વી. ડી. આર. એલ. (Venereal Disease Research Laboratory) કસોટી

February, 2005

વી. ડી. આર. એલ. (Venereal Disease Research Laboratory) કસોટી : યુ.એસ.ના એટલાન્ટામાં આવેલી જાતીય રોગો અંગેના સંશોધન માટેની પ્રયોગશાળા. આ પ્રયોગશાળામાં સિફિલિસ જેવા ગંભીર અને જાતીય સમાગમથી ફેલાતા રોગના નિદાન માટે એક કસોટીને પ્રમાણિત કરવામાં આવી, જેને વી. ડી. આર. એલ. કસોટી તરીકે ઓળખવામાં આવે છે.

આ કસોટી માટે વપરાતું પ્રતિજન સિફિલિસના જીવાણુ(treponema pallidium)માંથી નહિ પરંતુ કાર્ડિયોલિપીન, લેસિથીન અને કૉલેસ્ટેરોલ જેવા ચરબીયુક્ત પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. આ પદાર્થો બળદના હૃદયની પેશીમાંથી મેળવવામાં આવે છે. આ પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે, તેથી તેમનું દ્રાવણ આલ્કોહૉલમાં બનાવવામાં આવે છે. આ કર્યા બાદ તેમાં મીઠાનું દ્રાવણ (બફર કરેલું) ઉમેરવામાં આવે છે. આમ કરવાથી આ દ્રાવણ દૂધિયું બની જાય છે અને તેમાં સ્નિગ્ધ પદાર્થના સૂક્ષ્મકણોનું અત્યંત પાતળું સ્તર દેખાય છે. આમ આ રીતે પ્રતિજન તૈયાર કરવામાં આવે છે.

આમ તૈયાર કરેલા પ્રતિજન અને દર્દીના સીરમ(રુધિર ગંઠાવાનાં તત્વો દૂર કર્યાં હોય તેવો રક્તરસ)ને ભેગા કરવામાં આવે છે. જો દર્દી સિફિલિસ રોગથી પીડાતો હોય તો પ્રતિજન અને સીરમમાં રહેલા પ્રતિદ્રવ્ય વચ્ચે ઊર્ણન (flocculation) પ્રક્રિયા થશે જેને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકાય છે.

વી. ડી. આર. એલ. કસોટી બે રીતે કરવામાં આવે છે : (1) ગુણાત્મક કસોટી અને (2) સંખ્યાત્મક કસોટી.

ગુણાત્મક કસોટીમાં પહેલાં દર્દીમાંથી મેળવેલ સીરમને 56° સે. તાપમાને 30 મિનિટ સુધી રાખી અને નિષ્ક્રિય કરવામાં આવે છે. 0.05 મિલી. સીરમને શુદ્ધ વી. ડી. આર. એલ. સ્લાઇડ પર મૂકી તેમાં તૈયાર કરેલું પ્રતિજન ઉમેરવામાં આવે છે અને સ્લાઇડને 30 સેકન્ડ સુધી હલાવવામાં આવે છે. પ્રતિજન અને પ્રતિદ્રવ્ય વચ્ચે ઊર્ણન થાય છે કે કેમ તે તપાસવામાં આવે છે. જો ઊર્ણન થાય તો આ કસોટી હકારાત્મક ગણવામાં આવે છે. જો ગુણાત્મક કસોટી હકારાત્મક હોય તો સંખ્યાત્મક કસોટી કરવામાં આવે છે.

સંખ્યાત્મક કસોટીમાં મીઠાના દ્રાવણ વડે સીરમને મંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે 1 : 2, 1 : 4, 1 : 8, 1 : 16, 1 : 32 વગેરે પ્રમાણમાં સીરમને મંદ કરવામાં આવે છે. આમ કર્યા બાદ વી. ડી. આર. એલ. સ્લાઇડ લઈ ગુણાત્મક કસોટીની જેમ જ પ્રક્રિયા કરવામાં આવે છે. મંદ કરેલા સીરમનું છેલ્લું પ્રમાણ કે જેમાં ઊર્ણન થયેલું છે તે શોધવામાં આવે છે. તેના આધારે પ્રતિદ્રવ્યનું પ્રમાણ જાણી શકાય છે અને પ્રતિદ્રવ્યના પ્રમાણ પરથી રોગની તીવ્રતા જાણી શકાય છે.

વી. ડી. આર. એલ. કસોટીના ફાયદા અને ગેરફાયદા :

ફાયદા : સિફિલિસ રોગના જીવાણુઓ(treponema pallidium)નું પ્રયોગશાળામાં સંવર્ધન કરવું શક્ય નથી; તેથી તેના પ્રતિજન બનાવવાનું કાર્ય વિકટ છે; પરંતુ આ કસોટીમાં આપેલી રીત દ્વારા જીવાણુઓ વિના પણ પ્રતિજન બનાવી શકાય છે.

આ કસોટી પ્રમાણમાં સરળ, ઝડપી, કરકસરયુક્ત અને અનુકૂળ છે.

આ કસોટી ખૂબ જ સંવેદી (sensitive) છે. આ કસોટી દ્વારા પ્રતિદ્રવ્યનું ચોક્કસ પ્રમાણ જાણી શકાય છે. તેથી સિફિલિસ રોગનું નિદાન બરાબર થઈ શકે છે.

ગેરફાયદા : આ કસોટી treponema જીવાણુથી થતા અન્ય રોગો; જેવા કે યૉઝ (yaws), પિન્ટા (pinta), બીજેલ(bejel)માં પણ હકારાત્મક પરિણામ આપે છે.

આ પ્રકારની કસોટીઓમાં પ્રતિજન નિશ્ચિત જીવાણુને બદલે અન્ય પદાર્થોમાંથી બનાવવામાં આવ્યું છે. તેથી સિફિલિસ ન હોય તેવા દર્દીઓના સીરમ સાથે પણ હકારાત્મક કસોટી આપે છે. આવા પ્રકારનાં પરિણામો ટીબી, લેપ્રસી, મલેરિયા, હિપેટાઇટિસ, સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ, ઇન્ફેક્શિયસ મૉનૉન્યૂક્લિયૉસિસ, બ્રુસેલોસિસ, એટિપિકલ ન્યુમોનિયા વગેરે રોગોમાં મળે છે.

નીલા ઉપાધ્યાય