વિલ્સન, રૉબર્ટ વૂડ્રો [. 10 જાન્યુઆરી 1936, હ્યૂસ્ટન (Houston), ટૅક્સાસ] : બ્રહ્માંડીય સૂક્ષ્મ-તરંગ પૃષ્ઠભૂમિ-વિકિરણ(cosmic microwave back-ground radiation)ની શોધ બદલ 1978નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન વિજ્ઞાની.

ન્યૂજર્સીના હોલ્મડેલ (Holmdel) ખાતે આવેલ બેલ ટેલિફોન લૅબોરેટરીઝમાં 1964માં તેમણે પેન્ઝિયાસ સાથે કામ કર્યું. તેમણે 20 ફૂટના શિંગડા આકારના પરાવર્તક ઍન્ટેનાનો ઉપયોગ કર્યો. આ ઍન્ટેનાની ઉપગ્રહ-સંચારણ માટે રચના કરી હતી. તેના વડે આકાશ-ગંગા તારાવિશ્વ(milky-way galaxy)ની આસપાસ વલય રૂપે પ્રવર્તતા વાયુમાંથી ઉત્સર્જિત થતા રેડિયો-તરંગોનું અનુશ્રવણ (monitoring) કરવામાં આવતું હતું. જ્યારે આ વિજ્ઞાનીઓ તેમના સાધનનું અંકન કરતા હતા ત્યારે તેમણે અસામાન્ય સ્થિર પૃષ્ઠભૂમિ-વિકિરણ જોવા મળ્યું. તેથી તેમણે એવું સૂચન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાંથી એકધારું પારગમન કરતું આ વિકિરણ શેષ ઉષ્મીય ઊર્જા રૂપે છે. ધ્વનિ(noise)ની તીવ્રતા ઉપરથી એટલું નક્કી થયું કે આ વિકિરણનું તાપમાન 3.5 k જેટલું છે.

રૉબર્ટ વૂડ્રો વિલ્સન

એવું માનવામાં આવે છે કે અબજો વર્ષ પહેલાં આદિ વિસ્ફોટ સાથે આ વિશ્વનો પ્રારંભ થયો. વિસ્ફોટ પહેલાં વિશ્વનું સમગ્ર દ્રવ્ય અગનગોળા(fire ball)માં સમાવિષ્ટ થયેલું હતું. આ અગનગોળામાં ગરમી અને દબાણ પ્રચંડ હતાં. આ વિકિરણનું તાપમાન 18 અબજ વર્ષમાં 300થી 3 k સુધી નીચે આવ્યું. વિલ્સન અને પેન્ઝિયાસના પૃષ્ઠભૂમિ-વિકિરણના સંશોધનાત્મક અભ્યાસથી એવું નિશ્ચિત થયું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટ(big bang)થી થઈ છે.

પ્રહલાદ છ. પટેલ