થ ઠરશે, પરંતુ કાર્યવહીની વ્યક્તિને જાણ ન હોય તો તેણે અવેજ સાટે કરેલા વ્યવહારોને આ જોગવાઈ લાગુ પડશે નહિ.

વેચાણવેરાની કાર્યવહી દરમિયાન રજૂ કરેલ દસ્તાવેજો, નિવેદનો અને અન્ય માહિતી ખાનગી ગણાય છે. તેને જાહેર કરનાર સરકારી નોકર અમુક અપવાદો સિવાય સજા અને દંડને પાત્ર થાય છે.

નોંધણીક્રમાંક મેળવ્યા વિના ધંધો ચાલુ રાખવો, ખોટી જાહેરાત કે ખોટાં પત્રકો રજૂ કરવાં, ધંધો કરતી વેળા પોતે નોંધાયેલ વેપારી છે અને પરવાનો વગેરે ધરાવે છે એમ રજૂઆત કરવી, ખોટાં પ્રમાણપત્રો આપવાં, સૂચના મળ્યા છતાં પૂરા અને સાચા હિસાબો ન રાખવા, હિસાબો તપાસવા આવનાર અધિકારી સમક્ષ તે રજૂ ન કરવા, ખોટા હિસાબો, પત્રકો, દસ્તાવેજો અને માહિતી રજૂ કરવાં અને શોધ અને જપ્તી કરવા આવનારને તેના કામમાં ડખલ કરવી તથા ઉપરનાં કાર્યોમાં સાથ આપવો કે ઉત્તેજન આપવું એ સર્વે શિક્ષાપાત્ર ગુના છે; પરંતુ કમિશનર જેમાં દંડ કરે તેવા ગુના માટે ફરિયાદ દાખલ કરી શકાય નહિ. કંપનીએ કરેલા ગુના માટે કંપની ઉપરાંત તેને જવાબદાર અધિકારી પણ જવાબદાર છે. કમિશનરની પૂર્વમંજૂરી વિના કોઈ ગુનાની ફરિયાદ કોર્ટમાં લઈ જઈ શકાય નહિ. કમિશનર ગુનાનું સમાધાન પણ કરી શકે છે.

વેરો ટાળવા સામે રાજ્ય સરકારે માલના વહન દરમિયાન તેની તપાસણીની વ્યવસ્થા કરી છે. એ માટે 1976થી રાજ્યમાં તેત્રીસ જગાઓએ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. ત્યાં થઈને પસાર થતાં વાહનોમાં ભરેલા માલનું અને તેને લગતા કાગળો અને દસ્તાવેજો તથા વાહનના માલિકનું નામ, તેનો નોંધણીક્રમાંક, માલ મોકલનાર અને લેનારનાં નામો અને અન્ય વિગતો ચેકપોસ્ટનો અધિકારી તપાસી શકે છે અને તે માટે જે તે વાહનોને રોકી શકે છે. વાહન હાંકનારને આ માટે પ્રશ્નો પૂછી અને તેનું નિવેદન પણ લઈ શકાય છે.

વેચાણવેરા અધિકારીના દરેક મૂળ આદેશ સામે નિયત સમયમાં, નિશ્ચિત નમૂનામાં અપીલ થઈ શકે છે. પરંતુ વેપારીને આકારણી માટે હાજર થવા અપાયેલ આદેશ અથવા તેની સામે ફરિયાદ દાખલ કેમ ન કરવી તેવી કારણદર્શક નોટિસ સામે, તેના હિસાબી ચોપડા અને સાહિત્ય જપ્ત કરતા આદેશ સામે અથવા તેની સામે ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપતા આદેશ સામે કે તેની સામે આકારણી કાર્યવહી થંભાવી રાખવાના આદેશ સામે કોઈ પણ અપીલ થઈ શકતી નથી. આદેશનું પુનરીક્ષણ કરવાની સત્તા કમિશનરને અને વેચાણવેરા પંચને છે. અપીલ અને રિવિઝનના આદેશ સામે કાયદાના મુદ્દા પર નિયત સમયમાં હાઈકોર્ટમાં રેફરન્સ કરી શકાય છે. અધિનિયમના અમલ માટે સરકારે વેચાણવેરા નિયમો બનાવ્યા છે.

વેચાણવેરા અધિનિયમમાં અત્યાર સુધીમાં પંદર વાર સુધારાવધારા કરવામાં આવ્યા છે. ખાતાકીય સૂચનાઓ, એનાં અર્થઘટનો, અનેક પ્રમાણપત્રો અને છાશવારે અપાતી રાજકીય હેતુસરની રાહતોની જાળમાં ગૂંચવાતો આ કાયદો દિવસે દિવસે વધુ ને વધુ જટિલ બનતો જાય છે. પરિણામે સામાન્ય વેપારી માટે વેચાણવેરા સલાહકારની મદદ વિના વેપાર કરવો એ સ્પષ્ટ જોખમ નોતરવા સમાન છે.

રાજ્ય સરકારો વેચાણવેરાને બદલે મૂલ્ય-વૃદ્ધિકર (valued added tax – VAT)નું અમલીકરણ કરવા તૈયાર થાય તે માટે ભારત સરકાર કેટલાક સમયથી સમજાવટના પ્રયત્નો કરે છે, પરંતુ રાજ્ય સરકારોની સર્વસંમતિના અભાવે આ પ્રયત્નો હજુ સફળ થઈ શક્યા નથી. તેમ છતાં ઉત્તરપ્રદેશ અને ગુજરાત આ બે રાજ્યો બાદ કરતાં બાકીના રાજ્યોમાં મૂલ્ય-વૃદ્ધિકરનો અમલ તારીખ 1 એપ્રિલ, 2005થી થશે એવી જાહેરાત કેન્દ્ર સરકાર વતી કરવામાં આવી છે. આ અંગે ગુજરાતની સ્થિતિ અનિશ્ચિત છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી