વૃત્ર : વેદમાં વર્ણવાયેલો એક રાક્ષસ. વૃત્ર ઇન્દ્રશત્રુ છે. ઋગ્વેદના તેના ઇન્દ્ર સાથેના વિરોધના નિર્દેશો છે. એ વિરોધ ચાર પ્રકારે છે : તે (1) જળધારાઓને વરસતી રોકે છે; (2) ગાયોનું અપહરણ કરે છે; (3) સૂર્યને ઢાંકી દે છે; (4) સૂર્યોદય(ઉષા)ને રોકે છે. આચાર્ય યાસ્ક એના સ્વરૂપ વિશે બે અભિપ્રાય આપે છે : (1) તે મેઘ છે, તેવો નિરુક્ત સંપ્રદાયનો મત છે; (2) તે ત્વષ્ટાનો પુત્ર અસુર છે, તેવો ઇતિહાસ-પુરાણ સંપ્રદાયનો મત છે. એનો આકાર સર્પ જેવો છે, હાથ-પગ નથી, આવું વર્ણન ઋગ્વેદમાં છે (3-30-8). બાઇબલમાં પણ શયતાન સર્પાકાર છે. તૈત્તિરીય સંહિતામાં (2-4-12) અગ્નિમાંથી તેની ઉત્પત્તિ કહી છે. ઈરાનીઓમાં અસુર ‘અજહિદહક’ છે. ‘અગ્નિમય સર્પ’ આનો અર્થ છે. ઋગ્વેદમાં ઇન્દ્ર-વૃત્રયુદ્ધની વિગતો છે (3-43). ત્રિક દ્રુક પર્વત પર આ યુદ્ધ થાય છે. ઇન્દ્ર દ્વારા તેનું મૃત્યુ થાય છે. ઇન્દ્ર-વૃત્ર દ્વારા સૂર્ય અને મેઘની પ્રતીકાત્મક રજૂઆત હોય તેમ જણાય છે. વેદમાંથી સૂત્રો ગ્રહણ કરીને ઇતિહાસ-પુરાણ તેને કથાત્મક રૂપ આપતા હોય છે. ત્વષ્ટા નામના પ્રજાપતિના પુત્ર પુરોહિત વિશ્વરૂપને ઇન્દ્રે મારી નાખ્યો. તેથી ઇન્દ્રનો નાશ કરવા પુત્રપ્રાપ્તિ માટે ત્વષ્ટાએ યજ્ઞ કર્યો. અગ્નિથી પ્રગટેલા પુત્રને આદેશ આપ્યો કે ઇન્દ્રનો નાશ કર. વૃત્રે તપસ્યા કરી. બ્રહ્માએ વરદાન આપ્યું (ભાગવત 6-1-7) : ‘તું અમર છે. તું ભીનામાં નહિ મરે કે કોરામાં; તું શસ્ત્રથી નહિ મરે કે અસ્ત્રથી; તુ લોખંડથી નહિ મરે કે લાકડાથી; તું દિવસે નહિ મરે કે રાત્રે’, હવે ઇન્દ્ર એને હરાવી શકતો ન હતો. વૃત્ર તત્વજ્ઞાની હતો. શત્રુતાની સ્થિતિમાં પણ તેનો ઇન્દ્ર સાથે આધ્યાત્મિક વાર્તાલાપ થયો (ભાગવત 6-12). વિષ્ણુના સૂચનથી ઇન્દ્રે દ્ઘીચ ઋષિનાં અસ્થિ વિશ્વકર્માને આપ્યાં. તેમાંથી તેનું વજ્ર તેમણે બનાવી આપ્યું. ઇન્દ્રે અપ્સરા રંભાને વૃત્રની પાસે મોકલી. રંભાએ તેને મોહમાં નાખીને મદિરા પાઈ દીધી. સાંજને સમયે વૃત્ર સમુદ્રના કિનાર પર પડ્યો હતો. ત્યારે ઇન્દ્રે વજ્રથી તેને મારી નાખ્યો. વરદાન સમયની બધી શરતોમાંથી ઇન્દ્રે માર્ગ કાઢી લીધો; પરંતુ વૃત્ર તપસ્વી અને તત્વજ્ઞાની બ્રાહ્મણ હતો. તેથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ તો લાગ્યું જ. મહાભારતના શાંતિપર્વમાં (અધ્યાય 281) વૃત્રગીતા છે. તેમાં વૃત્ર-ઉશનસ્ સંવાદ છે.

રશ્મિકાંત મહેતા