વૃદ્ધાવસ્થા (old age) : 60થી 99 વર્ષની વય સુધીનો (અને કેટલાક દાખલામાં તે પછીની વયની પણ) જીવનનો યુવાવસ્થા પછીનો ત્રીજો અને છેલ્લો ગાળો. આમ લાંબા આયુષ્યવાળા લોકો માટે વૃદ્ધાવસ્થાની મર્યાદા 60 વર્ષની (અને અપવાદરૂપ વ્યક્તિઓ માટે તેનાથી પણ લાંબી) હોઈ શકે. ચાર દાયકા સુધી ફેલાયેલા આ ગાળાની સર્વ વ્યક્તિઓને એક જ જૂથમાં મૂકવી એ અવાસ્તવિક છે; કારણ કે એમ કરવાથી વૃદ્ધો વચ્ચે રહેલા માત્ર વ્યક્તિગત તફાવતોની જ નહિ, પણ ચાર દાયકાઓ વચ્ચે રહેલા તફાવતોની પણ અવગણના થતી હોય છે. તેથી વૃદ્ધાવસ્થાના ચાર ભાગ પાડવામાં આવે છે : (1) યુવાન વૃદ્ધો (વય 60થી 69 વર્ષ), (2) મધ્યવયી વૃદ્ધો (વય 70થી 79 વર્ષ), (3) વૃદ્ધ વૃદ્ધો (વય 80થી 89 વર્ષ) અને (4) અતિવૃદ્ધ વૃદ્ધો (વય 90થી ઉપર).

ભવિષ્યમાં વિજ્ઞાન ગમે તે શોધે, અત્યારે તો શરીરનું જીર્ણ થવું એક સાર્વત્રિક અને અનિવાર્ય પ્રક્રિયા ગણાય છે. વ્યક્તિને સારામાં સારો જૈવ વારસો અને અત્યંત અનુકૂળ પર્યાવરણ મળે તે પછી પણ તેના શરીરનાં તંત્રોને થોડો ઘણો પણ ઘસારો તો લાગુ પડે જ છે. વ્યક્તિની મધ્યવયના પાછલા ભાગથી જ (40થી 55 વર્ષની વયે) આ ધીમો કુદરતી ઘસારો શરૂ થાય છે. પ્રદૂષિત પર્યાવરણ, આહારવિહારની ખરાબ ટેવો, માંદગી ઈજા કે અકસ્માતને લીધે શરીર વધારે ઝડપથી જીર્ણ બને છે.

વૃદ્ધો વિશે અનેક ગલત ખ્યાલો પ્રચલિત છે. એમાંના કેટલાક ખ્યાલોમાં હકીકત, અર્ધસત્ય, અતિસામાન્યીકરણ અને કલ્પનાનું મિશ્રણ હોય છે. કેટલાક પ્રતિકૂળ ખ્યાલો આ પ્રમાણે છે : (1) વૃદ્ધો માત્ર જ્યાં ત્યાંથી અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે, પણ મોજથી કે સ્ફૂર્તિથી જીવતા નથી. (2) પોતાનાથી નાની વયના લોકો કરતાં વૃદ્ધો ઓછા કાર્યક્ષમ અને ઓછા ઉત્પાદક હોય છે. (3) તેઓ બીજા વયજૂથની વ્યક્તિઓ કરતાં ઓછા જ્ઞાની હોય છે. (4) અંગત રીતે તેઓ ગરીબ હોઈ સુખ-સગવડનાં સાધનોનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. (5) વૃદ્ધો શરીરે નબળા હોય છે. (6) તેઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ જાતે મેળવી શકતા નથી, તેથી પરાધીન બને છે. (7) તેઓમાં સર્જકતા કે કાર્ય માટેનો ઉત્સાહ ઓછો હોય છે. (8) તેઓ અવારનવાર અકસ્માતનો ભોગ બને છે. (9) તેઓ નવું શીખી શકતા નથી અને જૂનું જલદી ભૂલી જાય છે. (10) તેઓ અંધવિશ્વાસુ હોય છે અને પરિવર્તનને અપનાવતા નથી. (11) તેઓ એકલા પડી રહે છે, બીજા લોકોનો સંગાથ લેવાનો પ્રયત્ન પણ કરતા નથી. (12) તેઓ અસંતુષ્ટ અને કંટાળો જન્માવનારા હોય છે.

વૃદ્ધો વિશેના કેટલાક અનુકૂળ ખ્યાલો : (1) તેઓ મળતાવડા અને પ્રેમાળ હોય છે. (2) તેઓ પરિપક્વ, શાણા અને દીર્ઘદૃષ્ટિવાળા હોય છે. (3) તેમના સ્વભાવ અને વર્તન રસપ્રદ હોય છે. (4) તેઓ બીજી વ્યક્તિને ધીરજથી સાંભળે છે. (5) મોટા ભાગના વૃદ્ધો બાળકો અને પુત્ર-પૌત્રાદિ પ્રત્યે દયાળુ અને ઉદાર હોય છે.

હકીકત એ છે કે ઘણા વૃદ્ધો સ્ફૂર્તિવાળા અને આનંદી પણ હોય છે. બીજાં વયજૂથો કરતાં તેમની ઉત્પાદકતા કે સર્જકતા કોઈ નોંધપાત્ર પ્રમાણમાં ઓછી હોતી નથી. જ્ઞાન અને શિક્ષણને મનુષ્યની ધગશ અને તક સાથે સંબંધ છે, વય સાથે નહિ. જે દેશોમાં સામાજિક-આર્થિક સલામતીની વ્યવસ્થા છે ત્યાં વૃદ્ધો પણ સગવડો ભોગવે છે. વૃદ્ધ વયે શક્તિ અને સ્વાસ્થ્ય ઘટે ખરું, પણ તે વ્યક્તિને સાવ દુર્બળ બનાવી મૂકતું નથી, ઘણા વૃદ્ધો પોતાનાં મોટાભાગનાં કામ જાતે જ કરી શકે છે. અતિ શ્રમપૂર્ણ કે ઝડપી કાર્યો કરવામાં જ તેમણે બીજાની મદદ લેવી પડે છે. કાર્ય માટેનો ઉત્સાહ અને સર્જનશક્તિ વ્યક્તિગત બાબત છે, વય આધારિત નથી. અકસ્માતની શક્યતા પણ વય ઉપર નહિ, પણ વ્યક્તિની સાવચેતી ઉપર આધાર રાખે છે. તેમનામાં નવું શીખવાની શક્તિ ઘટે છે, એની સામે તેઓ શીખેલા જ્ઞાનકૌશલ્યનો વધુ અસરકારક ઉપયોગ કરે છે. અપરિવર્તનશીલતાને વય સાથે સંબંધ નથી અને બધાં પરિવર્તનો ઇષ્ટ પણ હોતાં નથી.

યુ.એસ.માં અત્યારે 60 વર્ષની વયે પહોંચેલ વ્યક્તિ બીજાં 21 વર્ષ જીવવાની આશા રાખી શકે છે. ત્યાં ઘણાં કુટુંબોમાં 60થી 65 વર્ષનો પુરુષ કે સ્ત્રી, પોતાના આશરે 78થી 94 વર્ષનાં માતાપિતાની સંભાળ રાખતા જોવા મળે છે. ન્યૂ ગાર્ટન કહે છે કે 20 વર્ષ પહેલાં જે કાર્યો 50થી 59 વર્ષના લોકો કરતા હતા તે આજે 70થી 79 વયજૂથના ઘણા લોકો કરે છે.

બર્નસાઇડ અને બીજા સંશોધકોના અભ્યાસોને આધારે વૃદ્ધોના વિવિધ વર્ગોની લાક્ષણિકતાઓ આ પ્રમાણે ગણાવી શકાય :

(1) યુવાન વૃદ્ધો : ઉંમર વર્ષ 60થી 69 : આ દાયકો વ્યક્તિના જીવનમાં મોટા ફેરફારો લાવે છે. નિવૃત્ત થવાથી કે ખંડ સમય માટે કાર્ય કરવાથી આવક ઘટે છે. વ્યક્તિના કેટલાક મિત્રો અને સગાંનું મૃત્યુ થવાથી તે એમનો સંગાથ ગુમાવે છે. કેટલાંક કાર્યો કરવા માટે બીજા પર આધાર રાખવો પડે છે. આ વયની બધી જ વ્યક્તિઓને એક લાકડીએ હાંકીને સમાજ તેની પાસેથી પ્રવૃત્તિ કે સર્જકકાર્ય કરવાની આશા છોડી દે છે. (જોકે ખરેખર તેઓ એ કાર્ય કરી શકતા હોય છે.) તેથી એમનો ઉત્સાહ કે જોમ ઘટે છે. શરીરની શક્તિ ઘટવા છતાં પ્રવૃત્તિઓ કરવા માટે શક્તિ પૂરતી હોય છે. તેથી તેઓ નવી, જુદા પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરે છે; દા. ત., પોતાની માનસિક કે આધ્યાત્મિક શક્તિ વિકસાવવી, જનસમુદાયને મદદરૂપ થવું કે રાજકીય પ્રવૃત્તિ કરવી, કે પુત્ર-પૌત્રાદિકના વિકાસમાં ફાળો આપવો. આ રીતે તેઓ પોતાના વ્યક્તિત્વનું પુનર્ગઠન કરે છે.

(2) મધ્યવયી વૃદ્ધો : તેઓ 70થી 79 વર્ષ દરમિયાનની વયના હોય છે. આ દાયકામાં વ્યક્તિનાં શરીર અને મનમાં વધારે મોટા ફેરફારો થાય છે. તેનાં વધારે સગાં (ઘણી વાર તો જીવનસાથી) અને મિત્રો મૃત્યુ પામતા હોય છે. તેથી એમનું સામાજિક જગત ઝડપથી સંકેલાતું જાય છે. પહેલા કરતાં તેઓ સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં ઓછા ભાગ લઈ શકે છે. આ વયે ઘણી વ્યક્તિઓ અજંપાભરી અને ચીડિયલ બને છે. પોતાના સ્વાસ્થ્યની મુશ્કેલીઓથી તેઓ વધારે હેરાન થાય છે. આગલા દાયકામાં કરેલા વ્યક્તિત્વના પુનર્ગઠનને જાળવી રાખવું એ આ વયજૂથની વ્યક્તિનું એક મુખ્ય કાર્ય હોય છે. દેશની તબીબી સેવામાં સુધારો થવાથી અને પોતે વધારે તંદુરસ્ત જીવનશૈલી અપનાવતા હોવાથી આ વયના ઘણા લોકો કોઈ મહત્વની અસમર્થતા અનુભવ્યા વિના તંદુરસ્તીને જાળવે છે.

(3) વૃદ્ધ વૃદ્ધો : તેઓ 80થી 89 વર્ષની વયના હોય છે. આ વયના મોટાભાગના લોકો પોતાની પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈને આંતરક્રિયા કરવામાં વધારે મુશ્કેલી અનુભવે છે. હવે તેઓ વર્તમાન પરિસ્થિતિ અને સાંપ્રત બનાવોમાં ઓછો રસ લે છે અને પોતાના ભૂતકાળની સ્મૃતિઓને વાગોળવાનું વધારે પસંદ કરે છે. આવા ઘણા વૃદ્ધોને અવરોધ વિનાના, સંઘર્ષની શક્યતા વિનાના પર્યાવરણની જરૂર હોય છે. જેથી તેઓ પોતાની જરૂરત પ્રમાણે પર્યાવરણમાંથી ઉત્તેજનાઓ મેળવી શકે અને જરૂર ન હોય ત્યારે ઉત્તેજનાઓથી મુક્ત રહી શકે. તેમને સામાજિક કે સાંસ્કૃતિક સંપર્કો જાળવવામાં મદદની જરૂર પડે. આ વયના ઘણા વૃદ્ધોનું શરીર નબળું હોય છે. આંતરરાષ્ટ્રીય અંદાજો પ્રમાણે આ વયના વૃદ્ધોની વસતી વિશ્વભરમાં સૌથી વધારે દરે વધતી જાય છે. આવતાં 20 વર્ષોમાં તેમની સંખ્યા ચાર ગણી થવાનો અંદાજ છે. તેથી જુદા જુદા પ્રદેશોમાં તેમની સંભાળની વ્યવસ્થા અત્યારથી જ કરવી જરૂરી છે. જોકે આ વયના લોકો તદ્દન અસમર્થ કે પરવશ બની જતા નથી; તેઓ મોટાભાગે પોતાના ઘરમાં જ રહે છે. માત્ર 25 ટકા જેટલા આવા વૃદ્ધોએ જ નર્સિંગ હોમમાં કે વૃદ્ધો માટેની સંસ્થામાં રહેવું પડે છે.

(4) અતિવૃદ્ધ વૃદ્ધો : તેઓ 90 વર્ષથી ઉપરની વયના હોય છે. આવા વૃદ્ધોની સંખ્યા ઓછી છે અને તેઓ દૂર દૂરની જગ્યાઓમાં રહેતા હોવાથી એમના વિશે વ્યવસ્થિત માહિતી ઓછી મળે છે. આ વયે તંદુરસ્તીની સમસ્યા તીવ્ર બને છે; છતાં આવા ઘણા અતિવૃદ્ધ વૃદ્ધો પોતાની રોજિંદી પ્રવૃત્તિઓને એ રીતે બદલે છે જેથી તેઓ તેમની હજુ સુધી બચેલી શારીરિક-માનસિક શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે. તેમણે તેમના જીવનમાંથી સ્પર્ધાનું તત્વ કાઢી નાંખવું જરૂરી છે. આ વયની વ્યક્તિ પાસેથી બીજા લોકો કોઈ કાર્યની અપેક્ષા રાખતા નથી; તેથી તેમના ઉપર કામનો કોઈ બોજો હોતો નથી. આ વયે જે શારીરિક-માનસિક ફેરફારો થાય તે ધીમી ગતિથી થાય છે. જો વ્યક્તિ પોતાના જીવનનાં આગલાં વર્ષોમાં આવેલી જવાબદારીઓ કે કટોકટીઓને સંતોષકારક રીતે પહોંચી વળી હોય, તો તેની આ અવસ્થા પ્રસન્ન, સંતોષકારક અને આનંદી બની શકે.

વૃદ્ધો વચ્ચે મોટા વ્યક્તિગત ભેદો પણ હોય છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. વૃદ્ધો પ્રત્યેનો અન્ય વ્યક્તિઓનો વ્યવહાર વૃદ્ધાવસ્થા વિશેની તેમની માન્યતા અને જ્ઞાન ઉપર આધાર રાખે છે. જો એ વ્યક્તિઓ વૃદ્ધોને લગતી સાચી માહિતી અને ખ્યાલો રાખતા હોય તો તેમની સાથે તેઓ વધારે અસરકારક રીતે અને તેમને સંતોષ થાય એ રીતે વર્તી શકે. જો વૃદ્ધાવસ્થા વિશે અન્ય વ્યક્તિઓને ખોટું જ્ઞાન કે ગેરસમજો હશે તો તેમના ઉપર તેઓ જાણે કે મહેરબાની કરતા હોય એ રીતે, અન્યાયી રીતે કે કઠોરપણે વર્તન કરશે; તેથી સામાન્યજનને વૃદ્ધાવસ્થા વિશેની સાચી માહિતી આપવી સમાજના હિતમાં છે. વૃદ્ધો વિશેના ખ્યાલોની અસર વૃદ્ધો અંગેની સામાજિક/ રાજકીય નીતિ ઉપર પણ પડે છે.

પશ્ચિમી દેશોમાં વૃદ્ધોને શ્રેયાન્ નાગરિક (અં. ‘સિનિયર સિટીઝન’) કહેવામાં આવે છે. ચીન, જાપાન કે ભારત જેવા એશિયાના દેશોમાં વૃદ્ધોને મુરબ્બી, વડીલ તરીકે ઊંચો મોભો અપાય છે. સ્વાસ્થ્ય-સેવાઓની સાર્વત્રિક ઉપલબ્ધતા અને ઔષધવિજ્ઞાનના વિકાસને પગલે પગલે વીસમી સદીમાં માનવીની આયુષ્યમર્યાદામાં વિશ્વસ્તર પર ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. તેના સ્વાભાવિક પરિણામ રૂપે વિશ્વમાં વૃદ્ધોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. 1901ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં મૃત્યુદર પ્રતિ 1000ની વસ્તીએ 42.6 હતો. એક સદી બાદ આજે 2001માં તે ઘટીને 9.3 થયો છે. આ હકીકત એ સ્પષ્ટ કરે છે કે ભારત દેશમાં મૃત્યુદરમાં ઘટાડો થતાં આયુષ્યમર્યાદા વધી અને વૃદ્ધોની સંખ્યામાં પણ વધારો નોંધાયો. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ માટેના ‘વરિષ્ઠ નાગરિક’ (સિનિયર સિટીઝન) એવા વૈશ્ર્વિક નામાભિધાનમાં વૃદ્ધોના અસ્તિત્વનો સન્માનપૂર્વકનો સ્વીકાર છે.

ભારતની કુલ વસ્તીમાં 12 % વ્યક્તિઓ 60 વર્ષથી વધુ ઉંમરની છે. જોકે તેમાં સ્ત્રીઓની તુલનાએ પુરુષોની સંખ્યા ઓછી છે. આ હકીકત એક તરફ વૃદ્ધોની લાક્ષણિકતા તરફ અંગુલિનિર્દેશ કરે છે તો બીજી તરફ વિધવાઓના પ્રમાણ તરફ ધ્યાન દોરે છે. ભારતની વસ્તીગણતરીની આંકડાકીય માહિતી તપાસતાં જણાશે કે 50 વર્ષ પછીનાં વયજૂથોમાં વૈવાહિક દરજ્જા સંદર્ભે મહિલાઓમાં વૈધવ્યનું પ્રમાણ ઘણું ઊંચું નોંધાયું છે. તેનો અર્થ એ થયો કે વૃદ્ધો અને તેમના પ્રશ્ર્નોમાં પુરુષ-સ્ત્રીનાં સંદર્ભમાં તફાવત જોવા મળે છે : મોટાભાગની વૃદ્ધાઓ વિધવા પણ હોય છે. તેની તુલનાએ વૃદ્ધ પુરુષોમાં વિધુરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ પરિસ્થિતિને કારણે વૃદ્ધાવસ્થાની સાથે વૈધવ્યની સ્થિતિ વૃદ્ધાઓ સમક્ષ સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક પ્રશ્ર્નો ઉપસ્થિત કરે છે.

ભારતીય સમાજ અને વિશ્વના અન્ય સમાજોમાં વૃદ્ધાવસ્થા સાથે કુટુંબ-વ્યવસ્થા સંકળાયેલી છે; પરંતુ તમામ પ્રકારના સમાજોમાં આ સંદર્ભમાં જુદાપણું જોવા મળે છે. આજે પણ મહદ્અંશે ભારતીય સમાજમાં વૃદ્ધોની સારસંભાળ અને માન-સન્માન કુટુંબજીવનમાં સચવાય છે; જ્યારે પશ્ચિમના સમાજોમાં વૃદ્ધાવસ્થાનો પર્યાય ‘એકલતા’ બન્યો છે. આ સમાજોમાં વૃદ્ધોમાં આત્મહત્યાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ છે. ભારતમાં ખાસ કરીને શહેરી જીવનના બદલાતા કૌટુંબિક સ્વરૂપને કારણે વૃદ્ધ મા-બાપથી અલગ વિભક્ત કુટુંબ સ્થાપવાનું ચલણ વધતું જાય છે. તેને પરિણામે વૃદ્ધોએ અને ક્યારેક વૃદ્ધ દંપતીએ વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે. વર્તમાન સમયમાં શહેરો અને ગ્રામવિસ્તારોમાં વૃદ્ધાશ્રમની અનિવાર્યતા ઊભી થઈ છે તેની પાછળ વૃદ્ધોની જરૂરિયાત, બદલાતાં સામાજિક મૂલ્યો અને વિચારો છે. મોટાં શહેરોમાં છેલ્લા દાયકાઓમાં બાળકો પરદેશ જઈ કાયમી સ્થાયી થવાને પરિણામે દેશમાં વૃદ્ધ મા-બાપને એકલવાયું જીવન જીવવું પડે છે. તેવી પરિસ્થિતિ વીસમી સદીનાં અંતિમ વર્ષોમાં, ખાસ કરીને ગુજરાત અને પંજાબ જેવાં રાજ્યોમાં વિશેષ જોવા મળે છે.

નોકરી પછી નિવૃત્ત જીવન જીવતાં અને પેન્શન કે અન્ય લાભ મેળવતાં વૃદ્ધોની તુલનાએ ખેતી અથવા મજૂરી કે નાનો વ્યવસાય કરતાં વૃદ્ધોની આર્થિક પરિસ્થિતિ ચિંતાજનક બને છે. ભારતમાં સરકારે વૃદ્ધો માટે સહાય યોજના શરૂ કરી છે, પરંતુ તેનો લાભ મર્યાદિત પ્રમાણમાં મળતો થયો છે. વિકસિત દેશો વૃદ્ધોને અનેક પ્રકારનું રક્ષણ આપી શક્યા છે. ભારતના ગ્રામવિસ્તારોમાં વસતા વૃદ્ધોની પરિસ્થિતિ ક્યારેક બેકારી અને અપંગતા અથવા નાદુરસ્ત તબિયતના સંદર્ભમાં કફોડી બને છે; જોકે વૃદ્ધો પણ પોતાનાં સંગઠનો બનાવે છે અને સ્વ-અધિકારોને માટે લડત આપી રહ્યા છે. 85 વર્ષ કે તેથી વધુ વર્ષ સુધી સક્રિય રહીને પોતાના ક્ષેત્રમાં કે સેવાના ક્ષેત્રમાં વૃદ્ધોએ સક્રિયતા બતાવી હોય તેવાં અનેક ઉદાહરણો આવતીકાલના વૃદ્ધો માટે દિશાસૂચન કરી રહ્યા છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

ગૌરાંગ જાની