વેગે, નાગેશ્વર રાવ (. 18 જાન્યુઆરી 1932, પેડા અવતપલ્લી, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : ભારતીય અંગ્રેજી અને ઇટાલિયન કવિ. તેમણે 1955માં આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને પછી પરમા યુનિવર્સિટી, ઇટાલીમાંથી એમ.ડી.ની પદવીઓ મેળવી અને સ્વિસ મેડિકલ સોસાયટીના ફેલો બન્યા. ત્યારબાદ તેમણે ગેરા પિયાનોમાં ડૉક્ટરનો વ્યવસાય શરૂ કર્યો. હૉસ્પિટલ મેડૉસ્કિયોના ડેપ્યુટી મેડિકલ ડિરેક્ટર તથા સ્વિસ રાઇટર્સ ઍસોસિયેશનના વાઇસ-પ્રેસિડેન્ટ તરીકે તેમણે કામગીરી કરી. ત્યારબાદ 1990થી તેઓ વર્લ્ડ-કલ્ચર ઑર્ગેનાઇઝેશનના સાંસ્કૃતિક રાજદૂત તરીકે રહ્યા.

તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેમણે અંગ્રેજી અને ઇટાલિયન ભાષામાં 22 જેટલા કાવ્યસંગ્રહો આપ્યા છે. ઇટાલિયન ભાષામાં, ‘અરોરા’ (1961); ‘સાન્તી પ્રિય’ (1966); સોર્રિસી ઇ લેક્રિમા’ (1971); ‘પેસ ઇ આમોર’ (1981); ‘ટેમ્પલી ટ્રેસ્કુરતી’ (1983); ‘આમોર ઇ આમાર’ (1989) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. વળી અંગ્રેજીમાં ‘ધ લાઇટ ઑવ્ અશોક’ (1970); ‘પીસ ઍન્ડ લવ’ (1981); ‘ધ બેસ્ટ ઑવ્ વેગે’ (1996) નામક તેમના કાવ્યસંગ્રહો ઉલ્લેખનીય છે. તેમની કેટલીક કૃતિઓ અન્ય ભાષાઓમાં અનૂદિત થઈ છે.

તેમના સાહિત્યિક અને અન્ય સેવાકીય પ્રદાન બદલ તેમને જિસેપ અનાગ્રેત્તી ઍવૉર્ડ (રોમ); ફેતર્નિતા નેલ આર્ટ ઍવૉર્ડ; શિલર ઍવૉર્ડ અને સાન વેલેન્તિનો ઍવૉર્ડ (રોમ) આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા