વિલ્સન, વુડ્રો (થૉમસ)
February, 2005
વિલ્સન, વુડ્રો (થૉમસ) (જ. 28 ડિસેમ્બર 1856, સ્ટાઉટન, વર્જિનિયા, અમેરિકા; અ. 3 ફેબ્રુઆરી 1924, વૉશિંગ્ટન, ડી. સી.) : શાંતિના પ્રખર પુરસ્કર્તા, નોબેલ પારિતોષિક-વિજેતા અને પૂર્વ અમેરિકાના પ્રમુખ. પિતા જૉસેફ રગલ્સ વિલ્સન અને માતા જેસી જૉસેફ વિલ્સન. બે ભાઈઓ અને બે બહેનોના આ પરિવારમાં સંતાનો પવિત્ર અને વિદ્વાન બને તે માટે તેમની માતાના સઘન પ્રયાસોને કારણે તેમનું કુટુંબજીવન પ્રેમ અને શિસ્તથી સભર હતું. વર્તન અને વ્યવહારનાં ઊંચાં ધોરણો તથા માનવતાની સેવાના પાઠ – બાળકોમાં આ બે આદર્શો અંગેની ક્ષમતા વિકસાવવા તેમનાં માતા-પિતા સદાય ઉત્સુક હતાં.
વર્જિનિયન તરીકે પોતાની ઓળખ આપનાર થૉમસ વિલ્સન ટૂંકા સમયગાળા માટે જ વર્જિનિયામાં રહ્યા હતા. તેમનું પારિવારિક નામ ટૉમી હતું અને 14 વર્ષની વયે તેમનું કુટુંબ સાઉથ કેરોલિના રાજ્યના કોલંબિયા નગરમાં સ્થિર થયું. શાળાના દિવસોમાં પાછળની પાટલીનો વિદ્યાર્થી થૉમસ વિલ્સન ભારે શરમાળ અને દિવાસ્વપ્નોમાં રાચતો કિશોર ગણાતો હતો. જાહેરમાં બોલવું અને વાંચવું તેને માટે કષ્ટદાયી હતું. કુટુંબની ઊંચી અપેક્ષા સંતોષવા સખત પરિશ્રમ કરતા આ કિશોરની નવું કંઈ શીખવાની ગતિ ધીમી હતી. આ અરસામાં તેઓ એક પ્રકારની જ્ઞાનતંતુઓની રોગગ્રસ્ત અવસ્થા ‘ડિસ્લેક્સિયા’-(dyslexia)નો ભોગ બન્યા હતા. પરંતુ કુટુંબનાં પ્રેમ અને હૂંફના કારણે તેમણે એકાગ્રતા અને શિસ્ત વિકસાવ્યાં. આ સમગ્ર ઉછેર દરમિયાન તેમની ઊંડી ધાર્મિક શ્રદ્ધા અત્યંત મજબૂત બની. કૉલેજકાળ દરમિયાન તેમની પ્રતિભા વિકસવા લાગી.
કૉલેજકાળના આરંભે સમગ્ર કુટુંબે વસવાટનું સ્થળ બદલી નૉર્થ કેરોલિના રાજ્યમાં સ્થિર થવાનું પસંદ કર્યું ત્યારે ત્યાંની પ્રેસ્બેટેરિયન સંસ્થામાં પ્રવેશ મેળવ્યો અને ‘સર્વોત્કૃષ્ટ’ કક્ષામાં રહી, ઉત્તમ ચર્ચા કરનાર તરીકે નામના મેળવી તેમણે સફળ વ્યવસાયી કારકિર્દી ઘડી. ગૉલ્ફ અને ફૂટબૉલ તેમના શોખની રમતો હતી. તેઓ વિલ્સન કૉલેજ ઑવ્ ન્યૂજર્સી(જે પાછળથી પ્રિન્સટન યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી.)માં દાખલ થયા ત્યારે વિદ્યાર્થી તરીકેની તેમની કારકિર્દી ઝળકી ઊઠી. અહીં તેમણે કૉલેજના સમાચારપત્રનું સંચાલન કર્યું, ચર્ચાશક્તિ વિકસાવી, ફૂટબૉલ ટીમના કપ્તાન બની ટીમને વિજયી બનાવી અને ‘અમેરિકન ગવર્નમેન્ટ’ નિબંધ લખ્યો; જે તે સમયના ખ્યાતનામ સામયિક ‘ઇન્ટરનૅશનલ રિવ્યૂ’માં પ્રગટ થયો. 1879માં તેઓ સ્નાતક બન્યા પછી યુનિવર્સિટી ઑવ્ વર્જિનિયાની લૉ સ્કૂલમાં પ્રવેશ લીધો અને કાયદાના સ્નાતક તરીકેનો અભ્યાસ અધૂરો છોડ્યો, આમ છતાં તેમને 1881માં ત્યાંના વકીલમંડળમાં સભ્યપદ એનાયત થયું અને તેમણે કાયદાની પ્રૅક્ટિસ પણ કરી. ત્યારબાદ તેઓ જ્યૉર્જિયાના ઍટલાન્ટામાં સ્થિર થયા. બે વર્ષ પ્રૅક્ટિસ કરી પણ તેમાં રસ ન પડતાં તે છોડી. આ જ અરસામાં તેમણે થૉમસ વિલ્સનને સ્થાને ‘વુડ્રો વિલ્સન’ નામથી હસ્તાક્ષર કરવાનો આરંભ કર્યો અને વુડ્રો વિલ્સન તરીકે જાણીતા બન્યા. 1883માં જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી, બાલ્ટીમોર ખાતે પ્રવેશ લઈ 1886માં ડૉક્ટરેટ થયા. તેમનો સંશોધન નિબંધ ‘કૉંગ્રેસનલ ગવર્નમેન્ટ’ પછીથી પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયો અને તુરત જ મુખ્ય પાઠ્યપુસ્તક તરીકે માન્યતા પામ્યો. આ પછીના ત્રણ દાયકા સુધી અમેરિકાના ઇતિહાસ અને રાજકારણનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો, જેના પરિપાક રૂપે ‘અ હિસ્ટરી ઑવ્ અમેરિકન પીપલ’(1902)ના પાંચ ગ્રંથોનું પ્રકાશન કર્યું અને યશ પામ્યા. આ ગાળા દરમિયાન 1885માં એલન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા અને લગ્નજીવનના પરિપાક રૂપે ત્રણ પુત્રીઓના પિતા બન્યા. 1915માં એલનનું અવસાન થતાં પુનર્લગ્નથી એડિથ બૉલિંગ ગાલ્ટ સાથે જોડાયા.
1890માં પ્રિન્સટન યુનિવર્સિટીમાં ‘જ્યુરિસ પ્રુડન્સ’ અને ‘પૉલિટિકલ ઇકૉનૉમી’ના પ્રાધ્યાપક તરીકે ખ્યાતનામ બન્યા. 1902 સુધીમાં પ્રાધ્યાપક તરીકેની તેમની પ્રતિષ્ઠા ચરમ સીમાએ પહોંચી, જેને લીધે તેમને આ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નીમવામાં આવ્યા. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકેના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે નવાં પરિવર્તનો કર્યાં, ઊંચાં ધોરણો સ્થાપ્યાં અને સુધારક પ્રેસિડેન્ટ તરીકે આગવી છાપ ઊભી કરી. 1910માં દાનનાં નાણાં કેવી રીતે વાપરવાં તે અંગે યુનિવર્સિટીના સંચાલકો સાથે મતભેદ સર્જાતાં તેમનું રાજીનામું માગવામાં આવ્યું. આ અરસામાં ડેમૉક્રેટિક પક્ષના અગ્રણીઓએ ન્યૂજર્સી રાજ્યના ગવર્નરના હોદ્દા માટે તેમનો સંપર્ક કર્યો, તેમણે ગવર્નર તરીકે ઉમેદવારી કરી અને રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ મતો સાથે ગવર્નર તરીકે વિજયી નીવડ્યા.
તેમના 1911થી 1912ના ગવર્નર-પદના હોદ્દા દરમિયાન ન્યૂજર્સી રાજ્યે પ્રાથમિક શિક્ષણના કાયદા સુધાર્યા, ભ્રષ્ટાચાર નાથ્યો, કામનાં સ્થળો સુધાર્યાં અને સુધારક મનોવૃત્તિના ગવર્નર તરીકે વ્યાપક લોકચાહના અંકે કરી. 1912 સુધીમાં ડેમૉક્રેટિક પક્ષના પ્રથમ પંક્તિના નેતા બનવા સાથે અમેરિકાના પ્રમુખ તરીકે તેમનું નામ રજૂ થયું અને આસાનીથી પ્રમુખીય ચૂંટણીમાં વિજેતા બન્યા. 1913થી 21 સુધી બે મુદત માટે અમેરિકાના પ્રમુખનું પદ તેમણે શોભાવ્યું.
દેશના પ્રમુખ તરીકે ‘ધ ન્યૂ ફ્રીડમ’ કાર્યક્રમનાં તેઓ પ્રખર પુરસ્કર્તા હતા. આ કાર્યક્રમનો હેતુ જાહેર સાહસોનાં સંરક્ષણ અને વૃદ્ધિનો હતો; જેમાં સમવાય સરકારે મુખ્ય ભૂમિકા ભજવી. વિલ્સનની વિનંતીઓને પરિણામે પછીનાં ચાર વર્ષોમાં જકાત ઘટાડતાં, આવક ઊભી કરતા અને વારસા અંગેના કરવેરાના કાયદા કૉંગ્રેસે ઘડ્યા અને બે રાષ્ટ્રીય બૅંકો સ્થાપી, જેને ‘ફેડરલ રિઝર્વ’ નામ આપવામાં આવ્યું. વ્યવસાય માટે, રેલવે માટે રાષ્ટ્રીય ધોરી માર્ગો તૈયાર કરાવ્યા, ખેડૂતો માટે નાણાં ધીરતા કાર્યક્રમો યોજ્યા. ખેડૂતોને ખેતીના વિકાસ માટે સમવાય સરકારનાં નાણાં મળી શકે તે માટેના કાયદા કૉંગ્રેસ પાસે ઘડાવ્યા અને વિકાસલક્ષી પ્રમુખ તરીકેની છાપ સ્થિર કરી.
વિદેશનીતિના ક્ષેત્રે બાળપણમાં શીખેલા માનવતાના પાઠો તાજા કર્યા અને રાષ્ટ્રો વચ્ચે પારસ્પરિક સન્માન તથા સમજદારી પર ભાર મૂકી સામ્રાજ્યવાદનો પ્રખર વિરોધ કર્યો. આ પૂર્વે 1908માં તેઓ અમેરિકન પીસ સોસાયટીના સભ્ય બન્યા હતા. તે વાત યાદ કરી દેશના પ્રમુખ તરીકે અમેરિકા વિશ્વશાંતિનો પુરસ્કર્તા દેશ બને તેવી અભિલાષા વ્યક્ત કરી. આ ક્ષેત્રે નક્કર પગલાં લેવા માટે તેમણે શસ્ત્રસરંજામ ઘટાડવાની તેમજ આંતરરાષ્ટ્રીય લવાદીની હિમાયત કરી, રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષોના ઉકેલ માટે યુદ્ધને બદલે મંત્રણાઓનો માર્ગ ચીંધ્યો.
1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળવાથી તેઓ અત્યંત નિરાશ થયા હતા અને આ યુદ્ધથી અમેરિકાને દૂર રાખવા ચાહતા હતા, પરંતુ જર્મન સબમરીને નૉર્થ આટલાંટિકમાં અમેરિકાનાં જહાજોને લક્ષ્યાંક બનાવી તોપમારો કર્યો અને અનિચ્છાએ જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવાની અમેરિકાને ફરજ પડેલી. આથી કૉંગ્રેસની સંમતિ સાથે 6 એપ્રિલ 1917માં અમેરિકા અધિકૃત રીતે પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રવેશ્યું અને ઇંગ્લૅન્ડ તથા ફ્રાંસની પડખે જોડાયું. વિલ્સને પોતાના આ નિર્ણય વિશે કહ્યું હતું કે, ‘તમામ ભાવિ યુદ્ધોનો અંત લાવવા આ એક અંતિમ યુદ્ધ’ લડીશું તથા ‘વિશ્વને લોકશાહી પદ્ધતિના સંચાલન માટે સલામત’ બનાવીશું. યુદ્ધ ચાલુ હોવા છતાં વિલ્સનનો પ્રયાસ વિશ્વના દેશોને શાંતિની દિશામાં માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો. યુદ્ધનો અંત લાવવામાં વિધાયક ભૂમિકા ભજવવા આંતરરાષ્ટ્રીય શાંતિ સંગઠન સ્થાપવાનો વિચાર સ્ફુર્યો. આ માટે ફ્રેંચ રાજનીતિજ્ઞ લિયોન બુઝર્વાએ ‘લીગ ઑવ્ નેશન્સ’ નામ સૂચવ્યું, જે તેમણે સ્વીકાર્યું અને એ દિશાના નક્કર પ્રયાસોના આરંભ રૂપે 1917માં કૉંગ્રેસ સમક્ષ સમગ્ર આયોજનની રૂપરેખા રજૂ કરી. પરંતુ આ સમયે જર્મન જહાજોનાં અમેરિકાનાં જહાજો પરના આક્રમણને કારણે ચર્ચા પડતી મૂકવામાં આવી. જાન્યુઆરી, 1918માં 14 મુદ્દાનો કાર્યક્રમ તેમણે રજૂ કર્યો; જે મુખ્યત્વે શાંતિની સ્થાપના માટેનો કાર્યક્રમ હતો. તેમાં તેમણે ‘ખુલ્લા દ્વારની મુત્સદ્દીગીરી’(open diplomacy)ની, દરિયાઈ સ્વાતંત્ર્યની, આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમાનતાની, શસ્ત્ર-સરંજામના ઘટાડાની, રાષ્ટ્રોના આત્મનિર્ણયના અધિકારની અને વિવિધ રાષ્ટ્રોનું સંગઠન રચવાની વાતો આવરી લીધી હતી.
નવેમ્બર 1918માં જર્મનીએ યુદ્ધવિરામની વિનંતી કરતાં પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. 1919માં વિલ્સન પૅરિસ ગયા અને ફ્રાંસ તથા ઇંગ્લૅન્ડના વડાપ્રધાનોને શાંતિસંધિ તૈયાર કરવા માટે મળ્યા. જે ‘વર્સાઇલ્સની સંધિ’ તરીકે જાણીતી બની. ફેબ્રુઆરી 1919માં શાંતિનું અલગ ખતપત્ર શાંતિપંચે મંજૂર કર્યું, જેમાં ‘લીગ ઑવ્ નૅશન્સ’ની સ્થાપનાની વાત સામેલ હતી. આ સમગ્ર ખતપત્ર વર્સાઇલ્સની સંધિના દસ્તાવેજ સાથે જોડવામાં આવ્યું અને જૂન મહિનામાં તેના પર સહીઓ થતાં વર્સાઇલ્સની સંધિના એક ભાગ રૂપે લીગ ઑવ્ નેશન્સનો જન્મ થયો અને આ સંસ્થાના સહસ્થાપક તરીકે વિલ્સનના પ્રયાસો સફળ નીવડ્યા. વિશ્વનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય શાંતિ સંગઠન અસ્તિત્ત્વમાં આવ્યું.
વિલ્સન આ કામ પૂરું કરી સ્વદેશ પાછા ફર્યા. અમેરિકાના બંધારણની જોગવાઈ અનુસાર આ સંધિમાં જોડાવા માટે સેનેટની સંમતિ આવશ્યક હતી, પરંતુ તે મંજૂરી ન મળતાં તેઓ ભારે નિરાશ થયા. પ્રારંભે સેનેટરોએ આ સંધિને મંજૂરી આપવા કેટલાક સુધારા સૂચવ્યા, વિલ્સન આવા કોઈ સુધારા માટે તૈયાર નહોતા અને ભારે મોટી મડાગાંઠ પેદા થઈ. આથી વિલ્સને આ સંધિનું સમર્થન કરવા પ્રજાને સીધી અપીલ કરી, આ માટે વ્યાખ્યાન-પ્રવાસોનું આયોજન કર્યું. પણ લાંબા પ્રવાસ અને અતિ પરિશ્રમથી તેમની તબિયત પ્રવાસ દરમિયાન જ લથડી અને તેમને વૉશિંગ્ટન ડી. સી. ખાતે પાછા ફરવું પડ્યું. આ માંદગી ઑક્ટોબરમાં વધુ ગંભીર બની. ગંભીર તબિયત છતાં નવેમ્બરમાં અને પછી માર્ચમાં એમ વારંવાર તેમણે લીગમાં જોડાવાની વાત અમેરિકાની સેનેટ સમક્ષ રજૂ કર્યા જ કરી; પણ સેનેટની મંજૂરી ન મળી તે ન જ મળી.
આ જ વર્ષે નોબેલ પારિતોષિક સમિતિએ 1919ના વર્ષનું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક વુડ્રો વિલ્સનને એનાયત કરતી ઘોષણા કરી. આ ઘોષણામાં જણાવ્યા મુજબ ‘વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં માનવતાને મૂળભૂત બાબત ગણી તેને તેમાં સામેલ કરવાનું આયોજન કરવા બદલ’ વુડ્રો વિલ્સનની વરણી કરવામાં આવી હતી. આ માનવતાલક્ષી પ્રયાસોની અન્ય દેશોએ કદર કરી છતાં અમેરિકાની સેનેટની સંમતિ ન જ મળી તેનો ઊંડો વસવસો તેમને રહ્યો. 11 નવેમ્બર 1923ના યુદ્ધવિરામ દિવસની ઉજવણી નિમિત્તે તેમણે છેલ્લું જાહેર ઉદ્બોધન કર્યું ત્યારે તમામ અમેરિકાવાસીઓને ‘સ્વહિતથી દૂર રહી સર્વોચ્ચ આદર્શો અને આંતરરાષ્ટ્રીય નીતિના શાંતિમય હેતુ’માં વિશ્વાસ વ્યક્ત કરવા અપીલ કરી હતી. શાંતિમય વિશ્વની આવદૃશ્યકતાનું તેમનું આર્ષદર્શન જાણે સમયથી ઘણું વહેલું હતું, તેમ છતાં ઘણાં અમેરિકાવાસીઓ હૃદય અને મનથી તેમની સાથે સંમત હતા. આમ એકલા અટૂલા રહેતા અમેરિકાને વિશ્વસમુદાય અને વિશ્વશાંતિ ભણી લઈ આવનાર નેતા વુડ્રો વિલ્સન હતા તે નિ:શંક છે. 1945માં સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રારંભે તેમાં જોડાઈને અમેરિકાએ લીગમાં ન જોડાવાની ભૂલ સુધારી અને શાંતિચાહક સૌપ્રથમ નેતા વુડ્રો વિલ્સનને સમુચિત અંજલિ આપી.
1924માં ઊંઘમાં જ તેમનું અવસાન થયું અને વૉશિંગ્ટન ડી. સી.ના નૅશનલ કથીડ્રલમાં તેમને દફનાવવામાં આવ્યા. ‘અ હિસ્ટરી ઑવ્ અમેરિકન પીપલ’(1902)ના પાંચ ગ્રંથો ઉપરાંત ‘કૉન્સ્ટિટ્યૂશનલ ગવર્નમેન્ટ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ’ (1908) પણ તેમનો નોંધપાત્ર ગ્રંથ છે.
રક્ષા મ. વ્યાસ