વિશ્વયુદ્ધ, દ્વિતીય (1939-1945) : વિશ્વના પાંચેય ખંડોના 47 દેશોને સંડોવતું, વીસમી સદીના ચોથા અને પાંચમા દાયકામાં થયેલું ભયંકર યુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ તથા સલામતી જાળવવા માટે તથા ફરીથી ભયંકર માનવસંહાર થાય નહિ તે વાસ્તે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી; તેમ છતાં માત્ર બે દાયકા બાદ વધુ ભયંકર વિશ્વયુદ્ધ થયું અને તે છ વર્ષ ચાલ્યું હતું. આ બે દાયકા દરમિયાન બીજા વિશ્વયુદ્ધ માટેની ભૂમિકા તૈયાર થઈ હતી; જેમકે, યુરોપના કેટલાક દેશોમાં સરમુખત્યારશાહી સ્થપાઈ. આ ઉપરાંત શસ્ત્રીકરણ, જૂથબંધી, સામ્રાજ્યવાદ વગેરે પરિબળોનું જોર વધ્યું હતું.

સરમુખત્યારશાહી : પ્રથમ વિશ્વયુદ્ધમાં હારેલાં તથા અપમાનિત થયેલાં રાષ્ટ્રોના લોકોમાં ઉગ્ર અસંતોષ ફેલાયો હતો. ત્યાં લોકશાહી સરકારો નિષ્ફળ ગઈ અને સરમુખત્યારો સત્તાધીશ બન્યા. ઇટાલીમાં મુસોલીનીએ ફાસીવાદી સરમુખત્યારશાહી સ્થાપી. તેણે લશ્કરમાં ભરતી કરી, નૌકાજહાજો વધાર્યાં અને લશ્કરી સેવા ફરજિયાત કરી. જર્મનીમાં હિટલરે નાઝીવાદી સરમુખત્યારશાહી સ્થાપીને વર્સેલ્સની સંધિ ફગાવી દીધી. તેણે જર્મનીને શસ્ત્રસજ્જ કર્યું અને નૌકાશક્તિ વધારી. જાપાનમાં સરકારના સૂત્રધારો લશ્કરવાદમાં માનતા હતા. શક્તિશાળી બન્યા બાદ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો અને આક્રમક નીતિ અપનાવી. સ્પેનમાં જનરલ ફ્રાન્કો, પોલૅન્ડમાં જનરલ પિલસુડ્સ્કી, રુમાનિયામાં ઑક્ટેવિયન ગોગા સરમુખત્યારો બન્યા. આ ઉપરાંત પોર્ટુગલ, ગ્રીસ, આલ્બેનિયા, બલ્ગેરિયા અને લિથુઆનિયામાં લોકશાહી નિષ્ફળ ગઈ અને સરમુખત્યારો શાસક બન્યા હતા.

વિશ્વમાં સૌપ્રથમ જાપાન ઉપર ફેંકાયેલો અણુબૉમ્બ

વર્સેલ્સની અન્યાયી સંધિ : પ્રથમ વિશ્વયુદ્ધ પછી વર્સેલ્સની સંધિ કરવામાં આવી, તે જર્મની માટે અતિશય કડક, અન્યાયી અને વેરવૃત્તિવાળી હતી. તેમાં જર્મનીને વિગ્રહ વાસ્તે દોષિત ઠરાવીને તેનાં સર્વે સંસ્થાનો અને પરદેશની મિલકતો લઈ લેવામાં આવી. તેના ઉપર છ અબજ સાઠ કરોડ ડૉલરનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના સમૃદ્ધ વિસ્તારો વિજેતા દેશોએ વહેંચી લીધા. ફક્ત જર્મનીનું નિ:શસ્ત્રીકરણ કરીને તેના શસ્ત્રોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો. જર્મનીના પ્રતિનિધિઓએ પૅરિસમાં આ અપમાનિત સંધિ પર સહી કરવી પડી. તેથી જર્મનીના લોકો તેનું વેર વાળવા ઉત્સુક હતા.

જૂથબંધીઓ : વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી; તેમ છતાં યુરોપનાં રાષ્ટ્રોમાં પરસ્પર અવિશ્વાસ અને ભય ઘટ્યાં ન હોવાથી, જૂથબંધીઓ રચીને સલામતી શોધવાના પ્રયાસો થયા. ફ્રાન્સને સૌથી વધુ જર્મનીનો ભય હતો. તેથી તેણે ચેકોસ્લોવૅકિયા, યુગોસ્લાવિયા, બેલ્જિયમ અને પોલૅન્ડ સાથે પરસ્પર સહાય કરવાના કરારો કર્યા. તેનાથી ફ્રાન્સ મજબૂત બન્યું. તેની સામે ઇટાલીએ પણ ગ્રીસ, તુર્કી, હંગેરી, રુમાનિયા, યુગોસ્લાવિયા તથા ચેકોસ્લોવૅકિયા સાથે શાંતિ, સલામતી અને પરસ્પર સહાય કરવાના કરારો કર્યા. તેથી સોવિયેત સંઘે પણ જૂથબંધી કરી અને જર્મની તથા તુર્કી સાથે સંધિ કરી. જૂથબંધીને કારણે યુરોપના દેશોમાં શંકા, અવિશ્વાસ તથા ભયનું વાતાવરણ ફેલાયું.

શસ્ત્રીકરણની દોટ : રાષ્ટ્રસંઘ હોવા છતાં, યુરોપમાં ભય, અશાંતિ અને અવિશ્વાસનું વાતાવરણ ચાલુ રહ્યું. તેથી ફરીવાર રાષ્ટ્રો શસ્ત્રસજ્જ થવા લાગ્યાં. જિનીવામાં નિ:શસ્ત્રીકરણ પરિષદની બેઠકો રાષ્ટ્રસંઘના ઉપક્રમે મળતી, તેમાં નિ:શસ્ત્રીકરણ વિશે ચર્ચાઓ થતી; પરંતુ હિટલર અને મુસોલીની સહિત સરમુખત્યારો યુદ્ધને અનિવાર્ય માનતા તથા શસ્ત્રસામગ્રી વધારતા જતા હોવાથી, નિ:શસ્ત્રીકરણની ચર્ચાઓ નકામી બની જતી. તેમનો પ્રતિકાર કરવા યુરોપના અન્ય દેશોએ પણ પુષ્કળ શસ્ત્રસામગ્રી વધારી. એ રીતે યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન તથા બ્રિટન પણ શસ્ત્રીકરણની સ્પર્ધામાં જોડાયાં.

રાષ્ટ્રસંઘની અવગણના : સામ્રાજ્યવાદી લાલસા પૂર્ણ કરવા નબળાં રાષ્ટ્રો પર મહાસત્તાઓ આક્રમણ કરે તો તેને રોકવાની તાકાત રાષ્ટ્રસંઘમાં ન હતી. ઈ. સ. 1931માં જાપાને ચીનના મંચુરિયા પ્રાંત પર આક્રમણ કર્યું અને તે પ્રાંત જીતી લીધો. ચીને રાષ્ટ્રસંઘ સમક્ષ ફરિયાદ નોંધાવી અને રાષ્ટ્રસંઘે એક તપાસપંચ નીમ્યું. તપાસપંચે જાપાનને આક્રમણકાર ગણ્યું અને રાષ્ટ્રસંઘે મંચુરિયા ખાલી કરવાનો જાપાનને આદેશ આપ્યો. તેથી જાપાન 1933માં રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું અને ચીન પર આક્રમણો કરવાનું ચાલુ રાખ્યું.

ઇટાલીના મુસોલીનીએ 1936માં ઍબિસિનિયા પર હુમલો કરીને જીતી લીધું. તેથી રાષ્ટ્રસંઘે ઠરાવ કરી ઇટાલીનો બહિષ્કાર કર્યો, પણ ઇટાલીએ તેની અવગણના કરી અને રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું. તે પછી હિટલરે પણ રાષ્ટ્રસંઘમાંથી જર્મનીનું સભ્યપદ પાછું ખેંચી લીધું. આમ આક્રમણખોર રાષ્ટ્રોએ રાષ્ટ્રસંઘની ઉઘાડેછોગ અવગણના કરી.

જર્મનીની આક્રમક નીતિ : જર્મનીનો હિટલર આક્રમક વિદેશનીતિ અપનાવવા સહિત એમ માનતો હતો કે જર્મન પ્રજા રહે છે તે બધા પ્રદેશો જર્મની સાથે જોડી દેવા જોઈએ. તે માટે તેમણે ઑસ્ટ્રિયાના નાઝી પક્ષ દ્વારા ક્રાંતિ કરાવી અને તેનું નિમંત્રણ મેળવી જર્મન સૈન્ય ત્યાં ગયું. ત્યારબાદ ત્યાં લોકમતનો દેખાવ કરીને, 1938માં ઑસ્ટ્રિયાને જર્મની સાથે જોડી દીધું.

ચેકોસ્લોવૅકિયાના સુડેટનલૅન્ડ પ્રદેશમાં જર્મન લોકોની વસ્તી 50 ટકા જેટલી હતી. હિટલરે ત્યાં નાઝી પક્ષની સ્થાપના કરાવી. તે પક્ષે સુડેટનલૅન્ડ જર્મનીમાં ભેળવી દેવાની માગણી કરી અને હિટલરે તે માગણીને આવકારી. મ્યૂનિક સંમેલનમાં મળેલા બ્રિટન તથા ફ્રાન્સે યુદ્ધ ન થાય તેવા હેતુથી સુડેટનલૅન્ડ પરનો જર્મનીનો દાવો સ્વીકાર્યો. હિટલરે સુડેટનલૅન્ડ અને તે પછી ચેકોસ્લોવૅકિયા પણ કબજે કર્યાં; તેમ છતાં મહાસત્તાઓ શાંત રહી, તેથી હિટલરની મહત્વાકાંક્ષા વધી.

તે પછી જર્મનીએ લિથુઆનિયાનું મેમલ બંદર કબજે કર્યું. આ દરમિયાન ઇટાલીના મુસોલીનીએ આલ્બેનિયા જીતી લીધું. હિટલરે પોલૅન્ડ પાસે જર્મન લોકોની વસ્તીવાળા ડાન્ઝિગ બંદર તથા જર્મની અને પૂર્વપ્રશિયા વચ્ચેના ‘પોલિશ પટ્ટી’ કહેવાતા પ્રદેશની માગણી કરી. તે વખતે બ્રિટનના વડાપ્રધાન ચેમ્બરલેઇને જાહેર કર્યું કે, ‘જર્મની પોલૅન્ડ પર હુમલો કરશે તો બ્રિટન અને ફ્રાન્સ પોલૅન્ડને મદદ કરશે.’ તે સાથે હિટલરે સોવિયેત સંઘ સાથે મૈત્રીકરાર કરી તેને પોલૅન્ડ સહિત બાલ્ટિક કાંઠાના પ્રદેશમાં છૂટો દોર આપવાની લાલચ આપી. ત્યારબાદ જર્મનીએ 1 સપ્ટેમ્બર 1939ના રોજ પોલૅન્ડ પર આક્રમણ કર્યું. તે સાથે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું.

વિશ્વયુદ્ધના મહત્વના બનાવો : જર્મન સેનાએ 1 સપ્ટેમ્બર 1939ના રોજ ચારે બાજુથી પોલૅન્ડ પર આક્રણ કર્યું. સોવિયેત સંઘના લશ્કરે પણ પોલૅન્ડ પર હુમલો કર્યો. એટલે પોલૅન્ડ જિતાઈ ગયું. તે પછી મહિનાઓ સુધી હિટલરે શાંતિ અને સમાધાનની દરખાસ્તો રજૂ કરી. તે દરમિયાન સોવિયેત સંઘે લેટવિયા, લિથુઆનિયા તથા ઇસ્ટોનિયા જીતી લીધાં.

ત્યારબાદ જર્મન લશ્કરે પશ્ચિમ યુરોપમાં એપ્રિલ 1940માં નૉર્વે, ડેન્માર્ક, હોલૅન્ડ, બેલ્જિયમ તથા લક્ઝમ્બર્ગ કબજે કર્યાં. આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ચેમ્બરલેઇનની નીતિ વિરુદ્ધ ભારે પ્રચાર થતાં તેણે રાજીનામું આપ્યું અને યુદ્ધની નીતિનો પુરસ્કર્તા વિન્સ્ટન ચર્ચિલ વડો પ્રધાન બન્યો. બેલ્જિયમનું રક્ષણ કરવા તેણે મોકલેલ બ્રિટિશ લશ્કર પ્રદેશ, સાધનસામગ્રી તથા પ્રતિષ્ઠા ગુમાવીને ડંકર્ક બંદરેથી નાસી જઈને ઇંગ્લૅન્ડ પાછું ફર્યું. જર્મન લશ્કરે 14 જૂન 1940ના રોજ પૅરિસમાં વિજયપ્રવેશ કર્યો અને ફ્રાન્સના જનરલ દ’ ગોલના બહાદુર સૈનિકો સિવાય ફ્રાન્સના લશ્કર અને સરકારે શરણાગતિ સ્વીકારી. ચાર્લ્સ દ’ ગોલે ઇંગ્લૅન્ડ જઈને ત્યાં ‘આઝાદ ફ્રેન્ચ સરકાર’ની સ્થાપના કરીને જર્મની સામે લડાઈ ચાલુ રાખી.

હિટલર અને મુસોલિની

ઇંગ્લૅન્ડ માટે ભારે કટોકટીના દિવસો આવ્યા. ચર્ચિલે લોકો પાસે આંસુ, પસીનો અને લોહી વહાવવાની માગણી કરીને યુદ્ધ વાસ્તે તૈયાર કર્યા. મોટી સંખ્યામાં જર્મન વિમાનો ઇંગ્લૅન્ડ પર બૉમ્બવર્ષા કરવા લાગ્યાં. 8 ઑગસ્ટ 1940થી પાંચ માસ પર્યન્ત રોજ ઇંગ્લૅન્ડની ભૂમિ ઉપર વિમાનો દ્વારા બૉમ્બ ફેંકવામાં આવ્યા. લંડન શહેર ઉપર જ 5 સપ્ટેમ્બર 1940થી 3 નવેમ્બર 1940 સુધી દિવસ-રાત થઈને આશરે 50,000 બૉમ્બ ફેંકવામાં આવ્યા. પરંતુ ઇંગ્લૅન્ડના લોકો અને સરકારની હિંમતને ધન્ય છે ! બ્રિટનના હવાઈ દળે દુશ્મનનાં બૉમ્બર વિમાનોનો સામનો કર્યો અને ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, હોલૅન્ડમાં આવેલાં જર્મન હવાઈ મથકો ઉપર વળતા હુમલા પણ કર્યા. છેવટે હિટલરે ઇંગ્લૅન્ડ ઉપરના હવાઈ યુદ્ધને સંકેલી લીધું.

આ દરમિયાન ઇટાલીના મુસોલીનીએ આફ્રિકામાં કેન્યા, સુદાન તથા બ્રિટિશ સોમાલીલૅન્ડ કબજે કરી, ઇજિપ્ત પર આક્રમણ કર્યું. યુરોપમાં ઇટાલીનું લશ્કર આલ્બેનિયામાં થઈને ગ્રીસ તરફ ગયું, પરંતુ ત્યાં તેની હાર થઈ. બીજી બાજુ હિટલરની નાઝી સેનાએ યુગોસ્લાવિયા, ગ્રીસ અને ક્રીટનો ટાપુ કબજે કર્યાં.

22 જૂન 1941ના રોજ હિટલરે મૈત્રીકરારનો ભંગ કરીને સોવિયેત સંઘ પર એકાએક આક્રમણ કર્યું. આ તેની ઘણી મોટી ભૂલ પુરવાર થઈ. રશિયનોએ ‘ધીકતી ધરા’ની નીતિ અપનાવીને, દુશ્મનોને જરૂરિયાતની કોઈ ચીજ ન મળે તે માટે સર્વનાશ કરીને દેશની અંદર દૂર દૂરના પ્રદેશોમાં જતા રહ્યા. પરિણામે રશિયાનો ભયંકર શિયાળો જર્મન સૈનિકોને અતિ કષ્ટદાયક બન્યો.

દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત લાવવા યાલ્ટા ખાતે મળેલી મહાસત્તાઓની બેઠકમાં સ્તાલિન, એફ. ડી. રૂઝવેલ્ટ અને ચર્ચિલ

આ દરમિયાન, જર્મનીના સાથીરાષ્ટ્ર જાપાને પૅસિફિક મહાસાગરમાં આવેલા હવાઈ ટાપુઓના પર્લહાર્બર બંદર પરના અમેરિકન નૌકાકાફલા ઉપર 7 ડિસેમ્બર 1941ના રોજ એકાએક હવાઈ હુમલો કર્યો. તેમાં યુનાઇટેડ સ્ટેટ્સનાં આઠ યુદ્ધજહાજો, 177 યુદ્ધવિમાનો તથા અનેક જહાજોનો નાશ થયો અને 2,343 સૈનિકો માર્યા ગયા અને 2,000 જેટલા ઘાયલ થયા. તેથી યુનાઇટેડ સ્ટેટ્સે જાપાન સામે યુદ્ધ જાહેર કર્યું. તેથી જર્મની, ઇટાલી, રુમાનિયા, બલ્ગેરિયા વગેરે જાપાનના મિત્રોએ અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું.

અમેરિકા યુદ્ધમાં પ્રવેશતાંની સાથે મિત્રરાજ્યો(ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સોવિયેત સંઘ વગેરે)ને અમેરિકાની શસ્ત્રસામગ્રી, વિમાનો, ટૅન્કો, સૈન્ય વગેરેની વિપુલ સહાય પ્રાપ્ત થતાં યુદ્ધની સ્થિતિ પલટાઈ ગઈ. બ્રિટિશ સેનાપતિ મૉન્ટગૉમરી અને અમેરિકન જનરલ આઇઝનહોવરનાં સંયુક્ત લશ્કરે આફ્રિકામાંથી જર્મની અને ઇટાલીનાં સૈન્યોને જુલાઈ 1943માં હાંકી કાઢ્યાં. ત્યારબાદ તેઓ ભૂમધ્ય સમુદ્રમાં થઈને ઇટાલીના કિનારે ઊતર્યાં. ઇટાલીના ગભરાયેલા લોકો તથા સૈનિકોએ મુસોલીનીને કેદ કર્યો અને પછી રચાયેલી કામચલાઉ સરકારે જનરલ આઇઝનહોવરને સપ્ટેમ્બર 1943માં શરણાગતિનો સંદેશો મોકલ્યો.

જર્મન સૈન્યોને સોવિયેત સંઘના સેનાપતિ માર્શલ ઝુકોવે સ્ટાલિનગ્રાડની લડાઈમાં ફેબ્રુઆરી 1943માં સખત હાર આપી. ત્યારબાદ જર્મન સેનાને સોવિયેત સંઘના સર્વે મોરચેથી પીછેહઠ કરવી પડી અને સોવિયેત લશ્કરે તેમને પોલૅન્ડ, ચેકોસ્લોવૅકિયા અને ઑસ્ટ્રિયા – એમ ત્રણેય બાજુએથી હાંકી કાઢીને જર્મની તરફ સપ્ટેમ્બર 1944માં કૂચ કરી.

મિત્રરાજ્યોએ પશ્ચિમ યુરોપમાં – ફ્રાન્સમાં જર્મની સામે નવો મોરચો ખોલ્યો. અમેરિકન સેનાપતિ આઇઝનહોવરના માર્ગદર્શન હેઠળ ઇંગ્લૅન્ડમાંથી ફ્રાન્સના નૉર્મન્ડીમાં જૂન 1944માં ચાલીસ ડિવિઝનો ઉતારી. આ સૈન્યોએ પણ ફ્રાન્સ જીતી લઈને બેલ્જિયમ, લક્ઝમ્બર્ગ તથા હોલૅન્ડમાંથી જર્મન સેનાને હાંકી કાઢીને જર્મની તરફ ધસારો કર્યો.

આમ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફથી યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન તથા ફ્રાન્સનાં લશ્કરો અને પૂર્વ બાજુથી સોવિયેત સૈન્યો જર્મનીમાં પ્રવેશ્યાં. તેમણે ચારે તરફથી બર્લિનને ઘેરો નાખ્યો. હિટલરે બર્લિનને બચાવવાના આખરી પ્રયત્નો કર્યા, પરંતુ પરાજયની ખાતરી થવાથી 30 એપ્રિલ 1945ના રોજ તેની પ્રેયસી ઇવા બ્રાઉન સાથે બર્લિન છોડીને એક બંકરમાં રહ્યો અને ત્યાં આપઘાત કર્યો હોવાનું માનવામાં આવે છે. મુસોલીની સ્વિટ્ઝર્લૅન્ડ તરફ નાસી જતાં ઇટાલિયન સામ્યવાદીઓએ તેને પકડી લીધો, ગોળીબાર કરી મારી નાંખ્યો અને તેના શબને મિલાન નગરમાં ઊંધે માથે લટકાવવામાં આવ્યું ! હિટલર અદૃશ્ય થયા બાદ જર્મનીમાં કામચલાઉ સરકાર રચવામાં આવી. તેણે મિત્રરાજ્યો સમક્ષ બિનશરતી શરણાગતિ સ્વીકારી અને 8 મે 1945ના રોજ યુરોપમાં વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

યુરોપના યુદ્ધનો અંત આવતાં મિત્રરાજ્યોએ જાપાનને હરાવવા વાસ્તે પોતાની બધી શક્તિ સંગઠિત કરી. તે અગાઉ જાપાને ડિસેમ્બર 1941થી માર્ચ 1942 દરમિયાન બ્રિટિશ સત્તા હેઠળના મ્યાનમાર, મલાયા તથા સિંગાપુર, ફ્રેન્ચોની સત્તા હેઠળના હિંદી-ચીન અને હોલૅન્ડના કબજા હેઠળના ઇન્ડોનેશિયા જીતી લીધાં હતાં. તે વખતે મિત્રરાજ્યો યુરોપના યુદ્ધમાં રોકાયેલા હોવાથી જાપાનને ઝડપી વિજયો મળ્યા; પરંતુ તે ભારતમાં મણિપુરની સરહદ પાસે અટકી ગયું. બે વર્ષ બાદ, માર્ચ 1944માં તેણે આઝાદ હિંદ ફોજની સહાયથી મણિપુરની સરહદે આક્રમણ કર્યું, ત્યારે બ્રિટને તેને રોકી દીધું. ઇમ્ફાલમાં આઝાદ હિંદ ફોજની હાર થઈ. ત્યારબાદ મિત્ર-રાજ્યોના અગ્નિ-એશિયાના નૌકાસેનાપતિ માઉન્ટબેટન અને પૅસિફિક મોરચાના અમેરિકન સેનાપતિ મૅક આર્થરના સંયુક્ત દબાણ હેઠળ જાપાને પીછેહઠ કરવી પડી.

આ દરમિયાન જર્મનીએ શરણાગતિ સ્વીકારતાં મિત્રરાજ્યોએ પોતાની સર્વ તાકાતનો જાપાન વિરુદ્ધ ઉપયોગ કર્યો. છેવટે 6 ઑગસ્ટ 1945ના રોજ વહેલી સવારે અમેરિકાએ જાપાનના હીરોશીમા શહેર ઉપર અણુબૉમ્બ નાંખ્યો. તે સાથે ત્યાં મહાવિનાશ થયો. આશરે 75,000 લોકો મરણ પામ્યા તથા એક લાખ માણસો ઘવાયા કે રોગનો ભોગ બન્યા. મિત્રરાજ્યોએ વિમાનમાંથી પત્રિકાઓ નાખીને અણુબૉમ્બની વિનાશકતા સમજાવી, અને જાપાનની સરકારને શરણાગતિ સ્વીકારવા જણાવ્યું; પરંતુ જાપાનની સરકાર અણનમ રહી. તેથી 9મી ઑગસ્ટના રોજ નાગાસાકી નગર ઉપર બીજો અણુબૉમ્બ નાખવામાં આવ્યો. તે સાથે 40,000 લોકો મૃત્યુ પામ્યા, અને જાપાનની સરકારે શરણાગતિ સ્વીકારી. તેણે તેમના શહેનશાહનો દરજ્જો સાચવવાની શરત મૂકી. આ શરત માન્ય રાખવામાં આવી અને 2 સપ્ટેમ્બર 1945ના રોજ દ્વિતીય વિશ્વવિગ્રહનો અંત આવ્યો.

દ્વિતીય વિશ્વયુદ્ધનાં પરિણામો :

આ મહાવિનાશક વિશ્વયુદ્ધને અંતે બધા મળીને આશરે બે કરોડ વીસ લાખ જેટલા સૈનિકો મરાયા, તેવી ગણતરી કરવામાં આવી છે. આ ઉપરાંત 3 કરોડ 40 લાખ માણસો ઘાયલ થયા; હજારો અબજ ડૉલરનો ખર્ચ થયો અને તેનાથી પણ વધારે મિલકતોનો નાશ થયો હતો. યુદ્ધમાં જોડાનાર સર્વે રાષ્ટ્રોનાં અર્થતંત્ર તૂટી ગયાં અને હારેલા દેશોમાં નૂતન વ્યવસ્થા સ્થાપવી પડી.

જર્મનીની પુનર્વ્યવસ્થા : જુલાઈ 1945માં યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, સોવિયેત સંઘ તથા ચીનની સરકારોના વડાઓ જર્મની નજીક પૉટ્સડામ મુકામે મળ્યા અને તેમણે હારેલા જર્મનીની પુનર્વ્યવસ્થા વાસ્તે એક યોજના ઘડી કાઢી. તે મુજબ શરણાગતિ સ્વીકારનાર ઍડ્મિરલ ડોનિઝની સરકારને વિખેરી નાખીને જર્મનીને ચાર વહીવટી વિસ્તારોમાં વહેંચી દીધું. તે મુજબ પૂર્વ જર્મની પર સોવિયેત સંઘનો, નૈર્ઋત્ય જર્મની પર યુનાઇટેડ સ્ટેટ્સનો, ફ્રાન્સની પાસેના પ્રદેશ પર ફ્રાન્સનો તથા બેલ્જિયમ અને હોલૅન્ડની સરહદોને સ્પર્શતા વિસ્તારો પર ઇંગ્લૅન્ડનો કબજો રાખવામાં આવ્યો. એ પ્રમાણે, બર્લિન શહેરને પણ ચાર વહીવટી વિસ્તારોમાં વહેંચી નાખી તેના ઉપર ચાર મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો.

આ ચારેય પ્રદેશોના શાસનતંત્રના સંકલન વાસ્તે દરેક વિસ્તારના સેનાપતિ અને લશ્કરી વહીવટદારોની બનેલી સંયુક્ત નિયંત્રણ સમિતિ અને સંકલિત સમિતિ રચવામાં આવી. જર્મન નેતાઓને યુદ્ધગુનેગાર ગણી તેમના પર કામ ચલાવવા તથા જર્મનો દ્વારા જેમને નુકસાન થયું હતું તેમને ન્યાય અપાવવા માટે એક ન્યાયપંચ નીમવામાં આવ્યું. આ ઉપરાંત જર્મન લોકોને જરૂરી ચીજો મળી રહે એટલાં કારખાનાં રાખીને વધારાનાં બધાં કારખાનાંનો સામાન – જહાજો, યંત્રો, શસ્ત્રસામગ્રી વગેરે – જર્મનીએ જે દેશોને નુકસાન કર્યું હતું તેમને તે આપી દેવામાં આવ્યાં. આ વસ્તુઓ પ્રાપ્ત કરનાર દેશોમાં ફ્રાન્સ, સોવિયેત સંઘ, બેલ્જિયમ, પોલૅન્ડ વગેરેનો સમાવેશ થતો હતો.

જાપાનની વ્યવસ્થા : જાપાનના શહેનશાહનું બ્રિટનના રાજા જેવું બંધારણીય સ્થાન રાખવામાં આવ્યું. ત્યાં ઇંગ્લૅન્ડના જેવી સંસદીય લોકશાહી સરકાર સ્થાપવામાં આવી. જાપાનની સરકાર પર અમેરિકાના સેનાપતિ જનરલ મૅકઆર્થરનો અંકુશ રાખવામાં આવ્યો. ત્યાંની વહીવટી, લશ્કરી તથા આર્થિક નીતિનું સંચાલન મૅકઆર્થરની સલાહ મુજબ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

અન્ય હારેલા દેશોની વ્યવસ્થા : ઇટાલી, હંગેરી, ફિનલૅન્ડ, બલ્ગેરિયા અને રુમાનિયા સાથે પણ જુદી જુદી સંધિઓ કરીને તેમના તાબા હેઠળના કેટલાક પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. વળી જર્મની તથા જાપાનની માફક તે હારેલા દેશોને પણ યુદ્ધ વાસ્તે દોષિત ગણી, તે દરેકનો લગભગ દસથી ત્રીસ કરોડ ડૉલર જેટલો યુદ્ધદંડ કરીને તે વાર્ષિક હપતાથી ભરવાની છૂટ આપવામાં આવી.

દૂરગામી અસરો : દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે એશિયા તથા આફ્રિકાના દેશોમાં રાષ્ટ્રવાદ તથા સ્વાતંત્ર્યના વિચારોનો ફેલાવો થયો. તે રાષ્ટ્રોના લોકોમાં રાષ્ટ્રીય ચેતના જાગ્રત થઈ. વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન તથા જર્મની મિત્રરાજ્યોને હરાવતાં હતાં ત્યારે, સામ્રાજ્યવાદી દેશોનો ત્રાસ ભોગવતી એશિયા અને આફ્રિકાના દેશોની પ્રજામાં આનંદ તથા ઉત્સાહ ફેલાતો હતો. વિશ્વયુદ્ધ બાદ બ્રિટન તથા ફ્રાન્સ જેવી મહાસત્તાઓ નબળી પડી; અને થોડાં વર્ષોમાં જ એશિયાના ભારત, શ્રીલંકા, મ્યાનમાર (બર્મા), હિન્દી-ચીન, ઇન્ડોનેશિયા અને મલાયા તથા આફ્રિકાનાં કેન્યા, યુગાન્ડા, ઇજિપ્ત, ઘાના, નાઇજિરિયા વગેરે દેશો સ્વતંત્ર થયા.

વિશ્વયુદ્ધ પૂર્ણ થતાં જ સ્ટાલિને સોવિયેત સંઘમાં લશ્કરી કારખાનાંઓ અને ભારે ઉદ્યોગોનો વિકાસ કરવા માંડ્યો. તેણે પૂર્વ યુરોપના ચેકોસ્લોવૅકિયા, હંગેરી, પોલૅન્ડ, યુગોસ્લાવિયા વગેરે દેશોમાં સામ્યવાદી સરકારો સ્થાપીને સોવિયેત સંઘના ઉપગ્રહ સમાન રાજ્યોની રચના કરી.

વિશ્વયુદ્ધ પૂરું થતાં યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત સંઘ વચ્ચે અનેક મતભેદો પ્રગટ થયા. આ બંને મહાસત્તાઓ પરસ્પરવિરોધી જૂથોમાં વહેંચાઈ ગઈ. યુનાઇટેડ સ્ટેટ્સે પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રોને સહાય કરવા 1,900 કરોડ ડૉલર આપવા ‘માર્શલ યોજના’ ઘડી. તેના પ્રત્યુત્તર રૂપે સોવિયેત સંઘે પૂર્વ યુરોપના દેશોને આર્થિક સહાય કરીને તે દેશો પર પોતાનું પ્રભુત્વ વિકસાવ્યું. આ પરિસ્થિતિમાંથી ‘ઠંડા યુદ્ધ’ની પરિસ્થિતિનું નિર્માણ થયું.

દ્વિતીય વિશ્વયુદ્ધ થવાથી યુરોપના દેશોને સૌથી વધારે નુકસાન વેઠવું પડ્યું. યુરોપના દેશોની આશરે 66 ટકા ઉત્પાદન-શક્તિનો નાશ થયો અને સાધનસામગ્રીના વિપુલ વિનાશને લીધે તેને ફરી બેઠું કરવાનું કાર્ય અતિશય અઘરું હતું. યુરોપના લોકોએ 1947ના ભયંકર શિયાળામાં અકલ્પ્ય ભૂખમરો તથા વિટંબણાઓ વેઠવી પડી હતી. યુરોપનાં ઘણાંખરાં શહેરોમાં બૉમ્બવર્ષાથી લીલાં ખેતરો, કારખાનાં તથા લાખો લોકોનો વિનાશ થયો હતો ! ચલણી નાણાંની કિંમત ઘટી ગઈ હતી. દરેક વસ્તુના ભાવ ફુગાવાને કારણે આસમાને પહોંચ્યા હતા. જીવનધોરણ ઘણું નીચે ગયું હતું. વળી, યુદ્ધોત્તર કટોકટીને લીધે પ્રત્યેક રાષ્ટ્રમાં સરકારને લોકો ઉપર ભારે કરવેરા ઝીંકવા પડ્યા હતા તથા અનાજની માપબંધી જેવાં આકરાં પગલાં ભરવાની ફરજ પડી હતી.

દ્વિતીય વિશ્વયુદ્ધનું એક પરોક્ષ, છતાં ખૂબ ઉપકારક પરિણામ સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનો)ની સ્થાપનાનું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દુનિયાના લોકોમાં વિશ્વશાંતિ તથા સલામતીની ઝંખના પહેલાં કરતાં પણ ઘણી વધારે તીવ્ર બની. વિશ્વમાં કાયમી શાંતિની પુન: સ્થાપના કરવા વાસ્તે સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનો)ની રચના કરવામાં આવી, જે હજી સુધી તેના ઉમદા હેતુમાં ઘણુંખરું સફળ થયેલ છે.

જયકુમાર ર. શુક્લ