વીરભદ્ર શિવની પ્રતિમા : શામળાજી — ગુજરાતમાંથી મળેલી અને બરોડા મ્યુઝિયમમાં સુરક્ષિત પાંચમી સદીની અનુપમ પ્રતિમા. ક્ષત્રપકાલ અને ગુપ્તકાલની ગુજરાતની શિલ્પકલાને જોડતી કડીરૂપ આ પ્રતિમા હોવાથી વિશેષ નોંધપાત્ર છે. પૂર્ણમૂર્ત સ્વરૂપે કંડારાયેલી આ પ્રતિમામાં શિવ ત્રિભંગમાં ઊભેલા છે. તેમના પગ ક્ષત્રપકાલીન શિલ્પોની સરખામણીએ પાતળા છે. તેમના ચાર હાથ પૈકી ડાબો પાછળનો અને જમણો આગળનો હાથ તૂટી ગયા છે. જમણા પાછલા હાથ વડે ત્રિશૂળ ધારણ કર્યું છે, જ્યારે ડાબો આગળનો હાથ જાનુ પર ટેકવેલો છે. ડાબા ઉપલા હાથ વડે સર્પ પકડેલો હશે એમ   સર્પના વૃત્તાકાર અંગ પરથી જણાય છે. તેમણે બારીક અધોવસ્ત્ર પહેર્યું છે, જેમાંથી તેમનું ઊર્ધ્વશિશ્ન દેખાય છે. વસ્ત્રના છેડાને ગોમૂત્રિકા ઘાટ (વળ) અપાયો છે. શિવે મસ્તક પર જટામુકુટ બાંધેલો છે. વાળની કેટલીક લટો ખભા પર પથરાયેલી છે. દેવે કાનમાં ભારે કુંડળ, ગળામાં મુક્તામાળા, હાથ પર બાજુબંધ અને વલય ધારણ કર્યાં છે. તેમની પાછળ તેમનું વાહન નંદી છે. નંદીના મસ્તક અને ગળા પર આભૂષણો દૃષ્ટિગોચર થાય છે. એના ગળામાં બાંધેલી ઘૂઘરમાળા પણ સ્પષ્ટ જોવા મળે છે. પશ્ચિમ ભારતીય 4થી સદીનાં શિલ્પોની પરંપરામાંથી ઊતરી આવેલી અને પૂર્વ તથા ઉત્તર ભારતનાં પ્રશિષ્ટ શિલ્પોથી જુદી પડતી આ એક નમૂનેદાર પ્રતિમા છે.

પ્રવીણચંદ્ર પરીખ