વુન્ટ, વિલ્હેમ (. 16 ઑગસ્ટ 1832, નેકારૉવ, બડીન, જર્મની; . 31 ઑગસ્ટ 1920) : જર્મન મનોવિજ્ઞાની તથા શરીરવિજ્ઞાની. મનોવિજ્ઞાનને આધુનિક વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વુન્ટને ફાળે જાય છે.

વિલ્હેમ વુન્ટ

વિલ્હેમ વુન્ટનું પ્રારંભિક શિક્ષણ પાદરીની દેખરેખ હેઠળ થયું હતું. બાલ્યાવસ્થામાં તેમનાં નાનાં ભાઈબહેનોનાં મૃત્યુ થતાં કુટુંબજીવનમાં એકલા જ હોવાથી એકાકી સ્વભાવના બનતા ગયા. 13 વર્ષની ઉંમરે જિમ્નેશિયમ હાઈસ્કૂલમાં દાખલ થયા. ત્યારબાદ તેઓ ટુબીનગન યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાં તેમણે એક વર્ષ અભ્યાસ કર્યો. તબીબી શાખામાં અભ્યાસ કરવા માટે તેઓ હિડલબર્ગ યુનિવર્સિટીમાં દાખલ થયા. અહીં અભ્યાસકાળ દરમિયાન તેમના અનેક સંશોધનપત્રો પ્રકાશિત થયાં. તેમને દર્દીઓને મળવાનું ગમતું નહીં. તેથી તબીબી વ્યવસાયને છોડી તત્વજ્ઞાન-મનોવિજ્ઞાનના ક્ષેત્રે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું.

1856માં તેઓ બર્લિન ગયા અને જ્હૉન્સ મૂલરની શરીરવિજ્ઞાનની સંસ્થામાં વધુ અભ્યાસ કર્યો. વુન્ટે તેમની દેખરેખ હેઠળ શરીરવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો.

1857માં તેમની નિમણૂક સહશિક્ષક તરીકે હિડલબર્ગ યુનિવર્સિટીમાં થઈ ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. હિડલબર્ગમાં 17 વર્ષ સુધી તેમણે વૈજ્ઞાનિક સંશોધન-કાર્ય કર્યું. તે સમયે પ્રખર શરીર-મનોવૈજ્ઞાનિક હેલ્મહોટ્ઝ પણ તેમના સહકાર્યકર હતા. 1875માં ઝુરિક યુનિવર્સિટીમાં તેમની તત્વજ્ઞાન વિષયના અધ્યક્ષપદ પર નિમણૂક થઈ.

1879માં લિપઝિગ મુકામે સમગ્ર વિશ્વની સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી, આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું. લિપઝિગમાં સ્થપાયેલી આ પ્રયોગશાળામાં દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. તેમના આ વિદ્યાર્થીઓમાં કેટેલ સ્ટેનલી હૉલ, સ્ટમ્ફ, ટીશનેર, એમિલ ક્રેપલીન અને લિપ્સ હતા. વખત જતાં, આધુનિક મનોવિજ્ઞાનના વિકાસમાં વુન્ટના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીઓએ સુંદર ફાળો આપ્યો છે. વુન્ટે લિપઝિગમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રે રસ લઈ પોતાની જિંદગીના અંતિમ દિવસો સુધી કામ કર્યું. તે ઉપરાંત મનોવિજ્ઞાન-વિષયક લેખનકાર્ય અત્યંત રસપૂર્વક નિયમિત રીતે કર્યું.

તેમના મનોવિજ્ઞાનના વિષયના સંશોધનાત્મક લેખો અને ગ્રંથો વૈવિધ્યસભર છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોને લોકસમુદાય સમક્ષ મૂકવા ‘દાર્શનિક અભ્યાસ’ નામની એક પત્રિકા 1881થી પ્રકાશિત કરી હતી.  1863માં તેમણે ‘સંવેદનાત્મક પ્રત્યક્ષ જ્ઞાન’ પર એક કૃતિ પ્રકાશિત કરી હતી, જેમાં તેમણે સંવેદન સંબંધી વિચારોનું વૈજ્ઞાનિક નિરૂપણ કર્યું હતું. વળી તેમનું પ્રસિદ્ધ પુસ્તક ‘શરીરમનોવિજ્ઞાનની રૂપરેખા’ ઈ. સ. 1874માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તક કુલ 2400 પાનાંનું ત્રણ ખંડોમાં હતું. આ પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ. તેમણે મનોવિજ્ઞાનના શિક્ષણ માટે કેટલાંયે પાઠ્યપુસ્તકો તૈયાર કરી આપ્યાં. તેમનો ‘લોકમનોવિજ્ઞાન’નો ગ્રંથ દશ ખંડોમાં પ્રકાશિત થયો છે.  1883માં ‘તર્કશાસ્ત્ર’, 1886માં ‘આધારશાસ્ત્ર’ તથા ‘મનોવિજ્ઞાનનો આધારગ્રંથ’ પણ લખ્યાં. 1889માં ‘દર્શનની વ્યવસ્થા’ નામનો ગ્રંથ પણ લખ્યો. આમ તેમણે માનસશાસ્ત્ર, ઇતિહાસ, દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર વગેરેને લક્ષમાં રાખી મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને સ્વરૂપ ચર્ચ્યાં.

પ્રયોગપદ્ધતિની આવદૃશ્યકતા પર ભાર મૂકતાં તેઓ જણાવે છે કે  પ્રત્યેક ક્ષેત્રમાં પ્રયોગપદ્ધતિ તે ક્ષેત્રમાં અભ્યાસ કરવાની સમસ્યાને અનુરૂપ સ્વરૂપ ધારણ કરી લે છે.

તેમણે રજૂ કરેલ અધિપ્રત્યક્ષ સિદ્ધાંત (theory of apperception) મનોવૈજ્ઞાનિકોમાં ખૂબ ચર્ચા-વિચારણા પામ્યો હતો. લાગણી, સાહચર્ય, સંવેદન, પ્રતિક્રિયા-સમય, ધ્યાન, અવધાન વગેરે વિષયો પર તેમણે પ્રાયોગિક અભ્યાસો કર્યા અને તે માટે પ્રાયોગિક ઉપકરણો પણ તૈયાર કર્યાં. તેઓ તર્કવાદી દાર્શનિક હતા; પણ દર્શનશાસ્ત્રે જે દૃષ્ટિ આપી તેના દ્વારા તેમણે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પોતાનો વિશ્વાસ દૃઢ કરી આધુનિક મનોવિજ્ઞાનને પ્રાયોગિક સ્વરૂપ આપ્યું.

શાંતિલાલ છ. કાનાવાલા