વીરશૈવ દર્શન : દક્ષિણમાં કલ્યાણના રાજા બિજ્જલ કે વિજ્જલ(ઈ. સ. 1157-1167)ના મંત્રી આચાર્ય બસવે સ્થાપેલ સંપ્રદાય જે લિંગાયતને નામે પ્રસિદ્ધ થયેલો તેનું ‘શક્તિવિશિષ્ટાદ્વૈત’ દર્શન. આચાર્ય બસવ અને તેમના સમકાલીન રામય્યા તેમજ બીજા આચાર્યોએ વીરશૈવ સંપ્રદાયના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. બસવે આ સંપ્રદાયના આચાર અને સિદ્ધાંતને વ્યવસ્થિત સ્વરૂપ આપી એના દર્શનને સ્પષ્ટ કર્યું.

વીરશૈવ સંપ્રદાયના આચાર અને વિચાર બસવ પહેલાં પણ હયાત હતા, પણ બસવે તેમાં જમાનાની જરૂરિયાત મુજબ ફેરફારો કરીને એનું સ્વરૂપ બદલી નાખ્યું. તેમણે નાતજાતના વાડાઓ ઊભા કરનારી વર્ણવ્યવસ્થાનું ખંડન કર્યું, બ્રાહ્મણોના મહત્વનો અસ્વીકાર કર્યો, વેદોને અમાન્ય ગણ્યા, ભગવાન શિવ સિવાયનાં દેવી-દેવતાઓનો અસ્વીકાર કર્યો, પુનર્જન્મને અસિદ્ધ કરાવ્યો, પ્રાયશ્ચિત્ત અને તીર્થયાત્રાને વ્યર્થ ગણાવ્યાં, સગોત્ર વિવાહ માન્ય કર્યો, અંત્યેષ્ટિક્રિયાને બિનજરૂરી અને શૌચાશૌચની માન્યતાઓને ભ્રામક ગણાવી. તેમણે વિધવાપુનર્લગ્નનો પ્રચાર કર્યો અને સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકાર અપાવ્યા. છોકરાઓની જેમ છોકરીઓને પણ ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો. યજ્ઞોપવીતને સ્થાને વીરશૈવો ગળામાં શિવલિંગ ધારણ કરતા હોવાથી ‘લિંગાયત’ કહેવાયા. લિંગાયતો લિંગ અને ગુરુના પૂજક હતા, તેથી તેમને માટે મંદિરોમાં જવાની આવશ્યકતા નહોતી. તેમને માટે મઠ-વ્યવસ્થા ઊભી કરવામાં આવી. કર્ણાટકની વસ્તીનો મોટો ભાગ આ લોકોનો છે. આંધ્રપ્રદેશમાં પણ તેઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ સંપ્રદાયના મહાન સંતોમાં અલ્લમ પ્રભુ અને અક્કમહાદેવી તેમજ મલ્લિકાર્જુનનો ખાસ નિર્દેશ કરી શકાય.

વીર શૈવ દર્શનનો મુખ્ય સિદ્ધાંત ‘શક્તિવિશિષ્ટાદ્વૈત’ને નામે ઓળખાય છે. આ મતમાં મુખ્ય દેવ શિવ છે. શિવ સચ્ચિદાનંદ અદ્વિતીય પરમ બ્રહ્મ છે. એમનું પારિભાષિક નામ સ્થલ છે. એમાં પ્રકૃતિ અને પુરુષમાંથી ઉદભવેલ જગત સર્વ પ્રથમ સ્થિત થાય છે. અને સર્વને અંતે એમાં લય પામે છે. તેથી તેને ‘સ્થલ’ કહે છે. પોતાની શક્તિના સ્પંદનથી સ્થલ બે રૂપ ધારણ કરે છે : લિંગસ્થલ અને અંગસ્થલ. પરમ ઉપાસ્થ ભગવાન શિવ ‘લિંગસ્થલ’ છે. જીવ ઉપાસક છે અને તે ‘અંગસ્થલ’ કહેવાય છે. આવી રીતે શક્તિ પણ બે રૂપોમનાં વહેંચાઈ જાય છે. શિવની પાસે એ ‘કલા’ના રૂપમાં અને જીવની પાસે એ ‘ભક્તિ’ના રૂપમાં રહેલ છે. કલા પ્રવૃત્તિ ને જાગ્રત કરે છે, જ્યારે ભક્તિ ‘નિવૃત્તિ’ને જાગ્રત કરે છે. ‘ભક્તિ’ દ્વારા જીવ શિવની સાથે એકતા સાધે છે. તે જ ‘મુક્તિ’ છે. અંગજીવના મેલ દૂર કરવા માટે ભક્તિ આવશ્યક સાધન છે. પરમ શિવની કૃપાથી જ ભક્તિ પ્રાપ્ત થાય છે. એ માટે ગુરુની કૃપારૂપી દીક્ષા ઘણી જરૂરી છે. દીક્ષા પ્રાપ્ત કર્યા પછી જ જીવ શિવત્વ પ્રાપ્ત કરી શકે છે. શિવ સાથે અદ્વૈત પામવા માટે નૈતિક અને આધ્યાત્મિક ચર્યાની અનિવાર્યતા છે.

પ્રવીણચંદ્ર પરીખ