વુથરિચ, કુર્ત (જ. 4 ઑક્ટોબર 1938, આરબર્ગ, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રોટીન અને અન્ય મોટા જૈવિક અણુઓની પરખ અને તેમના વિશ્લેષણની ટૅક્નિક વિકસાવવા બદલ 2002ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા કાર્બનિક રસાયણવિદ.

કુર્તે 1964માં યુનિવર્સિટી ઑવ્ બેઝલમાંથી અકાર્બનિક રસાયણમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ અને યુ.એસ.માં અનુડૉક્ટરલ (post doctoral) તાલીમ મેળવી. 1969માં તેઓ સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (ETH), ઝુરિકમાં જોડાયા અને 1980માં જૈવભૌતિકી(biophysics)ના પ્રાધ્યાપક બન્યા. 2001માં તેઓએ સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લા જોલા (કૅલિફૉર્નિયા) ખાતે મુલાકાતી પ્રાધ્યાપકનો હોદ્દો સ્વીકાર્યો.

જનીનિક કૂટસંકેત(genetic code)ની જાણકારી તથા જનીનશ્રેણીઓ(gene sequence)ની શોધ પછી પ્રોટીનનો અભ્યાસ અને કોષોમાંની તેમની આંતરક્રિયા-વિષયક માહિતીની અગત્ય ખૂબ જ વધી ગઈ હતી. આ માટે જે રીતો વિકસાવવામાં આવી, તેનાં દ્રવ્યમાન સ્પેક્ટ્રમિકી (mass spectroscopy, MS) અને નાભિકીય ચુંબકીય સંસ્પંદન(nuclear magnetic resonance, NMR)ની રીતો મુખ્ય છે.

વીસમી સદીની શરૂઆતથી વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં વૈશ્લેષિક પદ્ધતિ તરીકે MSનો ઉપયોગ વધતો ગયો છે. તેના દ્વારા અલ્પ પ્રમાણમાં લીધેલા નમૂનામાંથી અજ્ઞાત સંયોજનનું અભિનિર્ધારણ (identification), જ્ઞાત સંયોજનનું પ્રમાણ તેમજ સંયોજનનું અણુસૂત્ર નક્કી થઈ શકતું હતું. પ્રોટીન જેવા અણુઓ માટે આ પદ્ધતિનો ઉપયોગ ફેન (અમેરિકન) અને તનાકા(જાપાનીઝ)એ વિકસાવ્યો હતો; જ્યારે વુથરિચે આ માટે NMRનો ઉપયોગ કર્યો.

NMRની ટૅક્નીક 1946માં પુર્સલ દ્વારા શોધાયેલી, જે બદલ તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. MSની પદ્ધતિ અણુઓના પ્રકાર અને તેમના જથ્થા અંગે માહિતી આપે છે; જ્યારે NMR પદ્ધતિ અણુઓના બંધારણ વિશે સવિસ્તર માહિતી પૂરી પાડે છે. તેમાં નમૂનાને એક પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકી તેના ઉપર રેડિયોતરંગો(radio waves)નો મારો ચલાવવામાં આવે છે. અણુમાંના હાઇડ્રોજન અને તેના જેવા કેટલાક પરમાણુઓના નાભિકો (nucle) પોતાના રેડિયો- તરંગો ઉત્સર્જિત કરવા દ્વારા આનો પ્રતિભાવ આપે છે જેના વિશ્લેષણ દ્વારા તેમની સંરચનાકીય વિગતો પ્રાપ્ત થઈ શકે છે.

વુથરિચે એમના પુરસ્કૃત સંશોધનવિષયમાં કામ આગળ ધપાવ્યું તે પહેલાં NMR પદ્ધતિ નાના અણુઓના વિશ્લેષણ માટેની ઉત્તમ પદ્ધતિ ગણાતી હતી. પ્રોટીન જેવા મોટા અણુઓની બાબતમાં તેમાં રહેલા અસંખ્ય પારમાણ્વિક નાભિકો પણ રેડિયોતરંગો ઉત્પન્ન કરતા હોવાથી વિશ્લેષણ શક્ય બનતું ન હતું. વુથરિચે આનો ઉકેલ આનુક્રમિક નિર્દેશન (sequential assignment) તરીકે ઓળખાતી રીત વડે આપ્યો. તેમાં ગૂંચ(tangle)માંના પ્રત્યેક NMR સંકેત(signal)ને વિશ્લેષણ હેઠળના પ્રોટીનમાંના હાઇડ્રોજન નાભિક સાથે પદ્ધતિસર રીતે સરખાવતા જઈ અલગ તારવવામાં આવે છે. વુથરિચે એમ પણ દર્શાવ્યું કે આ માહિતીનો ઉપયોગ કરી હાઇડ્રોજન નાભિકોનાં અસંખ્ય યુગ્મો વચ્ચેનું અંતર કેવી રીતે નક્કી કરી શકાય અને એ રીતે અણુનું ત્રિપરિમાણી ચિત્ર મેળવી શકાય. વુથરિચની પદ્ધતિ વડે પ્રોટીનની સંરચના અંગેનું પ્રથમ સંપૂર્ણ નિર્ધારણ 1985માં પ્રાપ્ત થયું હતું અને આજ સુધીમાં જાણીતાં એવાં પ્રોટીનો પૈકી 20 %ની સંરચના નક્કી થઈ શકી છે.

પ્રોટીન અને અન્ય વિશાળ અણુઓની પરખ અને તેમના વિશ્લેષણની ટૅક્નીકો વિકસાવવા બદલ 2002ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના પુરસ્કારનો અર્ધભાગ વર્જિનિયા કૉમનવેલ્થ યુનિવર્સિટીના જૉન ફેન તથા શિમાડ્ઝુ કૉર્પોરેશનના કોઈચી તનાકાને જ્યારે બાકીનો ભાગ વુથરિચ અને સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ETH)ને ફાળે જાય છે. આ પુરસ્કાર આપનાર રૉયલ સ્વીડિશ એકૅડેમીએ આ વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિને એવી ગણાવી છે કે જેના દ્વારા રાસાયણિક જીવશાસ્ત્ર એક બૃહદ વિજ્ઞાનમાં પરિણમશે અને જેના દ્વારા પ્રોટીન જેવા અણુઓને જોવાનું અને તેઓ કોષોમાં કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાનું શક્ય બનશે.

પ્રહલાદ બે. પટેલ