વીરભદ્રપ્પા, કંવર (જ. 1 ઑક્ટોબર 1953, કોટ્ટુર, જિ. બેલ્લારી, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર તથા વાર્તાકાર. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. કર્નૂલમાં ગૂલ્યાન ખાતે જિલ્લા પ્રજા પરિષદ હાઈસ્કૂલમાં અધ્યાપન.
તેમણે કુલ 18 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમની જાણીતી નવલકથાઓમાં ‘કપ્પુ’ (1981); ‘બેલી મટ્ટુ હોબા’ (1982); ‘કેન્ડડ માલે’ (1988) અને ‘પક્ષીગલુ’નો સમાવેશ થાય છે. ‘દિવી સિમેય હડુ’ તેમનો કાવ્યસંગ્રહ છે, જ્યારે ‘ઇન્નદરુ સયબેકુ’ (1983); ‘ડોમા મટ્ટીતારા કાથેગલુ’ (1985) અને ‘કુંવી ઐડા કાથેગલુ’ (1988) તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહો છે. તેમની 6 નવલકથાઓ પરથી ફિચર ફિલ્મોનું નિર્માણ કરાયું છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1983માં કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત બીજા ઘણા ઍવૉર્ડ મળ્યા છે.
બળદેવભાઈ કનીજિયા