વીઝ, પીટર (અલરિય) (. 8 નવેમ્બર 1916, નોવાઉઝ, પૉસ્ટડોમ પાસે, જર્મની; . 10 મે 1982, સ્ટૉકહોમ) : જર્મન નાટ્યકાર અને નવલકથાકાર. 1960થી અમેરિકા અને યુરોપમાં તેમનાં નાટકોની બોલબાલા રહી છે. તેમના લખાણનો ઝોક સામ્યવાદ તરફી અને હંમેશાં સ્થાપિત ધર્મથી વિરુદ્ધ રહ્યો છે.

યહૂદી પિતા કાપડ-ઉદ્યોગના જાણકાર હતા. પાછળથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. વીઝનો ઉછેર પ્રૉટેસ્ટન્ટ તરીકે થયેલો. નાઝીઓના ત્રાસથી કુટુંબને 1934થી દેશવટો ભોગવવો પડેલો. સ્વીડનમાં સ્થાયી થતાં પહેલાં ઇંગ્લૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ચેકોસ્લોવૅકિયામાં ખૂબ રઝળપાટ કરવી પડેલી. ચલચિત્રો બનાવ્યાં અને તેમને રંગબેરંગી પણ બનાવ્યાં. ‘થાઉઝન્ડ ઍન્ડ વન નાઇટ્સ’ની સ્વીડિશ આવૃત્તિ માટે તેમણે ચિત્રો પણ કરી આપ્યાં. પાછળથી તેમણે નવલકથા અને નાટક પણ લખ્યાં. શરૂઆતમાં સ્વીડિશ ભાષામાં અને પાછળથી જર્મન ભાષામાં તેમણે સાહિત્ય સર્જ્યું. તેમના પર કાફકાની અસર સ્પષ્ટ દેખાય છે. જોકે હેન્રી મિલરની અસર તેમના પર સવિશેષ થઈ છે. ‘મારત/સેદ(Marat Sade)થી ઓળખાતી કૃતિ(પૂરું શીર્ષક ‘ધ પર્સિક્યૂશન ઍન્ડ ઍસેસિનેશન ઑવ્ જ્યા-પોલ મારત ઍઝ પર્ફૉર્મ્ડ બાય ધ ડિરેક્શન ઑવ્ ધ માર્ક્વિસ દ સેદ’)માં વ્યક્તિસ્વાતંત્ર્ય અને રાજ્યક્રાંતિને એકમેકની સામે મૂક્યાં છે. પશ્ચાદ્ભૂમિકામાં પાગલપણું અને તર્ક દેખાય છે. આ નાટક વેસ્ટ બર્લિનમાં 1964માં ભજવાયેલું. ‘ધી ઇન્વેસ્ટિગેશન’ (1965) દસ્તાવેજી નાટક છે. ઑસ્ચવિટ્ઝની સામૂહિક કતલ માટે જવાબદાર અધિકારીઓ પર ફ્રૅન્કફર્ટમાં ચાલેલા મુકદ્દમાની અહીં વાત છે. તેમાં જર્મન પ્રજાના દંભને પણ છતો કરવામાં આવ્યો છે. અહીં કૉન્સન્ટ્રેશન કૅમ્પ વિશે જર્મન પ્રજાના ખુદના દંભી વ્યવહારની વાત છે. તેમનાં અન્ય દસ્તાવેજી નાટકોમાં અંગોલા પરનો સામ્રાજ્યવાદ દર્શાવતું ‘ધ સૉન્ગ ઑવ્ ધ લુસિટેનિયન બૉગી’ (1957) છે. વિયેટનામ યુદ્ધમાં અમેરિકનોની વિઘાતક પરદેશનીતિનું વરવું દૃશ્ય રજૂ થયું છે. તેમની આત્મકથનાત્મક નવલકથાઓમાં ‘ધ શૅડો ઑવ્ ધ બૉડી ઑવ્ ધ કોચમૅન’ (1960), ‘ધ લીવટેકિંગ’ (1962) અને ‘એક્ઝાઇલ’ (1966) નોંધપાત્ર છે. જર્મનીમાં સાહિત્યક્ષેત્રે 1963માં વીઝનું બહુમાન થયેલું.

વિ. પ્ર. ત્રિવેદી