વીરરાજુ, શીલ (. 22 એપ્રિલ 1939, રાજમુંદ્રી, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને લેખક. બી.એ.ની પદવી મેળવ્યા પછી તેઓ અનુવાદક તરીકે રાજ્યની સરકારી સેવામાં જોડાયા. તેમાંથી સેવાનિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને ચિત્રકામ-પ્રવૃત્તિ શરૂ કરી.

તેમણે 20 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘સમાધિ’ (1959); ‘માબ્બુ તેરાલુ’ (1959); ‘પગા મિનાસ દેશમ્’ (1967); ‘વલ્લા મધ્ય વન્તેના’ (1967) અને ‘વૂરુ વીડ્કોલુ ચેપ્પિન્દી’(1976)નો સમાવેશ થાય છે. ‘કોડિગટ્ટિના સુર્યુદુ’ (1965); ‘હૃદયમ્ દોરિકિન્ડી’ (1969); ‘કિટિકી કન્નુ’ (1980); ‘એરરા ડબ્બા રાયલુ’ (1994) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે, જ્યારે ‘વેલુગુ રેખાલુ’ (1963); ‘કાન્તિ પુલુ’ (1964); ‘કરુનિન્યાની દેવતા’ (1970) તેમની જાણીતી નવલકથાઓ છે.

તેમને 1969માં આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ નવલકથા માટે; 199192ના વર્ષનો તેલુગુ યુનિવર્સિટી ઍવૉર્ડ વાર્તાસંગ્રહો માટે અને 1967માં ફ્રિ વર્સ ફ્રન્ટ ઍવૉર્ડ કાવ્યસંગ્રહ માટે આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા