વીસલદેવ (. ? ; . 1262) : અણહિલવાડ પાટણની ગાદીએ બેસનાર વાઘેલા-સોલંકી વંશનો પ્રથમ રાજવી. વીસલદેવના વંશના રાજાઓનું કુળ ચૌલુક્ય હતું, પરંતુ વીસલદેવના પૂર્વજો વ્યાઘ્રપલ્લી (વાઘેલા) ગામના નિવાસી હોવાથી ‘વાઘેલા’ તરીકે ઓળખાયા. ઈ. સ. 1238માં વીરધવલનું મૃત્યુ થતાં ધોળકાના રાણા તરીકેનો ઉત્તરાધિકાર વીસલદેવને મળ્યો. ઈ. સ. 1239 અને 1241ની વચ્ચે દક્ષિણેશ્વર સિંઘણે ખોલેશ્વરના પુત્ર રામની સરદારી હેઠળ ગુજરાત પર ચડાઈ કરી. વીસલદેવે એ સૈન્યને પરાજિત કર્યું. ઈ. સ. 1240માં વસ્તુપાલનું અવસાન થતાં તેજપાલ મહામાત્યપદે નિમાયો. એના સમયમાં (ઈ. સ. 1242થી) ત્રિભુવનપાલ અણહિલવાડની ગાદી ભોગવતો હતો. ઈ. સ. 1244માં ત્રિભુવનપાલના રાજ્યનો અંત આવ્યો અને અણહિલવાડની ગાદીએ વીસલદેવ બેઠો.

વીસલદેવે સત્તા સંભાળ્યા બાદ પોતાના પૂર્વજોની માફક વિજયોત્સવ ઊજવવા માંડ્યો. પાટણના ચૌલુક્ય રાજવીઓ માળવા સાથે વંશપરંપરાથી યુદ્ધ કરતા આવ્યા હતા. વીસલદેવે પણ માળવા સાથે એ જ રાજનીતિ ચાલુ રાખી. એણે માળવા ઉપર આક્રમણ કરી ધારાનો નાશ કર્યો. ધારાધ્વંસ વિશે કવિ ગણપતિ વ્યાસે એક મહાપ્રબંધ રચેલો. આ વિજય એણે ઈ. સ. 1253 પહેલાં મેળવેલો. ઈ. સ. 1261ના વીસલદેવના લેખ પરથી જણાય છે કે એણે મેવાડ પર ચડાઈ કરી હશે, પણ ત્યાંના કયા રાજાને હરાવ્યો તે જાણવા મળતું નથી. ઈ. સ. 1261ના લેખમાં વીસલદેવે કર્ણાટકના રાજવી સાથે યુદ્ધ કર્યાનું જણાવ્યું છે. વીસલદેવના સૈન્યને યાદવ રાજવી કૃષ્ણ અને મહાદેવના હાથે હાર મળી હોવાનું આ રાજવીઓના સમયના લેખોમાંથી જાણવા મળે છે.

વીસલદેવનાં પરાક્રમોને અનુલક્ષીને વાઘેલાકાળના અભિલેખોમાં એના માટે વપરાયેલાં વિવિધ બિરુદ જેવાં કે, ‘અભિનવ સિદ્ધરાજ’ અને ‘અપરાર્જુન’ તથા ‘રાજનારાયણ’ મળી આવે છે. વીસલદેવ ધર્મિષ્ઠ, દાનવીર અને વિદ્યારસિક હતો. પોતે શિવભક્ત હતો. એણે દર્ભાવતીના વૈદ્યનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ બીજાં કેટલાંક શિવાલય બંધાવ્યાં. મૂલસ્થાનના સૂર્યમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એણે પોતાના પ્રિય કવિ નાનાકની પ્રેરણાથી બ્રાહ્મણોને દાન આપ્યાં તથા તેમને વસવા માટે બ્રહ્મપુરીઓ બંધાવી હતી.

વીસલદેવે પોતાના દરબારમાં અનેક નામાંકિત કવિઓને સ્થાન આપ્યું હતું. ‘કીર્તિકૌમુદી’ રચનાર કવિ સોમેશ્વર, કવિ નાનાક, કમલાદિત્ય, વામનસ્થલીનો સોમાદિત્ય, અરિસિંહ, અમરચંદ્ર, યશોધર વગેરે પોતાની કૃતિઓથી વીસલદેવના દરબારને શોભાવતા હતા.

વીસલદેવના સમયમાં સં. 1312થી 1315 સુધી ત્રણ વર્ષનો લાંબો દુકાળ પડ્યો. આ સમયે ભદ્રેશ્વરના જગડૂશાહે લોકોને ઘણી મદદ કરી હતી.

વીસલદેવને નાગલ્લદેવી નામે પત્ની હતી. પોતે અપુત્ર હતો, તેથી એણે પોતાની હયાતીમાં જ પોતાના ભાઈ પ્રતાપમલ્લના પુત્ર અર્જુનદેવનો રાજ્યાભિષેક કર્યો.

વીસલદેવના સમયની ‘વૈદ્યનાથ પ્રશસ્તિ’માં ડભોઈના કિલ્લાનું સમારકામ અને પુરદ્વાર તેમજ એની સાથે જોડાયેલા વૈદ્યનાથ મહાદેવના મંદિર વિશેના ઉલ્લેખ મળે છે. એ મંદિર અને પુરદ્વારોનું આયોજન એ વખતના પ્રસિદ્ધ સ્થપતિ દેવાદિત્યના હાથે થયેલું. વૈદ્યનાથના શિવમંદિરનો જે ઉલ્લેખ આવે છે તે મંદિરનો ઉત્તર તરફનો ભાગ હાલ જે કાલિકામાતાના મંદિર તરીકે ઓળખાય છે, તે તેના પીઠભાગ સુધીના કલાત્મક અવશેષ એની ભવ્ય અને આકર્ષક શિલ્પસમૃદ્ધિને વ્યક્ત કરે છે.

રામજીભાઈ ઠા. સાવલિયા