વીરભદ્ર : શિવનો મુખ્ય ગણ અને સેનાપતિ. શિવના સસરા દક્ષે યજ્ઞ કર્યો જેમાં શિવ અને સતીને નિમંત્રણ અપાયું નહિ આથી અપમાનિત થવાથી ક્રોધે ભરાયેલા શિવે પોતાની જટા પછાડી જેનાથી વીરભદ્ર પ્રગટ થયા. શિવના આદેશથી વીરભદ્રે પણ  દક્ષના યજ્ઞનો ધ્વંશ કર્યો અને ઉપસ્થિત થયેલા ઋષિઓ વગેરેની પણ દુર્દશા કરી. યજ્ઞ ધ્વંસ કર્યા બાદ આ સૃષ્ટિનો સંહાર કરવા માટે વીરભદ્ર ઉદ્યત થયા ત્યારે શિવે એને શાંત પાડીને મંગલ-ગ્રહ બની જવાનું વરદાન આપ્યું.

શિવના મુખ્ય સેનાપતિ રૂપે વીરભદ્રે ત્રણ વાર દેવતાઓના પ્રાણની રક્ષા કરી. તે પોતે અસુરો માટે આતંક અને દેવતાઓ માટે રક્ષકરૂપ હતા. હિરણ્યકશિપુના વધ પછી જ્યારે નૃસિંહ અવતાર વિશ્વનો સંહાર કરવા ઉદ્યત થયા ત્યારે શિવના કહેવાથી વીરભદ્રે તેમને અદૃશ્ય થવા માટે બાધ્ય કર્યા.

પ્રવીણચંદ્ર પરીખ