વિશ્વયુદ્ધ (પ્રથમ) (1914-1918) : વીસમી સદીના બીજા દાયકામાં મુખ્યત્વે યુરોપમાં લડાયેલું, વિશ્વના ઘણાખરા અગત્યના દેશોને સંડોવતું યુદ્ધ. વીસમી સદીની કેટલીક મહત્વની ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધને સૌપ્રથમ અગત્યની ઘટના માનવામાં આવે છે. એટલા માટે કે ભૂતકાળમાં આટલા વિશાળ પાયા ઉપર, દુનિયાના લગભગ બધા અગત્યના દેશોને સંડોવતું યુદ્ધ લડાયું ન હતું. તેમાં નવીન પ્રકારનાં, ભયંકર સંહારકશક્તિ ધરાવતાં શસ્ત્રોનો પ્રથમ વાર ઉપયોગ થયો હતો. વળી તેનાં પરિણામો તત્કાલીન રાજકીય નેતાઓ, સેનાપતિઓ કે સામાન્ય પ્રજા વિચારી શકે તે કરતાં વધુ વ્યાપક તથા વધુ દૂરગામી અસરો નિપજાવે તેવાં આવ્યાં હતાં. આવા મહાયુદ્ધ વાસ્તે તાત્કાલિક અને દૂરગામી પરિબળો જવાબદાર હતાં.

પરિબળો : સંકુચિત તથા આક્રમક રાષ્ટ્રવાદ : ઓગણીસમા સૈકામાં યુરોપનાં રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય ભાવનાનો નોંધપાત્ર વિકાસ થયો હતો. બિસ્માર્કની નીતિને કારણે જર્મન રાષ્ટ્રવાદ ઉગ્ર તથા આક્રમક બન્યો. ઑસ્ટ્રિયા-હંગેરીનો રાષ્ટ્રવાદ તીવ્ર બન્યો અને તેણે પણ પ્રદેશોનો વિસ્તાર કરવા માંડ્યો. ફ્રાન્સે આલ્સેસ તથા લોરેઇનના પ્રદેશો ગુમાવવાથી તેની રાષ્ટ્રીય લાગણીઓ ઉગ્ર બની અને દુનિયામાં અગ્રસ્થાન મેળવવાના પ્રયાસો તેણે ચાલુ રાખ્યા. વળી બાલ્કન રાજ્યોની સીમાઓ બદલાઈ, જૂનાં રાજ્યો નાબૂદ થયાં અને નવાં રાજ્યોનું સર્જન થયું. તેથી આ પ્રદેશોમાં રાષ્ટ્રવાદ વિકસ્યો અને સંઘર્ષો પેદા થયા. આ દરમિયાન જાપાન આધુનિક રાષ્ટ્ર બન્યું અને તેણે દેશનો ઝડપી વિકાસ કર્યો. 1905માં રશિયાને હરાવ્યા પછી જાપાન એશિયાની મહાસત્તા બન્યું. તેણે આક્રમક રાષ્ટ્રવાદ અપનાવીને ચીનમાં પ્રદેશો વિસ્તાર્યા. ઇંગ્લૅન્ડ તેનું વિશાળ સામ્રાજ્ય સાચવવામાં ગૌરવ લેતું હતું. આમ આક્રમક રાષ્ટ્રવાદને લીધે યુદ્ધ અનિવાર્ય બન્યું.

સામ્રાજ્યવાદ : 19મા સૈકાના અંત સુધીમાં ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સે એશિયા તથા આફ્રિકાના અનેક દેશોમાં પોતાનું આર્થિક તથા રાજકીય વર્ચસ્ સ્થાપ્યું હતું. આ દેશોનું આર્થિક શોષણ કરીને તેઓ સમૃદ્ધ બન્યાં હતાં. આ સમય દરમિયાન રશિયા, જર્મની, ઇટાલી, જાપાન વગેરે દેશો પણ આર્થિક અને રાજકીય રીતે સમર્થ બન્યાં અને સામ્રાજ્યવાદી હરીફાઈમાં જોડાયાં. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સને પોતાનાં સામ્રાજ્યો જાળવી રાખવાની ચિંતા હતી ત્યારે, જર્મની સહિત અન્ય દેશો પોતાનાં સામ્રાજ્યો સ્થાપવા અને વિસ્તારવા ઉત્સુક હતાં. તેમાંથી સામ્રાજ્યવાદી સંઘર્ષો ઉદ્ભવ્યા. 1914 પહેલાં, બે પરસ્પરવિરોધી જૂથો  એક જૂથ ઑસ્ટ્રિયા, જર્મની વગેરેનું તથા બીજું જૂથ ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને રશિયાનું – યુદ્ધની નજીક આવી ગયાં હતાં.

પ્રથમ વિશ્વયુદ્ધમાં લડાઈ પશ્ચિમ યુરોપમાંથી મધ્ય પૂર્વ તરફ ફેલાઈ હતી. મહત્વની લડાઈઓ પાશ્ચાત્ય હરોળમાં થઈ અને તે બેલ્જિયમ અને ફ્રાન્સ સુધી લંબાઈ; અને પૂર્વીય હરોળમાં રશિયા અને ઑસ્ટ્રિયા-હંગેરીમાં થઈ હતી.

ગુપ્ત સંધિઓ : પ્રથમ વિશ્વયુદ્ધનું મૂળ ગુપ્ત સંધિઓ, સમજૂતીઓ અને વિરોધી સત્તાજૂથોમાં રહેલું છે. 1870ની ફ્રૅન્કફર્ટની સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીની સીમા નજીકના આલ્સેસ-લૉરેઇનના પ્રદેશો જર્મનીને સોંપવા પડ્યા. ફ્રાન્સે આ પ્રદેશો પાછા મેળવવા પ્રયાસો કરવાથી જર્મનીએ સંધિઓ દ્વારા ફ્રાન્સને એકલું પાડી દેવાની નીતિ અપનાવી. આમ, વીસમી સદીની શરૂઆતમાં એક બાજુ જર્મની, ઑસ્ટ્રિયા અને ઇટાલી તથા બીજી બાજુ ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને રશિયા બે પરસ્પર વિરોધી જૂથોમાં વહેંચાઈ ગયાં. ગુપ્ત સંધિઓને લીધે આશંકા અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું તથા સંઘર્ષની સ્થિતિમાં વધારો થયો.

લશ્કર અને શસ્ત્રોમાં વધારો : યુરોપ બે પરસ્પરવિરોધી સમૂહોમાં વહેંચાઈ ગયું હતું. તેથી ભયનું વાતાવરણ વધ્યું. આથી યુરોપની મહાસત્તાઓએ રક્ષણનું કારણ આપીને પોતાનાં સૈન્યો તથા શસ્ત્રોમાં ખૂબ વધારો કર્યો. જર્મની, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે દેશોએ સૈન્યો અને શસ્ત્રો વધારવાની સ્પર્ધા કરી. આમ જુદા જુદા દેશોએ લશ્કરીકરણ કરવાથી યુદ્ધની શક્યતા વધી ગઈ.

વેપારી તથા લશ્કરી હિતો : સંસ્થાનવાદ અને ઔદ્યોગિક ક્રાંતિના ફલસ્વરૂપે યુરોપમાં નવા મૂડીવાદી વર્ગનું વર્ચસ્ વધ્યું. સંસ્થાનોમાંથી તેમને અઢળક સંપત્તિ મળી હતી. કેટલાક ઉદ્યોગપતિઓ તો શસ્ત્રો અને યુદ્ધમાં આવશ્યક ચીજોનું ઉત્પાદન કરતા હતા. તેથી યુદ્ધ થાય તો તેમનું ઉત્પાદન ધૂમ વેચાય અને અઢળક નફો મળે. વળી લશ્કરી નેતાઓને પણ યુદ્ધમાં રસ હોવાથી તેમણે ગુપ્ત સંધિઓ, લશ્કરીકરણ, શસ્ત્રીકરણ વગેરેને પ્રોત્સાહન આપ્યું. આમ, યુદ્ધખોરોને ઉત્તેજન મળ્યું.

બૅલ્જિયમના એક યુદ્ધમોરચે સરંજામ અને મૂક પશુધનનો સંહાર

જર્મની અને વિલિયમ બીજાની અતિ મહત્વાકાંક્ષા :

1870 પછી જર્મનીનો રાષ્ટ્રવાદ વધારે ઉગ્ર બન્યો હતો. આલ્સેસ-લૉરેઇનના પ્રદેશો ફ્રાન્સ પાસેથી મેળવ્યા બાદ તેની પ્રદેશભૂખ વધી હતી. 1888માં બિસ્માર્કના પતન બાદ, જર્મન સમ્રાટ વિલિયમ બીજાએ જર્મનોની વિસ્તારવાદની ભાવનાને પરાકાષ્ઠાએ પહોંચાડી. ઔદ્યોગિક ક્રાંતિ થવાથી જર્મનીમાં પેદા થતા વિપુલ માલને વેચવા માટે બજારો આવશ્યક હતાં. ઓગણીસમી સદીના અંત સુધીમાં ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને રશિયાએ એશિયા અને આફ્રિકાના અનેક દેશો પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું હોવાથી જર્મનીને રાજ્યનો વિસ્તાર કરી આર્થિક આધિપત્ય સ્થાપવાનો વધુ અવકાશ ન હતો. તેથી તેને માટે સંઘર્ષ અનિવાર્ય હતો. વિલિયમ બીજો જર્મનીને દુનિયાની શ્રેષ્ઠ સત્તા બનાવવા ઉત્સુક હતો, જે યુદ્ધ સિવાય શક્ય ન હતું.

વર્તમાનપત્રોનો પ્રચાર : આ સમય દરમિયાન વર્તમાનપત્રો પણ સંઘર્ષનું માનસ ધરાવતાં રાજપુરુષો, લશ્કરી નેતાઓ અને શસ્ત્રોનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિઓના પ્રચારને મદદરૂપ થયાં. વર્તમાનપત્રોએ તેમનાં લખાણો દ્વારા આક્રમક તથા સંકુચિત રાષ્ટ્રવાદને ઉશ્કેર્યો. તેમણે વિસ્તારવાદી તથા વિકૃત આર્થિક સ્પર્ધાને પોષી. આ રીતે પ્રત્યેક રાષ્ટ્રમાં વિરોધીઓ પ્રત્યે લોકોમાં અતિશય ઘૃણા ફેલાવવામાં વર્તમાનપત્રોએ મુખ્ય ભાગ ભજવ્યો.

આંતરરાષ્ટ્રીય સંસ્થાનો અભાવ : યુરોપમાં સત્તાજૂથો વચ્ચે આવી સ્ફોટક પરિસ્થિતિ પ્રવર્તતી હતી, ત્યારે લવાદી કરીને તેમની વચ્ચે સમજૂતી કરાવે, તેવી કોઈ સમર્થ આંતરરાષ્ટ્રીય સંસ્થા ન હતી. હેગમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય અદાલત તેના ચુકાદાઓ ઉભય પક્ષો પાસે સ્વીકારાવી શકે એટલી શક્તિશાળી ન હતી.

યુદ્ધના તત્વજ્ઞાનમાં વિશ્વાસ : તે સમયે યુરોપના દેશોના રાજપુરુષો, નેતાઓ, વિચારકો અને લોકો પણ યુદ્ધના તત્વજ્ઞાનમાં શ્રદ્ધા રાખતાં હતાં. એ સમયે લગભગ બધા દેશો યુદ્ધને રાજકારણમાં અસરકારક શસ્ત્ર તરીકે માનતાં હતાં. યુદ્ધથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે એવો તેમને વિશ્વાસ હતો.

તાત્કાલિક કારણ : બાલ્કનમાં આવેલાં બોસ્નિયા તથા હર્ઝગોવિનાના પ્રદેશોને 1908માં ઑસ્ટ્રિયાએ પોતાના રાજ્યમાં જોડી દીધા. ત્યાં સ્લાવ જાતિના લોકો મોટી સંખ્યામાં હોવાથી તેઓ સ્લાવ રાજ્ય સર્વિયામાં જોડાવા માગતા હતા. સર્વિયા પણ આ કારણસર ઑસ્ટ્રિયા પર ગુસ્સે થયું. તેથી ઑસ્ટ્રિયા વિરુદ્ધ સર્વિયામાં ગુપ્ત ક્રાંતિકારી સંસ્થાઓ સ્થપાઈ. તેમાંની બ્લૅકહૅન્ડ નામની સંસ્થાના એક સભ્યે 28 જૂન 1914ના રોજ બોસ્નિયાની રાજધાની સારાજેવોની મુલાકાતે ગયેલા ઑસ્ટ્રિયાના યુવરાજ આર્ક ડ્યૂક ફર્ડિનાન્ડ અને તેની પત્ની ઉપર ગોળીબાર કરી હત્યા કરી.

ઑસ્ટ્રિયાને આ હત્યામાં સર્વિયાની સરકારનો હાથ હોવાની શંકા હોવાથી તેણે નીચેની કડક માગણીઓ સર્વિયા પાસે મૂકી : (1) ઑસ્ટ્રિયા-વિરુદ્ધ ઉશ્કેરણી બંધ કરવી, (2) સર્વિયન સરકાર તથા લશ્કરમાંથી ઑસ્ટ્રિયાના વિરોધીઓની હકાલપટ્ટી કરવી અને (3) હત્યાની અદાલતી તપાસ કરવી અને તપાસ વખતે ઑસ્ટ્રિયાના ન્યાયાધીશોને હાજર રહેવા દેવા. આ માગણીઓ 48 કલાકમાં સ્વીકારવાનું તેણે આખરીનામું પણ આપ્યું. પરિસ્થિતિ ગંભીર બનતાં, રશિયાએ જાહેર ચેતવણી આપી કે ઑસ્ટ્રિયા જો સર્વિયા ઉપર હુમલો કરશે, તો રશિયા સર્વિયાને મદદ કરશે. તે સામે જર્મનીએ ચેતવણી આપી કે ઑસ્ટ્રિયા અને સર્વિયાના ઝઘડામાં ત્રીજી સત્તા દરમિયાનગીરી કરશે તો જર્મની ઑસ્ટ્રિયાને મદદ કરશે.

યુદ્ધમોરચો ઘડવામાં વ્યસ્ત સેનાપતિઓ

આખરીનામાની મુદત પૂરી થતાં ઑસ્ટ્રિયાએ સર્વિયા સામે યુદ્ધ જાહેર કર્યું. રશિયાએ પોતાની સરહદ ઉપર લશ્કરોને તૈયાર રહેવાનો હુકમ આપતાં, જર્મનીએ રશિયા અને ફ્રાન્સ સામે યુદ્ધ જાહેર કર્યું. જર્મનીએ ફ્રાન્સ ઉપર આક્રમણ કરવા વાસ્તે તેનાં સૈન્યો બેલ્જિયમમાં થઈને મોકલવાથી બેલ્જિયમની તટસ્થતાનો ભંગ થયો. તેથી ઇંગ્લૅન્ડે જર્મની-વિરુદ્ધ લડાઈ જાહેર કરી. તે સાથે ઇંગ્લૅન્ડનાં દુનિયાનાં બધાં સંસ્થાનો  ભારત સહિત  યુદ્ધમાં જોડાયાં. આ દરમિયાન પૂર્વ એશિયામાં જાપાને પણ જર્મની સામે લડાઈ જાહેર કરી. તુર્કી કાળા સમુદ્ર પરનાં રશિયાનાં બંદરો પર તોપમારો કરીને જર્મની તથા ઑસ્ટ્રિયાના પક્ષે યુદ્ધમાં જોડાયું. ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે ‘મિત્ર રાજ્યો’ તરીકે તથા જર્મની, ઑસ્ટ્રિયા, તુર્કી વગેરે ‘ધરી રાજ્યો’ તરીકે ઓળખાયાં. થોડા સમય બાદ, ઇટાલી, પોર્ટુગલ, રુમાનિયા અને એપ્રિલ 1917માં યુનાઇટેડ સ્ટેટ્સ મિત્રરાજ્યોને પક્ષે તથા બલ્ગેરિયા જર્મનીના પક્ષે જોડાતાં યુદ્ધની જ્વાળાઓ દુનિયાના અનેક દેશોમાં પ્રસરી ગઈ, અને યુરોપની લડાઈ વિશ્વયુદ્ધમાં પરિણમી.

વિશ્વયુદ્ધના મુખ્ય બનાવો : યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ બેલ્જિયમમાં થઈને ઝડપથી કૂચ કરીને ફ્રાન્સના પૅરિસ સુધીના પ્રદેશો કબજે કર્યા; પરંતુ માર્ન નદી નજીકની લડાઈમાં ફ્રાન્સ તથા ઇંગ્લૅન્ડની સેનાઓ સામે જર્મન લશ્કર હારી જતાં તેને અટકી જવું પડ્યું અને પૅરિસ તથા ફ્રાન્સના બાકીના પ્રદેશો બચી ગયા. આરંભમાં ઑસ્ટ્રિયા રશિયા સામે ફાવ્યું નહિ, પણ જર્મનીની સહાય મળતાં બંનેની સંયુક્ત સેનાએ રશિયા અને સર્વિયાના લશ્કર પર સરસાઈ મેળવી. તુર્કસ્તાન ધરી રાજ્યોની તરફેણમાં જોડાતાં મિત્ર રાજ્યોએ ડાર્ડેનલ્સ ગુમાવ્યું; ફ્રાન્સ તથા ઇંગ્લૅન્ડનાં સૈન્યોએ ગેલીપોલી નજીકની લડાઈમાં પરાજય તથા ખુવારી વેઠવા પડ્યાં. આમ, 1915ના અંત સુધીમાં પૂર્વ અને પશ્ચિમ યુરોપના ઘણા પ્રદેશો જર્મની તથા ઑસ્ટ્રિયાએ જીતી લીધા. મિત્ર રાજ્યોના પક્ષે 1915માં યુદ્ધમાં સામેલ થયેલ ઇટાલીને પણ ઑસ્ટ્રિયાની સેનાએ હાર આપી. એશિયામાં જાપાને મિત્ર રાજ્યોના પક્ષે રહીને ચીન સમક્ષ એકવીસ માગણીઓ મૂકી, તેમાંથી મોટા ભાગની માગણીઓ ચીનને સ્વીકારવી પડી. તેનાથી જાપાનને ચીનમાં પ્રાદેશિક લાભો થયા. સમુદ્રની લડાઈઓમાં જર્મન સબમરીનો તથા યુ-બોટોએ મિત્ર રાજ્યોનાં અનેક જહાજો ડુબાડી દઈને પુષ્કળ નુકસાન કર્યું. મે 1915માં ઇંગ્લૅન્ડની લુસિટાનિયા નામની સ્ટીમર જર્મનીએ ડુબાડી દેવાથી લગભગ 1,200 પુરુષો, મહિલાઓ તથા બાળકો મરણ પામ્યાં, તેમાં સો જેટલાં અમેરિકનો હતાં. આ સિવાય ઇંગ્લૅન્ડે જર્મનીને નૌકાયુદ્ધોમાં મહાત કરીને તેના નૌકા-કાફલાનો મોટા પ્રમાણમાં નાશ કર્યો.

વિશ્વયુદ્ધ 1917માં તેના આખરી તબક્કામાં પ્રવેશ્યું. પશ્ચિમ યુરોપમાં ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ તથા ઇટાલીએ કેટલાક પ્રદેશો પાછા મેળવ્યા. જર્મનીએ વેપારી સ્ટીમરો દુશ્મન દેશો માટે શસ્ત્રો લઈ જતી હોવાનું કહીને તેમને ડુબાડવાનું ચાલુ રાખતાં યુનાઇટેડ સ્ટેટ્સે એપ્રિલ 1917માં જર્મની સામે તથા ડિસેમ્બર 1917માં ઑસ્ટ્રિયા સામે યુદ્ધ જાહેર કર્યું. તેથી મિત્ર રાજ્યોની લશ્કરી તાકાતમાં ખૂબ વધારો થયો. આ દરમિયાન રશિયામાં ક્રાંતિ થઈ, ઝારને પદભ્રષ્ટ કરીને સામ્યવાદી (બૉલ્શેવિક) સરકારની રચના કરવામાં આવી. તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું અને તેણે જર્મની સાથે સંધિ કરી. ફ્રાન્સના સેનાપતિ ફર્ડિનાન્ડ ફોશની સરદારી હેઠળ મિત્ર રાજ્યોના લશ્કરે સપ્ટેમ્બર 1917 સુધીમાં પશ્ચિમ યુરોપમાંથી જર્મનીને અને પૂર્વયુરોપમાંથી ઑસ્ટ્રિયાને પાછાં ધકેલી દીધાં. બલ્ગેરિયા, તુર્કસ્તાન, ઑસ્ટ્રિયા તથા જર્મની એક પછી એક મિત્ર રાજ્યોને શરણે ગયાં. જર્મન સમ્રાટ કૈસર હોલૅન્ડ નાસી ગયો અને 11 નવેમ્બર 1918ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આ મહાયુદ્ધમાં ટૅન્કો, સબમરીનો, આધુનિક તોપો, ઝેરી ગૅસ, વિમાનો તથા ઝડપી વાહનોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો. માનવખુવારી પણ બહુ મોટા પ્રમાણમાં થઈ.

પરિણામો : માનવખુવારી અને નુકસાન : પ્રથમ વિશ્વયુદ્ધમાં અમાપ નુકસાન થયું. આ યુદ્ધમાં મિત્ર રાજ્યોના લગભગ ચાર કરોડ તથા ધરી રાજ્યોના આશરે બે કરોડ સૈનિકોએ ભાગ લીધો. તેમાંથી અગાઉનાં સો વર્ષ દરમિયાન થયેલાં યુદ્ધોમાં માર્યા ગયેલા સૈનિકો કરતાં ઘણા વધારે  એટલે આશરે એક કરોડ સૈનિકો મરાયા અને લગભગ બે કરોડ દસ લાખ સૈનિકો ઘવાયા. આવી ભયંકર માનવખુવારી કદી કોઈ પણ યુદ્ધમાં થઈ ન હતી. વળી ભૂખમરો, રોગચાળો, ઇત્યાદિને કારણે પણ અસંખ્ય માણસો મરણ પામ્યાં.

યુદ્ધમોરચે જવા બર્લિનમાંથી કૂચ કરી રહેલા જર્મન સૈનિકો

આ યુદ્ધમાં 337 અબજ અમેરિકન ડૉલર જેટલું ખર્ચ થયું. યુરોપનાં મિત્ર રાજ્યોએ યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી એક કરોડ ડૉલરની જંગી લોન લીધી તથા પોતાના દેશના નાગરિકોને યુદ્ધ-બૉન્ડો આપીને મોટી રકમો ભેગી કરી. ધરી રાજ્યો તો આર્થિક રીતે સંપૂર્ણ ખુવાર થઈ ગયાં. તેમનું અર્થતંત્ર ભાંગી પડ્યું. આમ, આ યુદ્ધને લીધે વિજેતા તથા પરાજિત રાજ્યો દેવાદાર બન્યાં અને અર્થતંત્રને સુધારતાં તેમને વર્ષો વીતી ગયાં. યુદ્ધ પૂરું થયા પછીનાં વર્ષોમાં આવશ્યક ચીજવસ્તુઓની ભારે તંગી પેદા થઈ અને પુષ્કળ મોંઘવારી થઈ. સામાન્ય લોકોને અનેક પ્રકારની યાતનાઓ વેઠવી પડી.

સામાજિક અસરો : આ યુદ્ધને અંતે સમાજમાં નોંધપાત્ર પરિવર્તન થયું. યુવાન સૈનિકોના ઘણી મોટી સંખ્યામાં થયેલા મૃત્યુની અસર યુરોપના બધા દેશો પર પડી. લાખો સ્ત્રીઓ અને બાળકો અનાથ બન્યાં. વીસીના દાયકામાં ફ્રાન્સમાં જન્મદરમાં ઘટાડો થવાથી વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો. લાખો લોકોનાં મકાનો, ખેતરો અને કેટલાંક ગામો નાશ પામ્યાં. રાજ્યોની સરહદો તથા સરકારોમાં પરિવર્તન થવાના ફલસ્વરૂપે લાખો લોકો નિરાશ્રિતો થયા.

રાજવંશોનો અંત અને લોકશાહીની સ્થાપના : આ યુદ્ધના પરિણામે કેટલાક જૂના રાજવંશોનો અંત આવ્યો અને લોકશાહીની સ્થાપના થઈ. આ યુદ્ધના ફલસ્વરૂપે જર્મનીમાંથી હોહેન જોલર્ન રાજવંશની, ઑસ્ટ્રિયામાંથી હેપ્સબર્ગ રાજવંશની, રશિયામાંથી રૉમેનૉફ રાજવંશની તથા તુર્કસ્તાનમાંથી ખલીફાઓની સત્તાનો અંત આવ્યો. તેને બદલે રશિયામાં સામ્યવાદી શાસન, ઑસ્ટ્રિયા અને જર્મનીમાં લોકશાહી તથા તુર્કસ્તાનમાં કમાલ આતા તુર્કના નેતૃત્વ હેઠળ પ્રજાકીય સરકારની રચના થઈ. વિશ્વયુદ્ધ બાદ યુરોપના અનેક દેશોમાં લોકશાહીનો વિકાસ થયો.

નવાં રાજ્યોની રચના : પૅરિસ શાંતિ પરિષદે જર્મની તથા બીજાં હારેલાં રાજ્યો સાથે કરેલ કરારોથી યુરોપનો નકશો બદલાઈ ગયો. યુરોપમાં નવાં રાજ્યો રાષ્ટ્રીયતાના સિદ્ધાંત મુજબ રચવામાં આવ્યાં. રશિયામાંથી ફિનલૅન્ડ અને લિથુઆનિયા, લેટવિયા, ઇસ્થોનિયા ઇત્યાદિ સ્વતંત્ર રાજ્યો રચવામાં આવ્યાં. સર્વિયા સાથે બોસ્નિયા અને હર્ઝગોવિના જોડીને યુગોસ્લાવિયાનું નવું રાજ્ય રચવામાં આવ્યું. ચેકોસ્લોવૅકિયા, હંગેરી તથા પોલૅન્ડનાં પણ નવાં રાજ્યો સ્થાપવામાં આવ્યાં. આ રાજ્યોની રચનામાં રાષ્ટ્રીયતા, ભાષા, જાતિ, ધર્મ વગેરેની સમાનતાનો પાયાની બાબતો તરીકે સ્વીકાર કરવામાં આવ્યો.

સરમુખત્યારશાહીનો ઉદય : યુરોપના કેટલાક દેશો પોતાની યુદ્ધોત્તર સમસ્યાઓના ઉકેલ શોધવામાં નિષ્ફળ જવાથી, ત્યાં એક જ પક્ષનું શાસન અથવા એક વ્યક્તિની સરમુખત્યારશાહી સ્થપાઈ. જર્મનીમાં નાઝીવાદી પક્ષનો નેતા ઍડોલ્ફ હિટલર, ઇટાલીમાં ફાસીવાદી પક્ષનો આગેવાન બેનિટો મુસોલિની, સ્પેનમાં જનરલ ફ્રાંકો તથા સોવિયેત રશિયામાં બૉલ્શેવિક પક્ષનો વડો સ્તાલિન સરમુખત્યાર બન્યા. આ ઉપરાંત પોલૅન્ડ, યુગોસ્લાવિયા, ઑસ્ટ્રિયા વગેરે દેશોમાં પણ સરમુખત્યારશાહી સ્થપાઈ. જાપાનમાં પણ લશ્કરી સરમુખત્યારશાહીએ વહીવટી તંત્ર પર અંકુશ જમાવ્યો. આથી યુરોપમાં ફરી વાર, નિ:શસ્ત્રીકરણની ચર્ચાઓ કરવા છતાં, લશ્કરીકરણ થયું. જર્મની, ઇટાલી, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સોવિયેત રશિયા વગેરે દેશોએ પોતાનાં લશ્કરો વધાર્યાં. ઇંગ્લૅન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન વચ્ચે નૌકાશક્તિ વધારવાની પણ સ્પર્ધા થઈ.

ફૉકલૅન્ડ ટાપુ પાસે બૉમ્બવર્ષાથી આગમાં લપેટાયેલું એક જહાજ

રાષ્ટ્રસંઘની સ્થાપના : આ મહાવિનાશક વિશ્વયુદ્ધ બાદ દુનિયાના દેશોમાં શાંતિ જાળવવા, એકબીજાના મતભેદોનો શાંતિપૂર્વક ઉકેલ શોધવા અને વિશ્વબંધુત્વની ભાવનાનો ફેલાવો કરવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની આવશ્યકતા જણાઈ. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ વુડ્રો વિલ્સને પણ આ માટે આગ્રહ રાખ્યો. તેથી પૅરિસની શાંતિ પરિષદે એપ્રિલ 1919માં લીગ ઑવ્ નેશન્સ  રાષ્ટ્રસંઘની સ્થાપના કરી.

પૅરિસ શાંતિ પરિષદ અને સંધિઓ : વિજેતા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ હારેલાં રાષ્ટ્રો માટે સંધિની શરતો નક્કી કરવા વાસ્તે જાન્યુઆરી 1919માં પૅરિસમાં ભેગા થયા. તેમાં યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ વુડ્રો વિલ્સન, ઇંગ્લૅન્ડના વડાપ્રધાન ડેવિડ લૉઇડ જ્યૉર્જ, ફ્રાન્સના વડાપ્રધાન જ્યૉર્જિસ ક્લેમેન્શો તથા ઇટાલીના વડાપ્રધાન વિટોરિયો ઑર્લેન્ડો સહિત 32 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ હતા; પરંતુ નિર્ણયો યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને ઇટાલીના વડાઓએ કર્યા હતા. જર્મની તથા અન્ય પરાજિત રાષ્ટ્રોને આ પરિષદમાં વિજેતાઓ નક્કી કરે તેવી સંધિઓ ઉપર માત્ર સહીઓ કરવા વાસ્તે જ બોલાવવામાં આવ્યા હતા. યુરોપનાં મિત્રરાજ્યોએ અમેરિકા કરતાં ઘણું વધારે નુકસાન વેઠ્યું હતું અને તેનો બદલો મેળવવા ઉત્સુક હતા. મે 1919માં શાંતિ પરિષદે સંધિની શરતો તૈયાર કરીને જર્મની સમક્ષ રજૂ કરી. મિત્રરાજ્યોએ આક્રમણ કરવાની ધમકી આપ્યા પછી જ જર્મનીના પ્રતિનિધિઓએ સહી કરી. 28 જૂન 1919ના રોજ જર્મની સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. તે ઉપરાંત ઑસ્ટ્રિયા સાથે સેન્ટ જર્મેનની સંધિ, બલ્ગેરિયા સાથે ન્યૂલીની સંધિ, હંગેરી સાથે ટ્રીયાનોની સંધિ તથા તુર્કસ્તાન સાથે સેવ્રેની સંધિ કરવામાં આવી.

સમાપન : ઉપર્યુક્ત સંધિઓ અને ખાસ કરીને જર્મની સાથેની વર્સેલ્સની સંધિ ઘણી અન્યાયકર્તા હતી. વર્સેલ્સની સંધિએ જર્મનીને આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યું. તેમાંથી જર્મનીમાં વેરભાવના પ્રજ્વલિત થઈ. તેથી વર્સેલ્સની સંધિએ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બીજ વાવ્યાં એમ કહી શકાય. જર્મનીના કેટલાક પ્રદેશો તથા દરિયાપારનાં સંસ્થાનો મિત્રરાજ્યોએ વહેંચી લીધાં. તેના પર ભારે યુદ્ધદંડ નાખવામાં આવ્યો તથા તેણે મિત્રરાજ્યોને ભરવાના વાર્ષિક હપતા નક્કી કરવામાં આવ્યા. ઑસ્ટ્રિયાનું વિભાજન કરવામાં આવ્યું. હંગેરીને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવામાં આવ્યું. બોસ્નિયા, હર્ઝગોવિના અને સર્વિયાનું યુગોસ્લાવિયા નામનું સ્વતંત્ર રાજ્ય બનાવવામાં આવ્યું. તુર્કસ્તાનને પોતાની તળભૂમિ સિવાયનું લગભગ આખું સામ્રાજ્ય ગુમાવવું પડ્યું. હંગેરીએ પણ તેના ઘણા પ્રદેશો ગુમાવવા પડ્યા.

જયકુમાર ર. શુક્લ