વૃદ્ધત્વવિદ્યા (geriatrics)
February, 2005
વૃદ્ધત્વવિદ્યા (geriatrics) : મોટી વયે થતી શારીરિક ક્રિયાઓ અને તેમના વિકારોનો અભ્યાસ. સમગ્ર વિશ્વમાં મોટી ઉંમરની વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે; કેમ કે, આયુષ્યની અવધિ લંબાઈ છે. સન 1950માં યુ.એસ. અને કૅનેડામાં 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓની સંખ્યા પૂરી વસ્તીના 8 % થી 13 % જેટલી હતી જે સન 2020માં બીજા 50 % જેટલી વધશે. તેથી અમેરિકામાં ઓછામાં ઓછા 500 લાખ માણસો 65 વર્ષ કે તેથી વધુ વયનાં ત્યારે હશે. ગિનિઝ બુક ઑવ્ વર્લ્ડ રેકર્ડ્ઝ પ્રમાણે વિશ્વની સૌથી વધુ જીવેલી વ્યક્તિ શિગિચીઓ ઇઝુમી હતી, જે 120 વર્ષ જીવી હતી. વિશ્વ આખામાં યૌવનારંભ (puberty) પછી દર 8 વર્ષે મૃત્યુદર બમણો થાય છે. નવી સાબિતીઓ દર્શાવે છે કે 100 વર્ષ પછીની વયે મૃત્યુદરના વધારાનો પ્રવેગ ઘટી જાય છે. સુધરેલી જાહેર સફાઈ, શુદ્ધ ખોરાક-પાણી-રહેઠાણ, રસીઓ, ઍન્ટિબાયૉટિક્સ, આહારી દ્રવ્યોની સહજ ઉપલબ્ધિ વગેરેએ જીવનકાળ લંબાવ્યો છે; પરંતુ તેની સામે વ્યસનો (દારૂ, તમાકુ), ઘટતો જતો શ્રમ, ઝડપથી તૈયાર થતા તૈલી અને તળેલા આહાર વગેરેવાળી નવી જીવનશૈલી જીવનકાળને ઘટાડે છે. મોટી ઉંમરે જોવા મળતો અલ્ઝેમિરનો રોગ વારસો અને વાતાવરણીય પરિબળોની અસર દર્શાવે છે. તેનું જોખમ વધતી ઉંમર સાથે વધે છે અને 85 વર્ષની વયે તે 35 % કે વધુ થાય છે.
શિલીન નં. શુક્લ