વીરસેન : અપભ્રંશના મહાન લેખક. તેઓ દિગંબર આચાર્ય હોવા છતાં શ્વેતામ્બરોના મહાગ્રંથોના પણ નિષ્ણાત અભ્યાસુ હતા. ‘છક્ખંડાગમ’- (ષટ્ખંડાગમ)ને ‘ખંડસિદ્ધાન્ત’ કે ‘ષડ્ખંડસિદ્ધાંત’ પણ કહે છે. આ જૈનશાસ્ત્રનો અતિમહત્વપૂર્ણ ગ્રંથ છે. તેના ઉપરની સૌથી વધારે મહત્વપૂર્ણ ટીકા ‘ધવલા’ની રચના વીરસેને કરેલી. આ ટીકાના મહત્વને કારણે જ આ સમગ્ર ગ્રંથ ‘ધવલસિદ્ધાંત’ નામથી પણ ઓળખાય છે. ‘આદિપુરાણ’ના કર્તા સુપ્રસિદ્ધ જિનસેન આચાર્ય આ વીરસેનના શિષ્ય હતા. જિનસેને પોતાના ગુરુ વીરસેનની સર્વાર્થગામિની નૈસર્ગિકી પ્રજ્ઞાની બહુ પ્રશંસા કરી છે. આ વીરસેને બપ્પદેવગુરુની ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ ટીકાના આધારે ચૂર્ણીઓના ઢંગની પ્રાકૃત-સંસ્કૃતમિશ્રિત 72,000 શ્ર્લોકપ્રમાણની ‘ધવલા ટીકા’ લખી. ટીકાકારે લખેલી પ્રશસ્તિ અનુસાર શકસંવત 738(ઈ. સ. 816)માં આ ટીકા વાટગ્રામપુરમાં લખીને સમાપ્ત કરી. પ્રશસ્તિમાં ટીકાકારે પંચસ્તૂપ અન્વયનો, વિદ્યાગુરુ એલાચાર્યનો તથા દીક્ષાગુરુ  આર્યનન્દિનો ઉલ્લેખ કર્યો છે.

‘ધવલા’ ટીકાના રચયિતા વીરસેન બહુશ્રુત વિદ્વાન હતા. તેમણે દિગમ્બર અને શ્વેતામ્બર આચાર્યોના વિશાળ સાહિત્યનું આલોકન કરેલું. ‘સત્કર્મપ્રાભૃત’, ‘કષાયપ્રાભૃત’, ‘સન્મતિસૂત્ર’, ‘ત્રિલોકપ્રજ્ઞપ્તિસૂત્ર’, ‘પંચત્થિપાહુડ’, ગૃદ્ધપિચ્છ આચાર્યનું ‘તત્વાર્થસૂત્ર’, ‘આચારાંગ (મૂલાચાર)’, પૂજ્યપાદકૃત ‘સારસંગ્રહ’, અકલંકકૃત ‘તત્વાર્થભાષ્ય’, ‘જીવસમાસ’, ‘છેદસૂત્ર’, ‘કર્મપ્રવાદ’ અને ‘દશકર્ણીસંગ્રહ’ આદિ કેટલાય મહત્વપૂર્ણ સિદ્ધાંતગ્રંથોનો ઉલ્લેખ આ વીરસેને પોતાની આ ટીકામાં કરેલો છે. શ્વેતામ્બર સંપ્રદાય દ્વારા માન્ય ‘આચારાંગ’, ‘બૃહત્કલ્પસૂત્ર’, ‘દશવૈકાલિકસૂત્ર’, ‘અનુયોગદ્વાર’ અને ‘આવદૃશ્યકનિર્યુક્તિ’ આદિની ગાથાઓ પણ એમાં ઉદ્ધૃત કરાયેલી છે. ‘બૃહત્કલ્પસૂત્ર’ ગત (1.1) ‘તાલપ્રલંબ’ સૂત્રનો પણ એમાં ઉલ્લેખ છે.

આ ઉપરાંત ટીકાકારે સ્થળે સ્થળે ઉત્તરપ્રતિપત્તિ અને દક્ષિણપ્રતિપત્તિનો ઉલ્લેખ કરતાં દક્ષિણપ્રતિપત્તિને ઋજુ અને આચાર્યપરંપરાગત તેમજ ઉત્તર-પ્રતિપત્તિને અનૃજુ તથા આચાર્ય-પરમ્પરાથી બાહ્ય દર્શાવેલ છે. સૂત્રગ્રંથોના જુદા જુદા પાઠ તથા મતભેદોનો નિર્દેશ કરતાં કરતાં તેમણે યથાશક્તિ તેમનું સમાધાન પણ કર્યું છે. નાગ-હસ્તિના ઉપદેશને ‘પવાઇજ્જંત’ અર્થાત્ આચાર્ય પરંપરાગત તથા આચાર્યમંક્ષુના ઉપદેશને ‘અપવાઇજ્જમાણ’ કહ્યો છે. આથી આ બંને મહાન આચાર્યોના મતભેદોનું સૂચન પ્રાપ્ત થાય છે. ‘કષાયપ્રાભૃત’ના પ્રકાંડ પંડિત એવા આ બંને આચાર્યોને ‘મહાવાચક’ કહ્યા છે.

ત્રિવિક્રમના ‘પ્રાકૃત શબ્દાનુશાસન’માં મંગલાચરણમાં મહાવીરને નમસ્કાર કર્યા પછી વીરસેન, જિનસેન વગેરે આચાર્યોનું સ્મરણ કરાયું છે; તેથી પોતે દિગમ્બર જૈન હતા તે હકીકત સ્પષ્ટ થાય છે. તેમણે અજ્ઞાતકર્તૃક પદ્યાત્મક વ્યાકરણનાં સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે. જેનો સમય ઈ. સ.ની નવમીથી બારમી સદી વચ્ચેનો ગણાય છે.

જયન્ત પ્રે. ઠાકર