વીરસિંહ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો નરસિંહનો ઉત્તર-સમકાલીન કવિ. એની પાસેથી એકમાત્ર કૃતિ પ્રાપ્ત થાય છે તે ‘ઉષાહરણ’. આ કૃતિમાં પાંચેક સ્થળે ‘વરસંગ’ એવો ઉલ્લેખ આવે છે. આ સિવાય કૃતિમાં કે અન્યત્ર એના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. ‘ઉષાહરણ’ની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ. 1513ની પ્રાપ્ત થાય છે. એનો અર્થ એવો કરી શકાય કે આ સમય પૂર્વે એ થઈ ગયો હશે. ‘ઉષાહરણ’ની આ પ્રત પાટણમાંથી મળી હોવાથી, અને એ એક જૈન સાધુએ કરેલી હોવાથી, પાટણના પ્રદેશમાં જ એ ક્યાંક થયો હશે અથવા પદ્મનાભ-કૃત ‘કાન્હડદે પ્રબંધ’ની ધાટીનું જ કાવ્ય હોવાથી પદ્મનાભનું એ કાવ્ય એણે જોયું હશે એમ માનતાં પદ્મનાભ જેમ જાલોરના અખેરાજનો આશ્રિત હતો તેમ એય ક્યાંક મારવાડમાં એની આસપાસમાં થયો હોય એમ બને. વીરસિંહે ‘ઉષાહરણ’માં ક્ષત્રિયોનાં છત્રીસ કુલનાં નામ દર્શાવ્યાં હોવાથી કદાચ એ ક્ષત્રિય હોય એવું પણ અનુમાની શકાય. અલબત્ત, ઉપર્યુક્ત સર્વ માહિતીનું કોઈ શ્રદ્ધેય પ્રમાણ તેની કૃતિમાંથી મળતું નથી.
વીરસિંહ-કૃત ‘ઉષાહરણ’નું સંપાદન ગુજરાતી સાહિત્યના વિદ્વાન વિવેચક અને સંશોધક ડૉ. ભોગીલાલ સાંડેસરાએ કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉષાહરણ વિશેની રચનાઓમાં વીરસિંહનું ઉષાહરણ અત્યારે ઉપલબ્ધ કાવ્યોમાં પહેલું છે. વીરસિંહે ‘હરિવંશપુરાણ’ અને ‘ભાગવત’ની ઉષાવિષયક કથાઓમાં કેટલાક ઉચિત ફેરફારો કરીને તેની રચના કરી છે.
1,000 પંક્તિઓમાં રચાયેલું આ કાવ્ય એના વિશિષ્ટ કાવ્યબંધ, એમાં થયેલી શૃંગાર અને વીરની સારી જમાવટ અને એમાંની સંસ્કૃતાઢ્ય પ્રૌઢ ભાષા વગેરેને લીધે ધ્યાનાર્હ બન્યું છે. વીરસિંહનું કવિત્વ નાયિકાના તથા સૈન્ય ને યુદ્ધનાં વર્ણનોમાં તેમજ કાવ્યનાં જુદાં જુદાં પાત્રો વચ્ચેના સંવાદમાં અને એમાંનાં અર્થાન્તરન્યાસી કથનો ને કહેવતોના પ્રયોગમાં ઝળક્યું છે. કાવ્યમાં યોજાયેલી નાયક-નાયિકા વચ્ચેની સમસ્યાઓ પણ રસપ્રદ છે.
આ કૃતિનું કથાવસ્તુ પ્રસિદ્ધ છે, પણ કવિએ ચમત્કૃતિ આપીને એને કાવ્યકોટિએ મૂકવાનો જે પ્રયત્ન કર્યો છે એ ઉલ્લેખનીય છે. કાવ્યમાં કવિ દ્વારા થયેલું કેટલીક સામાજિક વિધિઓનું વર્ણન, ગૌરીપૂજન માટે પૌરાણિક કર્મકાંડની પદ્ધતિમાં દેખાતો અને સાથે પોતાના સમયમાં પ્રચલિત એવો ક્રમ પણ સર્જકે વર્ણવ્યાં છે.
વીરસિંહના આ કાવ્યમાં ‘કાન્હડદે પ્રબંધ’ના ‘ભટ્ટાઉલી’ જેવું વર્ણન ગદ્ય-કટાવમાં છે, જે વધુ સચોટ જણાય છે. ‘ઉષાહરણ’ આમ તો દુહા-ચોપાઈ બંધમાં રચાયું છે છતાં કવિએ એમાં ભુજંગપ્રયાત, વસ્તુ, ગાથા, પદ્ધડી, સારસી વગેરે છંદો તેમજ દેશીઓનો પણ ઉપયોગ કર્યો છે. કવિએ ચાલુ દુહાબંધ ઉપર પણ કેટલેક ઠેકાણે રાગનાં નામ લખ્યાં છે.
નરસિંહે તેની સુદામા-ચરિત્ર તેમજ અન્ય આત્મકથનાત્મક કૃતિઓમાં જે આખ્યાનકાવ્યનાં બીજ નાખ્યાં છે એ બીજની માવજત વીરસિંહની આ કૃતિમાં થઈ છે અને એ રીતે વીરસિંહનો આખ્યાનકાવ્યના સ્વરૂપવિકાસમાં ઉલ્લેખનીય ફાળો છે.
પ્રતિભા શાહ