વીળિનાથન્, રામસ્વામી (. 15 મે 1920, વિષ્ણુપુરમ્, જિ. એન. કે. એમ., તામિલનાડુ) : તમિળ અને હિંદી અનુવાદક. રાષ્ટ્રભાષા-પ્રવીણ; વિદ્વાન. 1938-1943 દરમિયાન તેમણે હિંદી પ્રચારકાર્ય કર્યું અને હિંદીમાં અધ્યાપનકાર્ય કર્યું. 1943-45 દરમિયાન તેઓ ભારત સરકારના સુરક્ષા વિભાગમાં એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે રહ્યા. 32 વર્ષ સુધી તેમણે તમિળ અઠવાડિક ‘કલ્કિ’નું તથા તમિળ માસિક ‘અમર ભારતી’નું સંપાદન સંભાળ્યું.

તેમણે લગભગ 25 જેટલી કૃતિઓના તમિળ તથા હિંદી અનુવાદ કર્યા છે. ‘કાશીયાત્રાયેં’ પ્રવાસવર્ણન છે. ‘લહરોં કી આવાઝ’, ‘પ્રતિભા કા સપના’, ‘સોલાઈ મલાઈ કી રાજકુમારી’ નામક આ તમિળ નવલકથાઓનું હિંદી ભાષાંતર છે. વળી તેમણે હિંદી, બંગાળી, ગુજરાતી અને ઊડિયા ભાષાની નવલકથાઓ તમિળમાં અનૂદિત કરી છે તો સંખ્યાબંધ તમિળપ્રશિષ્ટ કૃતિઓને હિંદીમાં અનૂદિત કરી છે.

આ પ્રકારના તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ભાષાંતર માટે શિક્ષણ અને સમાજકલ્યાણખાતાનો ઍવૉર્ડ; વિદ્વાન સુંદર ક્રિશ્ર્નમાચાર્ય ટ્રસ્ટ ઍવૉર્ડ તથા 1990માં યુ. પી. હિંદી સંસ્થાન દ્વારા ‘સૌહાર્દ સન્માન’ પ્રાપ્ત થયાં હતાં. 1962માં તેમને તમિળ રાઇટર્સ ઍસોસિયેશન તરફથી સુવર્ણચંદ્રક, 1975માં ભારતના ઉપ-રાષ્ટ્રપતિ દ્વારા સન્માન; 1988માં હિંદી સાહિત્ય સંમેલન તરફથી મોમેન્ટો ઇત્યાદિ આપવામાં આવ્યાં હતાં.

બળદેવભાઈ કનીજિયા