વીસમી સદી : ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ચિત્રાત્મક અને લોકપ્રિય સાહિત્ય સામયિક. હાજી મહંમદ અલારખિયા શિવજી (1878-1921) દ્વારા 1916ની 1લી એપ્રિલે એ શરૂ કરવામાં આવ્યું. આ સામયિકે સાહિત્ય અને કળાનો યોગ સાધ્યો. સાહિત્યિક પત્રકારત્વની એક વિશિષ્ટ દિશા આ સામયિકના પ્રકાશનથી ગુજરાતમાં ઊઘડી હતી, કેમ કે, સાહિત્યિક ધોરણો સાથે બાંધછોડ કર્યા વિના પણ સાહિત્યનો પ્રભાવ વધુ વ્યાપક કરવો, લોકરુચિને સાહિત્ય તરફ વાળીને એનું ઘડતર કરવું એ ‘વીસમી સદી’ની વિશેષતા હતી. હાજી મહંમદના મનમાં સ્પષ્ટ ખ્યાલ હતો કે જનસમૂહને સાહિત્ય અને અન્ય કળાઓ પ્રત્યે અભિમુખ કરવા સામયિક રૂપે-રંગે સજ્જ હોવું જોઈએ. અંકમાં મુકાયેલાં ચિત્રોને જોઈને સામાન્ય વાચક પણ લેખ, વાર્તાઓ વાંચવા પ્રેરાવો જોઈએ. ‘વીસમી સદી’ના દરેક અંકમાં સવાસો જેટલાં પૃષ્ઠોમાં એંસીથી વધુ ત્રિરંગી, એકરંગી ચિત્રો અને તસવીરો રહેતી. શીર્ષકોથી માંડીને નાનાં અવતરણોને પણ વિવિધ ભાતથી શણગારવામાં આવતાં. ગોરક્ષકર, રવિશંકર રાવળ જેવા ચિત્રકારોના વિકાસમાં આ સામયિકે મોટો ભાગ ભજવેલો. ‘કાન્ત’, ‘કલાપી’, નરસિંહરાવ, ન્હાનાલાલ જેવા સર્જકોની સાથે નવા આશાસ્પદ સર્જકોને હાજી મહંમદે ‘વીસમી સદી’માં સ્થાન આપ્યું હતું. કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતનો નાથ’ અને ‘પૃથિવીવલ્લભ’ નવલકથાઓ ‘વીસમી સદી’માં પ્રકાશિત થતાં નવલકથાકાર લેખે મુનશી સાહિત્યજગતમાં પ્રતિષ્ઠિત થયા હતા. પંડિતયુગના પ્રતિભાવાન સર્જકો અને ગાંધીયુગના ઊછરતા લેખકોનું સંગમસ્થાન આ સામયિક બન્યું. હાજી મહંમદની ઉત્તમ લખાણો મેળવવાની તત્પરતા તથા એ માટે સર્જકો સાથે કામ પાર પાડવાની આવડતે કંઈ કેટલાયે સર્જકોને ‘વીસમી સદી’ માટે એમણે એટલા પ્રવૃત્ત કર્યા હતા કે ત્રણ મહિનાના અંકો સામગ્રી રૂપે અગાઉથી જ તૈયાર રહેતા ! એના પ્રથમ અંકનું મુખપૃષ્ઠ ધુરંધર નામના ચિત્રકારે તૈયાર કરેલું. પ્રથમ અંકને પ્રગટ કરવાના ઉત્સાહમાં એ મુખપૃષ્ઠને પરદેશમાં છપાવવા મોકલાવેલું. ‘વીસમી સદી’ને અપૂર્વ બનાવવાના આ પ્રયત્નને કારણે એ એટલું જાણીતું થયેલું કે એના સાડાચાર હજારથી વધુ ગ્રાહકો હતા. હાજી મહંમદની નજર સામે પરદેશના ‘નેશ’ અને ‘સ્ટ્રાન્ડ’, ‘પિયરસન’ જેવાં સામયિકો સતત રહેતાં હોવાથી એ સામયિકો જેવી સામગ્રી, મુદ્રણસજ્જા અને સચિત્રતા લાવવાનો પુરુષાર્થ ‘વીસમી સદી’માં દેખા દે છે. ‘બુદ્ધિપ્રકાશ’, ‘વસંત’ જેવાં પંડિતભોગ્ય સામયિકોની તુલનાએ સામાન્ય જનને ‘વીસમી સદી’એ લક્ષમાં લીધો હોવા છતાં સામગ્રીનું સ્તર અતિરંજકતા સુધી પહોંચવા ન દેવાની ‘વીસમી સદી’એ સતત ખેવના રાખી હતી. ‘ગુણસુંદરી’ અને ‘સ્ત્રીબોધ’માં એ સમયે લોકપ્રિય થયેલી ઘણી વાર્તાઓ પ્રસિદ્ધ થઈ છે, પરંતુ કથન-વર્ણનની વિશિષ્ટતાને કારણે ‘વીસમી સદી’માં પ્રકાશિત ‘ગોવાલણી’ વાર્તા[લે. મલયાનિલ]ને જ ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકાનું માન અપાય છે. હાજી મહંમદના મનમાં મરાઠી માસિક ‘મનોરંજન’, હિંદી ‘સરસ્વતી’ અને એકાદ અંગ્રેજી સામયિક સાથે ‘વીસમી સદી’નું એકીકરણ કરીને સમગ્ર ભારતમાં એમના સામયિકનો પ્રસાર કરવાની યોજનાઓ હતી; પરંતુ દુર્ભાગ્યવશ હાજી મહંમદના અકાળ અવસાનને કારણે ‘વીસમી સદી’ 1921માં બંધ પડ્યું. આ સામયિકને કારણે ‘વીસમી સદી’માં ઊછરેલા કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત’ સામયિક (1922) શરૂ કર્યું. ચાંપશીભાઈ ઉદ્દેશીના ‘નવચેતન’ (1922) અને રવિશંકર રાવળના સચિત્ર પ્રકાશન ‘કુમાર’ (1924) પાછળ ‘વીસમી સદી’નો સ્પષ્ટ પ્રભાવ વરતાય છે.

કિશોર વ્યાસ