વિષ્ણુકાંચી : દક્ષિણ ભારતમાં શિવકાંચીથી લગભગ 4 કિલોમીટર દૂર આવેલું વૈષ્ણવ તીર્થ. અહીં 18 વિષ્ણુમંદિરો આવેલાં છે, જેમાં વરદરાજ સ્વામીનું મંદિર મુખ્ય છે. આ વિશાળ અને ભવ્ય મંદિરમાં વૈશાખી પૂર્ણિમાને દિવસે ‘બ્રહ્મોત્સવ’ થાય છે. આ ઉત્સવ સમગ્ર દક્ષિણ ભારતનો સહુથી મોટો ઉત્સવ ગણાય છે. રામાનુજાચાર્યની મુખ્ય આઠ પીઠોમાંની એક પીઠ અહીં આવેલી છે. અહીં વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે. આદિશંકરાચાર્ય અહીં પધાર્યા હતા અને તેમણે સ્થાપેલી કામકોટિપીઠ પણ અહીં આવેલી છે.

પ્રવીણચંદ્ર પરીખ