વીજળીનું મીટર (electric meter) : વિદ્યુતપ્રવાહનું માપન કરતું ઉપકરણ. ગ્રાહક વડે વપરાયેલ વિદ્યુત-ઊર્જાના જથ્થાનું માપન કરવા વિદ્યુત કંપનીઓ વૉટ-કલાક મીટરનો ઉપયોગ કરે છે. આ વિદ્યુતશક્તિને કિલોવૉટ-કલાકમાં વ્યક્ત કરવામાં આવે છે. એક કિલોવૉટ-કલાક = 1000 વૉટ-કલાક થાય છે. 100 વૉટના વિદ્યુત-ગોળાને એક કલાક માટે ચાલુ રાખતાં 1 કિલોવૉટ-કલાક વિદ્યુત વપરાય છે. કંપનીઓ જે કિલોવૉટ-કલાક મીટરનો ઉપયોગ કરે છે તે આકૃતિ 1માં દર્શાવ્યું છે. નિવાસસ્થાન કે કારખાનાને પહોંચાડવામાં આવતી વિદ્યુતશક્તિના માપન માટે કંપનીઓ વિદ્યુતપ્રવાહની લાઇનમાં મીટરનું જોડાણ કરે છે. આ મીટરનું નિયમિત રીતે વાચન કરવામાં આવે છે અને આ વાચનને આધારે ગ્રાહકનું બિલ તૈયાર કરવામાં આવે છે.

આકૃતિ 1 : વીજળીનું મીટર

વિદ્યુતચુંબકત્વ(electromagnetism)ના સિદ્ધાંત ઉપર વૉટ-કલાક મીટર કાર્ય કરે છે. વિદ્યુતચુંબક વડે મળતા ચુંબકીય ક્ષેત્રની વચ્ચે ભ્રમણ કરી શકે તેવી ધાતુની પાતળી તકતી (disc) ગોઠવવામાં આવે છે. ગ્રાહકને પૂરા પાડવામાં આવતા વિદ્યુતપ્રવાહના માર્ગમાં વિદ્યુતચુંબક રાખવામાં આવે છે. જેમ ગ્રાહક વિદ્યુતના વધુ જથ્થાનો ઉપયોગ કરે છે તેમ વિદ્યુતચુંબકીય ક્ષેત્ર વધુ ને વધુ પ્રબળ બને છે. જેમ વિદ્યુતચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ તેમ તકતી વધુ ઝડપથી ફરે છે. દંતચક્ર (ગિયર તંત્ર) કિલોવૉટ-કલાક એકમમાં તૈયાર કરેલા પાંચ ડાયલ ઉપર તકતીનાં પરિભ્રમણોની નોંધ કરે છે. પાંચેપાંચ ડાયલ ઉપર દર્શક હોય છે અને આ ડાયલને દશ વિભાગમાં (0થી 9) વિભાજિત કરેલ હોય છે. જમણી બાજુનું ડાયલ 1થી 10 એકમ કિલોવૉટ-કલાકમાં નોંધે છે. તે પછીનાં ડાયલો અનુક્રમે 10થી 100; 100થી 1,000; 1,000થી 10,000 અને 10,000થી 1,00,000 એકમોનું નિર્દેશન કરે છે. (જુઓ આકૃતિ 2). આખાય મીટરને પેટી(case)માં બંધ કરી દેવામાં આવે છે, જેથી ધૂળ અને ભેજ સામે રક્ષણ મળે.

આકૃતિ 2 : વીજમીટરના ડાયલ

અમેરિકન ઇજનેર ઓલિવર વી. શેલેન્બર્જરે 1888માં સૌપ્રથમ વાર સફળ વિદ્યુતમીટર બનાવ્યું. 1895માં તેણે આ મીટર માટે ઇજારો (patent) મેળવ્યો. આજે સુધારા-વધારા સાથેનાં તમામ મીટરોનો પાયો (આધાર) આ મીટર છે.

ગૅલ્વેનૉમિટર, એમિટર જેવાં કેટલાંક મીટરોના ઉપયોગ વડે અનુક્રમે પ્રવાહની હાજરી જોવા મળે છે. વળી તેની પ્રબળતા નોંધાય છે. વોલ્ટમીટર તથા વૉટમીટર વડે પ્રવાહનું અનુક્રમે વિદ્યુતદબાણ (voltage) અને વિદ્યુતપ્રવાહશક્તિ મપાય છે.

શીતલ આનંદ પટેલ