વિશિષ્ટ દાદનો કાયદો : સમન્યાય(equity)ના સિદ્ધાંત હેઠળ વિશિષ્ટ દાદ માગવા અંગેનો કાયદો.

વિશિષ્ટ દાદ એ સમન્યાયનો એક પ્રકાર છે. તે બદલ ભારતમાં છેલ્લો કાયદો 1963થી અમલમાં આવ્યો છે.

આ કાયદા મુજબ નીચે મુજબની વિશિષ્ટ દાદ આપવાની જોગવાઈ કરવામાં આવી છે :

(1) સ્થાવર કે જંગમ મિલકતનો કબજો મેળવવા માટેની વિશિષ્ટ દાદ.

(2) કરારના વિશિષ્ટ પાલનની અને નુકસાનવળતર મેળવવા માટેની વિશિષ્ટ દાદ.

(3) ખત કે દસ્તાવેજની સુધારણા (rectification) કરવાની વિશિષ્ટ દાદ.

(4) કરાર કે દસ્તાવેજના રદ્દીકરણ (rescission) માટેની વિશિષ્ટ દાદ.

(5) દસ્તાવેજના વિલોપન (cancellation) માટેની વિશિષ્ટ દાદ.

(6) મનાઈહુકમ (injunctions) આપવાની વિશિષ્ટ દાદ.

1. સ્થાવર કે જંગમ મિલકતના કબજા બાબતની વિશિષ્ટ દાદ : કોઈ ચોક્કસ સ્થાવર મિલકત પર હક્ક ધરાવનાર વ્યક્તિ દીવાની કાર્યરીતિ સંહિતામાં દર્શાવેલી જોગવાઈ મુજબ તેનો કબજો મેળવી શકે, અને તેમાં સ્થાવર મિલકત પરનો હક્ક સાબિત કરવો પડે. તેવો હક્ક વેચાણ દસ્તાવેજથી, ગીરો દસ્તાવેજથી, બક્ષિસના દસ્તાવેજથી કે અગાઉ ઘણાં વર્ષો સુધી ભોગવેલા કબજાના પુરાવા પરથી સાબિત કરી શકાય. એ દાવો હક્કસ્થાપનનો અને કબજા માટેનો દાવો હોય છે.

પણ કોઈ વ્યક્તિ પાસેથી તેની સંમતિ વિના અને કાયદાની કાર્યવાહી કર્યા વિના સ્થાવર મિલકતનો કબજો પડાવી લેવામાં આવ્યો હોય તો તે છ માસની અંદર, 1963ના વિશિષ્ટ દાદ અધિનિયમની કલમ 6 મુજબ દાવો કરી તે કબજો પરત મેળવી શકે. આવા દાવામાં વાદીએ પોતાનો માલિકીહક્ક સાબિત કરવો પડતો નથી, માત્ર એટલું જ સાબિત કરવું પડે છે કે મિલકતનો કબજો તેની પાસે હતો અને તેની સંમતિ વિના બળજબરીથી એ કબજો પડાવી લેવામાં આવ્યો હતો. પ્રતિવાદીનો પોતાના માલિકીહક્ક અંગેનો બચાવ ચાલી શકતો નથી. આવા દાવામાં મિલકતના કબજાનું પુન:સ્થાપન કરવાનો જે આદેશ થાય તેની સામે અપીલ થઈ શકતી નથી. પ્રતિવાદી પાસે જો માલિકીહક્કનો પુરાવો હોય તો તે પુરાવાના આધારે મિલકતનો કબજો કાયદેસર રીતે મેળવવા દાવો કરી શકે છે.

જંગમ મિલકત પર માલિકીહક્ક ધરાવનાર વ્યક્તિ દીવાની કાર્યરીતિ સંહિતાની જોગવાઈઓ મુજબ કબજો મેળવવા માટેનો દાવો કરી શકે છે, પણ તે વસ્તુનો માલિકીહક્ક ન ધરાવનાર વ્યક્તિ જો વાદીના એજન્ટ કે ટ્રસ્ટી તરીકે વસ્તુનો કબજો ધરાવતી હોય, અથવા વસ્તુના બદલામાં યોગ્ય નાણાકીય વળતર આપી શકાય એમ ન હોય, અથવા ચોક્કસ વળતર નક્કી કરવું મુશ્કેલ હોય, અથવા વાદી પાસેથી ગેરકાયદેસર રીતે કબજો લઈ લેવામાં આવ્યો હોય, તો તે વ્યક્તિ વસ્તુનો કબજો વાદીને સોંપી દેવા જવાબદાર બને છે.

2. કરાર બાબતની વિશિષ્ટ દાદ : કરારપાલન અને કરારભંગ માટેના વળતરનો કાયદો ભારતીય કરારનો કાયદો, 1872 છે. કરારભંગની ફરિયાદ કરનાર વાદી તે બદલ વળતરનો દાવો કરે તો તેનો નિકાલ કરારના કાયદા મુજબ થાય છે; પણ આવું વળતર નક્કી કરવા માટે કોઈ ચોક્કસ ધોરણ કે માપદંડ ન હોય, અથવા નાણાકીય વળતરથી યોગ્ય દાદ મળી શકે એમ ન હોય, તો અદાલત પોતાના વિવેકનો ઉપયોગ કરી કરારની શરતોનું વિશિષ્ટ પાલન કરવાનો હુકમ કરી શકે; જેમ કે, સ્થાવર મિલકતના વેચાણ માટે કરાર કરવામાં આવ્યો હોય, અથવા વાદી માટે ખાસ મૂલ્ય ધરાવતી જંગમ વસ્તુ કે અસાધારણ વસ્તુના વેચાણ માટે કરાર કરવામાં આવ્યો હોય, અથવા પ્રતિવાદી પાસે વસ્તુનો કબજો વાદીના એજન્ટ કે ટ્રસ્ટી તરીકે હોય, તો કરારના વિશિષ્ટ પાલન માટેનો હુકમ કરી શકાય; કારણ ઉચિત નાણાકીય વળતર નક્કી ન થઈ શકે.

કરારના એકાદ અંશનું જ વિશિષ્ટ પાલન કરવાનો આદેશ અદાલત કરશે નહિ. પણ એ અંશ બાકીના કરારથી તદ્દન અલગ અને સ્વતંત્ર પાયા પર આધારિત હોય અને બાકીના અંશ બદલ નાણાકીય વળતર આપી શકાય એમ હોય તો અદાલત વિશિષ્ટ પાલન માટે તેમજ નાણાકીય વળતર આપવા માટેનો આદેશ કરી શકે.

સ્થાવર મિલકત અંગે માલિકીહક્ક ન ધરાવનાર કે અપૂર્ણ માલિકીહક્ક ધરાવનાર વ્યક્તિ એ મિલકત વેચવાનો કે ભાડે આપવાનો કરાર કરે, તો તેવા દાવાનું વિશિષ્ટ પાલન ન થઈ શકે, પણ પ્રતિવાદીને પોતે ચૂકવેલાં નાણાં વ્યાજ સાથે અને દાવાના ખર્ચ સાથે પરત મેળવવાનો હક્ક છે. જો કરાર કર્યા પછી વેચાણ કે ભાડે આપનાર વ્યક્તિને એ મિલકતમાં હક્ક પ્રાપ્ત થાય તો ખરીદનાર કે ભાડે લેનાર વ્યક્તિ કરારનું વિશિષ્ટ પાલન કરાવી શકે.

જેનું વિશિષ્ટ પાલન થઈ શકે નહિ એવા કરારો :

(1) કરારભંગ બદલ નાણાકીય વળતર એ જ ઉચિત દાદ જણાય; દા.ત., ખાનગી નોકરીનો અંત લાવવામાં આવે ત્યારે ચૂકવવાપાત્ર વળતર.

(2) કરાર અનેક ઝીણી વિગતોવાળો હોય, અથવા પક્ષકારોની વ્યક્તિગત લાયકાત પર અથવા ઇચ્છા પર આધારિત હોય, અથવા એવા પ્રકારનો હોય કે જેનું વિશિષ્ટ પાલન ન થઈ શકે; દા.ત., સંગીતકાર પાસે કાર્યક્રમનો અમલ કરાવવો હોય.

(3) કરાર એવા પ્રકારનો હોય કે માત્ર સૂચના દ્વારા એનો અંત આણી શકાય.

(4) કરારપાલનમાં એવી ફરજનું સતત પાલન કરવું પડતું હોય કે જેના પર અદાલત દેખરેખ ન રાખી શકે.

(5) પક્ષકારો વચ્ચેના ચાલુ મતભેદો કે ભવિષ્યની તકરારો લવાદીમાં સોંપવાનો કરાર.

આમ છતાં નીચેના કિસ્સાઓમાં અદાલત કરારનું વિશિષ્ટ પાલન કરાવી શકે :

(1) નાણાં ઊછીનાં લેનાર વ્યક્તિ એ પરત ચૂકવવા તૈયાર ન હોય તો તેણે ગીરો-ખત કરી આપવું અથવા તારણ કે જામીનગીરી લખી આપવી એવો આદેશ કરી શકે.

(2) પક્ષકારો ભાગીદારીમાં ધંધો કરવાનું શરૂ કરે તે પછી ભાગીદારીનો દસ્તાવેજ કરી આપવાનો આદેશ થઈ શકે.

(3) જમીન પર બાંધકામ કરવાનો કરાર હોય, અને કરારભંગથી થતા નુકસાનનું વળતર અપાવતાં યોગ્ય બદલો વળી શકે એમ ન હોય અથવા કરારના આધારે પ્રતિવાદીએ જમીનનો કબજો મેળવ્યો હોય, તો બાંધકામ કરવાના કરારનું વિશિષ્ટ પાલન કરાવી શકે.

કરારના વિશિષ્ટ પાલનની દાદ નીચેની વ્યક્તિઓને મળી શકે :

(1) કરારના પક્ષકાર.

(2) પક્ષકારના હિતના પ્રતિનિધિ (પણ જો કરારમાં પક્ષકારની વિદ્વત્તા, કૌશલ્ય કે કોઈ અંગત ગુણવત્તા મહત્વનું તત્વ હોય તો તેનો પ્રતિનિધિ વિશિષ્ટ પાલન ન માગી શકે.).

(3) જે કરારમાં લગ્નના નિમિત્તે શુભેચ્છા-પ્રદાન આપવામાં આવ્યું હોય, અથવા એક જ કુટુંબના સભ્યો વચ્ચે તકરારી બાબતોનું સમાધાન નોંધવામાં આવ્યું હોય, તો જે વ્યક્તિ તેનો લાભ મેળવવા હક્કદાર હોય તે.

(4) પોતાના જીવનકાળ પૂરતા ભાડૂત બનેલી વ્યક્તિએ પોતાના અધિકારની રૂએ કરાર કર્યો હોય તો શેષ હક્કદાર.

(5) કોઈ વ્યક્તિએ કોઈ મિલકત બાબતમાં કોઈ કરાર કર્યો હોય તો તેનો લાભ મેળવવા હક્કદાર હોય એવો પ્રત્યાવર્તનાધિકારી (Reversioner-in-possession).

(6) એવા કરારમાં શેષાધિકારમાં પ્રત્યાવર્તનાધિકારી (Reversioner-in-remainder), લાભ મેળવવા હક્કદાર હોય અને કરારભંગના કારણે એને મહત્વનું નુકસાન થાય એમ હોય તો એ પ્રત્યાવર્તનાધિકારી.

(7) એક કંપની કરાર કર્યા પછી બીજી કંપની સાથે જોડાણ (amalgamation) કરે તો ઊભી થતી નવી કંપની.

(8) કંપનીની સ્થાપના પહેલાં કંપનીના પ્રયોજકોએ કંપનીના ઉદ્દેશો માટે કરાર કર્યો હોય, અને તે કરારનો ઉલ્લેખ કંપનીના મેમોરૅન્ડમમાં કરવામાં આવે, તે પછી કંપની પોતાના સ્વીકારની જાણ સામા પક્ષકારને કરે તો કંપની, કરારના વિશિષ્ટ પાલનની દાદ માગી શકે.

નીચે પ્રમાણેની વ્યક્તિઓ કરારનું વિશિષ્ટ પાલન ન કરાવી શકે :

(1) જે કરારભંગ માટેનું વળતર મેળવવા હક્કદાર ન હોય,

(2) જે કરાર હેઠળની પોતાની ફરજ કે જવાબદારી પાર પાડવા અશક્ત બની ગઈ હોય અથવા કરારની આવશ્યક શરતનો ભંગ કરતી હોય, અથવા કરારના પાલનમાં દગો કરતી હોય, અથવા કરારથી જે સંબંધ સ્થાપિત કરવાનો હોય તેનાથી તદ્દન ઊલટી રીતે ઇરાદાપૂર્વક વર્તતી હોય.

(3) જે પોતાના દાવામાં એવું કહેવામાં કે સાબિત કરવામાં નિષ્ફળ જાય કે તેણે કરાર હેઠળની પોતાની આવશ્યક જવાબદારી પૂરી કરી છે અથવા હંમેશ પૂરી કરવા તૈયાર છે (દાવા અરજમાં તેમ કહેવું જરૂરી છે.).

ટૂંકમાં જે વ્યક્તિ અદાલત પાસે સમન્યાય(equity)ની આશા રાખે છે તેણે જાતે સમન્યાયનું આચરણ કરવું આવશ્યક છે.

જે વ્યક્તિ સ્થાવર મિલકત પર હક્ક ધરાવતી નહિ હોવા છતાં અજ્ઞાનથી કે ઇરાદાપૂર્વક એ મિલકત વેચવાનો કે ભાડે આપવાનો કરાર કરે તો તે કરારથી ખરીદનાર કે ભાડૂત બનતા પક્ષકાર પાસે કરારની શરતોનું પાલન ન કરાવી શકે.

કરારમાં ફેરફાર : લેખિત કરારનું વિશિષ્ટ પાલન કરાવવા માટેના દાવામાં જો પ્રતિવાદી એવો બચાવ કરે કે કરારમાં ફેરફાર થયો છે, તો નીચેના સંજોગોમાં વાદી એવા ફેરફાર વિનાના કરારનો અમલ ન કરાવી શકે :

(1) દગો, ભૂલ કે ગેરરજૂઆતના કારણસર પક્ષકારોની કબૂલાત કરતાં જુદા પ્રકારની શરતો એમાં દર્શાવી હોય.

(2) પક્ષકારો જે પરિણામ લાવવા માગતા હતા તેવું પરિણામ કરારથી આવી શકે એમ ન હોય.

(3) કરાર કર્યા પછી પક્ષકારોએ એમાં ફેરફાર કર્યો હોય.

કરારનું વિશિષ્ટ પાલન નીચેની વ્યક્તિઓ સામે કરાવી શકાય :

(1) કરારના પક્ષકાર સામે.

(2) તેની પાસેથી મિલકત ખરીદનાર સામે.

(3) મિલકત પર કરારથી અગાઉ હક્ક કરનાર વ્યક્તિને પ્રતિવાદીએ પદભ્રષ્ટ કરી હોય તો તેની સામે.

(4) કરાર કર્યા પછી કંપની બીજી કંપની સાથે જોડાઈ જાય તો તેને કારણે અસ્તિત્વમાં આવતી નવી કંપની સામે.

(5) કંપનીની સ્થાપના પહેલાં કંપનીના પ્રયોજકોએ કંપનીના હેતુ માટે કરાર કર્યો હોય અને કંપનીની રચના થયા પછી કંપની તેનો સ્વીકાર કરી કરારના સામા પક્ષકારને જાણ કરે તો તે કંપની સામે.

કરારના વિશિષ્ટ પાલન બાબતમાં અદાલતની હકૂમત :

કરારનું વિશિષ્ટ પાલન કરાવવાની બાબત અદાલતની વિવેકબુદ્ધિને અધીન છે, ફરજિયાત નથી. પણ વિવેકબુદ્ધિ આપખુદ કે સ્વચ્છંદી ન હોવી જોઈએ; વાજબી, મજબૂત પાયા પર આધારિત ન્યાયના સિદ્ધાંતોથી પ્રેરાયેલી અને ઉપરની અદાલત સુધારી શકે એવી હોવી જોઈએ.

અદાલત નીચેના કિસ્સાઓમાં કરારપાલન કરાવવાનું વિવેકપૂર્ણ નહિ ગણે :

(1) કરારની શરતો, કરાર કરતી વખતે પક્ષકારોની વર્તણૂક, અને કરાર કરતી વખતના સંજોગો એવા હોય કે વાદીને પ્રતિવાદી ઉપર અન્યાયજનક લાભ મળે એમ હોય.

(2) કરારનું પાલન કરાવવાના પરિણામે પ્રતિવાદીને ન ધારેલી હાડમારી ભોગવવી પડતી હોય, પણ પાલન ન કરવાના પરિણામે વાદીને કોઈ હાડમારી ભોગવવી પડે એમ ન હોય.

(3) પ્રતિવાદીએ એવા સંજોગોમાં કરાર કર્યો હોય કે તેનું વિશિષ્ટ પાલન અન્યાયજનક હોય.

કરારનું પાલન કરતાં વાદીએ પોતે નક્કર પગલાં ભર્યાં હોય અથવા ખોટ સહન કરી હોય તો અદાલત પ્રતિવાદી પાસે કરારનું પાલન કરાવવા માટે પોતાની વિવેકબુદ્ધિ ચોક્કસ વાપરશે.

નુકસાન વળતર :

(1) કરારના વિશિષ્ટ પાલન માટેના દાવામાં વાદી કરારભંગ માટેના નુકસાનવળતરની માગણી કરી શકે; (2) જો અદાલત વિશિષ્ટ પાલન કરાવવા તૈયાર ન હોય તો પ્રતિવાદીના કરારભંગ બદલ વાદીને નુકસાનવળતર અપાવી શકે; (3) આવા દાવામાં અદાલતને એમ લાગે કે કરારનું વિશિષ્ટ પાલન કરાવતાં પણ પૂરતો ન્યાય થાય એમ નથી તો અદાલત વળતર આપવાનો પણ આદેશ કરી શકશે; પણ જ્યાં સુધી મૂળ દાવાઅરજમાં કે સુધારેલી દાવાઅરજમાં નુકસાનવળતરની માગણી કરવામાં ન આવે ત્યાં સુધી અદાલત નુકસાનવળતર અપાવી નહિ શકે.

અન્ય દાદ : સ્થાવર મિલકતની ફેરબદલીના કરારના વિશિષ્ટ પાલન માટેના દાવામાં વાદી મિલકતના કબજા કે વહેંચણીની માગણી કરી શકે, તેમજ વૈકલ્પિક રીતે જો વિશિષ્ટ પાલન નામંજૂર થાય તો પોતે આવી બહાનાની રકમ કે ડિપૉઝિટ પાછી માગી શકે; પણ જ્યાં સુધી આવી માગણી મૂળ દાવાઅરજમાં કે સુધારેલી દાવાઅરજીમાં કરવામાં ન આવી હોય ત્યાં સુધી અદાલત એવી દાદ અપાવી શકતી નથી. કરારભંગ કરનાર વ્યક્તિ અમુક ચોક્કસ રકમ આપવા જવાબદાર થશે એવો ઉલ્લેખ કરારમાં હોય તોપણ અદાલત કરારની શરતો અને સંજોગો વિચારીને કરારના વિશિષ્ટ પાલનનો આદેશ કરી શકે.

કરારના વિશિષ્ટ પાલનનો દાવો રદ થાય તો કરારભંગના નુકસાન-વળતરનો દાવો વાદી કરી શકે નહિ.

3. દસ્તાવેજની સુધારણા : દગાના કારણે કે પક્ષકારોની પરસ્પર ભૂલના કારણે લેખિત કરાર કે દસ્તાવેજ પક્ષકારોનો સાચો ઇરાદો વ્યક્ત ન કરતો હોય, તો (અ) કોઈ પણ પક્ષકાર અથવા એનો પ્રતિનિધિ એ દસ્તાવેજ સુધારવા માટે દાવો કરી શકે, (બ) આવા દસ્તાવેજ પરથી કરેલા દાવામાં દસ્તાવેજને સુધારવાની માગણી કરી શકે, (ક) પ્રતિવાદી પણ આવા દાવામાં પોતાના બચાવમાં દસ્તાવેજ સુધારવાની માગણી કરી શકે.

આ જોગવાઈમાં કંપનીના આર્ટિકલ્સ ઑવ્ એસોસિયેશનનો સમાવેશ થતો નથી.

ત્રાહિત વ્યક્તિએ શુદ્ધ દાનતથી અને મૂલ્ય ચૂકવીને સ્થાવર મિલકત અંગેના હક્ક પ્રાપ્ત કર્યા હોય તો તે હક્કોને હાનિ ન પહોંચે એ રીતે અદાલત દસ્તાવેજની સુધારણાનો આદેશ આપી શકે. મૂળ દાવાઅરજીમાં કે સુધારેલી દાવાઅરજીમાં દસ્તાવેજ સુધારવાની માગ કરવામાં ન આવી હોય તો તેવી દાદ ન આપી શકાય.

4. લેખિત કરારનું રદ્દીકરણ : કરારમાં હિત ધરાવતી કોઈ પણ વ્યક્તિ કરાર રદ કરાવવા દાવો કરી શકે, અને અદાલત નીચે જણાવેલા બે કિસ્સાઓમાં કરારને રદ થયેલો જાહેર કરશે :

(1) કરારને સામા પક્ષકારની બળજબરી, દગો, ગેરરજૂઆત વગેરે કારણોસર વાદી રદ કરી શકે તેમ હોય.

(2) કરાર જોતાં જણાઈ ન આવે એવાં કારણસર કરાર ગેરકાયદેસર હોય અને તેવો કરાર કરવા બદલ વાદી કરતાં પ્રતિવાદી વધારે જવાબદાર હોય.

પણ નીચેના સંજોગોમાં અદાલત કરારને રદ કરાવવાની ના પાડશે :

(1) વાદીએ વ્યક્ત કે ગર્ભિત રીતે કરારને અનુમોદન આપ્યું હોય.

(2) કરાર થયા પછી સંજોગોમાં એવો ફેરફાર થયો હોય કે પક્ષકારોને કરાર વખતની સ્થિતિમાં પુન:સ્થાપિત કરી શકાય તેમ ન હોય.

(3) કરાર ચાલુ હોય તે દરમિયાન ત્રાહિત વ્યક્તિઓએ શુદ્ધ દાનતથી કિંમત આપીને એ કરાર વિશેની જાણ વિના કરારના વિષયવસ્તુ બાબતમાં હક્ક પ્રાપ્ત કર્યા હોય.

(4) કરારનો એક ભાગ જ રદ કરવાની માગણી હોય અને એ ભાગ બાકીના ભાગથી જુદો પડી શકે એમ ન હોય.

સ્થાવર મિલકત વેચવા કે ભાડે આપવાના કરારના વિશિષ્ટ પાલન માટેનું હુકમનામું થયા પછી એ કરાર રદ કરાવવાનો હુકમ થઈ શકે ?

સ્થાવર મિલકત વેચાણ કે ભાડે આપવાના કરારના વિશિષ્ટ પાલન માટેના દાવામાં હુકમનામું થાય તે પછી ખરીદનાર કે ભાડે રાખનાર વ્યક્તિ હુકમનામામાં દર્શાવેલ મુદતમાં ખરીદ કિંમત કે બીજી રકમ અદાલતના આદેશ મુજબ ભરે નહિ, તો વેચાણ આપનાર કે ભાડે આપનાર વ્યક્તિ તે જ દાવામાં કરાર રદ કરાવવા માટે અરજી કરી શકે અને અદાલત કસૂર કરનાર પક્ષકાર સામે કરારને રદ કરવાનો હુકમ કરી શકે. આ રીતે કરાર રદ કરવામાં આવે તો અદાલત ખરીદનાર કે ભાડે રાખનાર પાસેથી મિલકતનો કબજો વેચનારને કે ભાડે આપનારને પરત અપાવી શકે, તેમજ તે મિલકતમાંથી ઉદ્ભવતા ભાડાની અને નફાની રકમ પણ અપાવી શકે, અને ન્યાયના હિતમાં યોગ્ય લાગે તો ખરીદનાર કે ભાડે રાખનારને બહાનાની રકમ કે ડિપૉઝિટની રકમ પાછી અપાવી શકે; પરંતુ જો ખરીદનાર કે ભાડે રાખનાર અદાલતના આદેશ મુજબ પૈસા ચૂકવી દે તો તે જ દાવામાં અદાલત યોગ્ય વેચાણખત કે ભાડાપટો કરવાનો હુકમ કરી દેશે અને એવો દસ્તાવેજ થતાં મિલકતનો કબજો કે વહેંચણી કરીને મિલકત સોંપી દેવાની દાદ આપી શકશે. આ બધી દાદ માટે અલગ દાવો થઈ શકશે નહિ.

કરારના વિશિષ્ટ પાલન માટે દાવો કરનાર વ્યક્તિ એવી વૈકલ્પિક દાદ માગી શકશે કે જો વિશિષ્ટ પાલન કરાવી ન શકાય તો કરારને રદ કરવામાં આવે. જો અદાલત વિશિષ્ટ પાલન કરાવવાની ના પાડે તો કરારને રદ કરવાનો હુકમ કરશે. કરાર રદ કરતી વખતે અદાલત વાદીને જે લાભ થયેલો હોય તે પરત ચૂકવવાનો અને ન્યાયપૂર્ણ જણાય એટલું વળતર ચૂકવવાનો આદેશ કરી શકે.

5. દસ્તાવેજોનું રદ્દીકરણ (cancellation of an instrument) : સંમતિ દૂષિત થવાના કારણે એટલે કે બળજબરી, દગા, ગેરરજૂઆત કે અયોગ્ય લાગવગ જેવાં પરિબળોના કારણે અથવા ભૂલના કારણે તેનો ભોગ બનેલ વ્યક્તિ દસ્તાવેજને રદ કરી શકે અથવા રદબાતલ જાહેર કરી શકે એમ હોય અને એને ડર હોય કે એ દસ્તાવેજ અસ્તિત્વમાં રહે તો તે ભવિષ્યમાં એને ગંભીર નુકસાન કરશે, તો તે એ દસ્તાવેજને રદબાતલ ઠરાવવા અથવા રદ કરવા પાત્ર ઠરાવવા દાવો કરી શકશે, અને અદાલત પોતાની વિવેકબુદ્ધિ વાપરી તેમ ઠરાવી દસ્તાવેજનું રદ્દીકરણ કરવા અને વાદીને સોંપી દેવાનો આદેશ કરશે. જો દસ્તાવેજ ભારતીય નોંધણી અધિનિયમ, 1908 હેઠળ નોંધાયેલો હોય તો અદાલત એવા આદેશ કે હુકમનામાની એક નકલ નોંધણી અધિકારીને પોતાના નોંધણીપત્રકમાં રદ્દીકરણની હકીકત નોંધવા મોકલશે.

દસ્તાવેજના રદ્દીકરણનો નિર્ણય કરતી વખતે, અદાલત વાદીને સામા પક્ષકાર પાસેથી જે લાભ મળી ગયેલો હોય તે પરત અપાવવાનો અને ન્યાયના હિતમાં વળતર અપાવવા યોગ્ય હોય તો એવું વળતર અપાવવાનો પણ આદેશ કરશે.

જો દસ્તાવેજના રદ્દીકરણનો દાવો નિષ્ફળ જવાનો હોય, છતાં

(1) પ્રતિવાદીએ એવા દસ્તાવેજ હેઠળ વાદી પાસેથી કોઈ લાભ મેળવેલો હોય તો તે લાભ પરત આપવા અથવા તેનું વળતર ચૂકવવાનો આદેશ તેની સામે થઈ શકે.

(2) જો પ્રતિવાદી કરાર કરવા અસમર્થ હોવાના કારણે કરાર મૂળથી જ રદબાતલ હોય તો તેણે એવા કરાર હેઠળ મેળવેલ લાભને તેની મિલકતમાંથી વસૂલ કરી પરત અપાવવાનો આદેશ થઈ શકે.

હક્કસ્થાપન માટેના દાવા :

કોઈ વ્યક્તિ કોઈ કાયદેસરના પદ કે સ્થાનનો હક્કદાર હોય અથવા કોઈ મિલકત પર હક્ક ધરાવતી હોય, પણ તેના હક્કનો ઇનકાર કરવામાં આવે તો તે ઇનકાર કરનાર વ્યક્તિ સામે પોતાના હક્કનું પ્રતિપાદન કરવા માટે દાવો કરી શકે. એવા હક્કસ્થાપનના દાવામાં અન્ય કોઈ દાદ માગવાની આવશ્યકતા નથી, પણ એવી વધારાની દાદ માગવા વાદી શક્તિમાન હોવા છતાં માગે નહિ તો અદાલત માત્ર હક્કસ્થાપનની જાહેરાત કરવા પણ ઇનકાર કરશે; કારણ માત્ર હક્કસ્થાપનના હુકમનામું કરવાથી કોઈ અર્થ સરશે નહિ.

6. મનાઈહુકમ વિશે (injunctions) : મનાઈહુકમ બે પ્રકારના હોય છે : (1) કામચલાઉ, અથવા (2) કાયમી. કામચલાઉ મનાઈહુકમ અમુક ચોક્કસ સમય સુધી અથવા અદાલત બીજો હુકમ ન કરે ત્યાં સુધી ચાલુ રહે છે. કાયમી મનાઈહુકમ દાવાની સુનાવણી પછી ગુણદોષ પરથી હુકમનામું કરી આપી શકાય છે, અને આવા મનાઈહુકમથી વાદીના હક્કોથી વિરુદ્ધ હોય એવા હક્કનું પ્રતિપાદન કરતાં કે એવું કૃત્ય કરતાં પ્રતિવાદીને કાયમ માટે અટકાવવામાં આવે છે. વાદી પ્રત્યેની જવાબદારીનો ભંગ કરતાં પ્રતિવાદીને અટકાવવા આવો મનાઈહુકમ આપી શકાય છે. જો જવાબદારી આવા કરારમાંથી ઊભી થતી હોય તો કરારના વિશિષ્ટ પાલન અંગેની જોગવાઈઓ અનુસાર અદાલત વર્તી શકશે. જો પ્રતિવાદી વાદીના મિલકત ભોગવવાના હક્ક પર અતિક્રમણ કરે કે કરવાની ધમકી આપે તો નીચે પ્રમાણેના કિસ્સાઓમાં કાયમી મનાઈહુકમ આપી શકાય : (1) પ્રતિવાદી વાદીના મિલકતનો ટ્રસ્ટી હોય, (2) આવા અતિક્રમણથી જે નુકસાન થયું હોય કે થવાનો સંભવ હોય તેનું મૂલ્ય નક્કી કરવાનો માપદંડ ન હોય, (3) અતિક્રમણ એવું હોય કે નાણાકીય વળતરથી ઉચિત દાદ મળી શકે એમ ન હોય, (4) અનેક ન્યાયિક કાર્યવાહીઓ થતી અટકાવવા માટે મનાઈહુકમ આપવો જરૂરી હોય.

જવાબદારીનો ભંગ થતાં અટકાવવા માટે પ્રતિવાદી પાસે અમુક કૃત્યો કરાવવાની આવશ્યકતા હોય તો પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી અદાલત જવાબદારીનો ભંગ થતાં અટકાવવાનો તેમજ આવશ્યક કૃત્યો કરવાનો આદેશાત્મક મનાઈહુકમ આપી શકે.

કાયમી મનાઈહુકમ માટેના દાવામાં વાદી મનાઈહુકમ ઉપરાંત અથવા મનાઈહુકમના બદલે નુકસાનવળતર માગી શકે અને અદાલત એવું વળતર અપાવી શકે. પણ મૂળ દાવાઅરજમાં કે પાછળથી સુધારેલી દાવાઅરજમાં આવા વળતર માટેની માગણી કરવામાં ન આવે ત્યાં સુધી અદાલત વળતર અપાવી શકશે નહિ. મનાઈહુકમ માટેનો દાવો રદ થાય તો જવાબદારીના ભંગના વળતર માટેનો દાવો કરી શકાય નહિ.

નીચે પ્રમાણેના મનાઈહુકમ મળી શકે નહિ :

(1) મનાઈહુકમ માટેનો દાવો કરતી વખતે કોઈ ન્યાયિક કાર્યવાહી પક્ષકારો વચ્ચે ચાલતી હોય તો તે અટકાવવા મનાઈહુકમ આપી શકાય નહિ, સિવાય કે ન્યાયિક કાર્યવાહીઓની અનેકતા અટકાવવા મનાઈહુકમ જરૂરી બને.

(2) જે અદાલતમાં મનાઈહુકમ માટે દાવો કરવામાં આવ્યો હોય તેનાથી નીચલી ન હોય એવી અદાલતમાં કાર્યવાહી કરતાં કોઈ વ્યક્તિને રોકી ન શકાય.

(3) કોઈ પણ વ્યક્તિને વિધાનગૃહને અરજી કરતાં અટકાવી ન શકાય.

(4) કોઈ પણ વ્યક્તિને ફોજદારી કેસની કાર્યવાહી કરતાં અટકાવી ન શકાય.

(5) જે કરારનું વિશિષ્ટ પાલન કરાવી ન શકાય એવા કરારનો ભંગ થતો અટકાવી ન શકાય.

(6) કોઈ કૃત્ય ઉપદ્રવ (nuisance) છે કે નહિ એ સ્પષ્ટ ન હોય તો એ કૃત્યને અટકાવી ન શકાય.

(7) વાદીએ જેના માટે ગર્ભિત અનુમતિ આપી હોય એવા અવિરત ભંગને અટકાવી ન શકાય.

(8) બીજી કોઈ પણ કાર્યવાહી કરીને અન્ય અસરકારક દાદ મળી શકે એમ હોય.

(9) વાદી કે એના એજન્ટની વર્તણૂક એવી હોય કે અદાલત એને સહાય માટે અનધિકારી ગણે.

(10) વાદીને કેસમાં પોતાનું અંગત હિત ન હોય.

જે કરારમાં ચોક્કસ કૃત્ય કરવાનું વચન હોય તેમજ ચોક્કસ કૃત્ય નહિ કરવાનું પણ વચન હોય તો અદાલત ચોક્કસ કૃત્ય કરવાના વચનનું પાલન કરવા અસમર્થ હોય, છતાં જે કૃત્ય નહિ કરવાનું વચન આપેલું હોય તે કૃત્ય થતું અટકાવવા માટે મનાઈહુકમ આપી શકે. પણ એવો મનાઈહુકમ વાજબી સંજોગોમાં અને અપવાદાત્મક કેસોમાં જ આપી શકાય; દા.ત., એક કરારમાં વાદીએ જાહેરાત આપવાની ફરજ માથે લીધેલી અને પ્રતિવાદીએ એ કાર્ય બદલ પગાર આપવાનો હતો. જાહેરાત આપવાની ફરજનું વિશિષ્ટ પાલન ન કરાવી શકાય, પણ કરેલા કાર્ય બદલનો બાકીનો પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી બીજા કોઈને એ કાર્ય સોંપવા સામે મનાઈહુકમ આપી શકાય.

ચિનુપ્રસાદ વૈ. જાની